गुजरात

જામજોધપૂરના શેઠવડાળા વિસ્તારમાં થયેલી બે ચોરીનો ભેદ ઉકેલાયો : રૂ.2.55 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપી ઝડપાયા | Two thefts Jamjodhpur solved: 3 accused arrested with valuables worth Rs 2 55 lakh



Jamnagar Theft Case : જામનગર એલ.સી.બી.એ શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી બે ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કોપર વાયર, મોટરસાયકલ, મોબાઇલ ફોન સહિત કુલ રૂ.2,55,060નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નોંધાયેલા વણશોધાયેલા ચોરીના ગુનાઓ ઉકેલવા એલ.સી.બી.ને સૂચના આપવામાં આવી હતી. તે અનુસંધાને એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. તથા સ્ટાફે સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન દરેડ-મસીતીયા રોડ ઉપરથી આરોપીઓના કબ્જાના મકાનમાં રેઇડ કરી પવનચક્કીના ટાવરમાંથી ચોરી કરાયેલ 266 કિલો કોપર વાયર તથા ઓગાળીને બનાવેલ કોપરની ઇંટો કબ્જે કરવામાં આવી હતી. સાથે ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બે મોટરસાયકલ, બે મોબાઇલ ફોન, ડીસમીસ અને કેબલ વાયર કાપવાની તણી મળી કુલ રૂ.2,55,060નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. 

પકડાયેલા આરોપીઓમાં ઉમરભાઈ ઉર્ફે અબાડો આલીભાઈ દેથા, અલ્તાફભાઈ ઉર્ફે કારો વલીમામદ બુઢાણી, ઇલસાદભાઈ ઇસ્માઈલભાઈ ખફીનો સમાવેશ થાય છે. જ્યારે ભરતભાઈ હરસુખભાઈ ચૌહાણ નામનો આરોપી હજુ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પવનચક્કીના ટાવરમાંથી ટીસીના અર્થીંગ વાયર ચોરી કર્યા હતા. આ મામલે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 303(2) હેઠળ નોંધાયેલા બે ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. મુખ્ય આરોપી ઉમરભાઈ ઉર્ફે અબાડો દેથા સામે અગાઉ પણ ચોરી અને ઘરફોડ ચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.

 



Source link

Related Articles

Back to top button