मनोरंजन

લંડનના પોશ વિસ્તારમાં સોનમ કપૂર અને આનંદ આહુજા સામે વિરોધ, જાણો અબજોપતિ કપલ સામે પાડોશીઓ કેમ છે ગુસ્સે | sonam kapoor anand ahuja london mansion property controversy notting hill




Sonam Kapoor London Property Controversy: બોલિવૂડના જાણીતા અભિનેતા અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર અને તેના અબજોપતિ પતિ આનંદ આહુજા તેમની વૈભવી જીવનશૈલીના કારણે ચર્ચામાં રહે છે. ભારત ઉપરાંત લંડનમાં પણ આ પાવર કપલ આલીશાન ઘરમાં સમય પસાર કરતું હોય છે, પરંતુ હાલમાં પશ્ચિમ લંડનના સૌથી પોશ ગણાતા ‘નોટિંગ હિલ’ વિસ્તાર આ દંપતીને કારણે ચર્ચાના છે. બ્રિટિશ મીડિયા હાઉસ ‘ધ ટાઇમ્સ’ અને ‘ડેઇલી મેઇલ’ના અહેવાલો અનુસાર, સોનમ અને આનંદને તેમના લંડન સ્થિત પાડોશીઓ તરફથી ઉગ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. અબજોપતિઓની વૈભવી સુવિધાઓ અને સામાન્ય નાગરિકોની શાંતિ બાબતે છેડાયેલો આ વિવાદ શું છે, ચાલો જાણીએ.

શું છે સમગ્ર પ્રોપર્ટી વિવાદ?

લગભગ ત્રણ વર્ષ પહેલાં સોનમ અને આનંદે નોટિંગ હિલ વિસ્તારમાં 200 વર્ષ જૂની એક જર્જરિત હવેલી (મેન્શન) આશરે ₹270 કરોડમાં ખરીદી હતી. આ ઐતિહાસિક પ્રોપર્ટીના રિનોવેશન માટે લાંબી કાનૂની અને પ્લાનિંગ પ્રક્રિયા ચાલી, જેને સ્થાનિક કાઉન્સિલ તરફથી તાજેતરમાં જ મંજૂરી મળી છે. આ કપલે હવેલીની બહારની ચાર દીવાલો એમ જ રાખીને અંદરનું આખું માળખું તોડીને બેઝમેન્ટ સ્વિમિંગ પુલ અને અન્ડરગ્રાઉન્ડ બાસ્કેટબોલ કોર્ટ સહિતની સુવિધાઓ ધરાવતું મકાન બનાવવાની યોજના બનાવી છે, જેના રિનોવેશન પાછળ અત્યાર સુધીમાં આશરે ₹60.4 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે. અસલી વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે આ હવેલીની નજીક આવેલા ‘હિલક્રેસ્ટ’ નામના એપાર્ટમેન્ટ બ્લોકમાં આ દંપતી સાથે જોડાયેલી એક કંપનીએ છેલ્લા 3 વર્ષમાં આશરે ₹51.4 કરોડ ખર્ચીને 5 ફ્લેટ અને એક ગેરેજ ખરીદી લીધા.

પાડોશીઓનો ડર, ‘નોકરના રૂમ’ની ધારણા અને ધમકી 

‘હિલક્રેસ્ટ’ બિલ્ડિંગના રહીશોનો આક્ષેપ છે કે આ 5 ફ્લેટ ખરીદવાનો હેતુ સોનમ અને આનંદની મુખ્ય હવેલીમાં કામ કરતા ઘરેલુ સ્ટાફ કે નોકરોને રાખવાનો છે. બિલ્ડિંગના સ્થાનિકોમાં આ વાતને લઈને ભારે નારાજગી અને ચિંતા છે.

– પ્રભાવ પાડવાનો ડર: રહેવાસીઓનું માનવું છે કે 23 ફ્લેટ ધરાવતા આ આખા બ્લોકમાં 5 ફ્લેટ ખરીદવાથી આ કંપની પાસે 4 જેટલા વોટિંગ શેર આવી ગયા છે. તેનાથી તેઓ બિલ્ડિંગના મેનેજમેન્ટ બોર્ડ પર અયોગ્ય પ્રભાવ પાડી શકે છે.

– કથિત વિચિત્ર ધમકી: સ્થાનિકોએ એવો પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે જ્યારે તેમણે આ ખરીદી સામે વાંધો ઉઠાવ્યો, ત્યારે કંપનીના પ્રતિનિધિ સાથેની ખાનગી બેઠકમાં તેમને એવી ચેતવણી અપાઈ હતી કે, જો વધારે હોબાળો થશે તો આ ફ્લેટ્સ ‘સોશિયલ હાઉસિંગ’ (સામાજિક આવાસ – જે ગરીબ કે સામાન્ય વર્ગ માટે સરકાર દ્વારા ફાળવાય છે) માટે આપી દેવાશે. સ્થાનિકો તેને ધનિકો દ્વારા અપાયેલી ધમકી તરીકે જોઈ રહ્યા છે.

સ્થાનિકોના મતે, આ અબજોપતિઓ શાંત વિસ્તારને રમતનું મેદાન બનાવવા માંગે છે અને પાવરફુલ હોવાને કારણે લોકો તેમની સામે ખુલ્લેઆમ બોલતા પણ ડરી રહ્યા છે.

પ્રતિનિધિઓએ આરોપ નકાર્યા 

આ વિવાદ અંગે સોનમ કપૂર અને આનંદ આહુજાના સત્તાવાર પ્રતિનિધિએ સ્પષ્ટતા કરી છે. તેમણે તમામ નકારાત્મક આરોપોને નકારી કાઢતા નીચે મુજબની માહિતી આપી છે. 

– આ ફ્લેટ્સ ખરીદનારી કંપની સાથે અભિનેત્રી સોનમ કપૂરનો કોઈ સીધો સંબંધ કે સંડોવણી નથી.

– આ મિલકતો કોઈ સ્ટાફ ક્વાર્ટર તરીકે વાપરવા માટે નહીં, પરંતુ શુદ્ધ રોકાણના હેતુસર ખરીદવામાં આવી છે.

પાડોશીઓના મંતવ્યમાં ફરક 

આ મુદ્દે પડોશીઓના મંતવ્યોમાં પણ વિભાજન જોવા મળ્યું છે. બિલ્ડિંગના એક રહીશે આ વિવાદને અતિશયોક્તિપૂર્ણ ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે લંડન જેવા સેન્ટ્રલ મેટ્રો સિટીમાં આવી પ્રોપર્ટી ખરીદવી સામાન્ય બાબત છે. 

ભારતથી લંડન સુધી અબજોનું નેટવર્ક

આનંદ આહુજા ભારતના અબજોપતિ બિઝનેસ ફેમિલીમાંથી આવે છે. તેઓ કપડાંનું ઉત્પાદન કરતી કંપની ‘શાહી એક્સપોર્ટ્સ’ (Shahi Exports) સાથે જોડાયેલા છે. તેઓ ‘ભાણે’ (Bhane) બ્રાન્ડના સીઈઓ અને ‘વેજનોનવેજ’ (VegNonVeg) સ્નીકર સ્ટોરના સહ-સ્થાપક પણ છે. સોનમ અને આનંદે વર્ષ 2018માં લગ્ન કર્યા હતા અને હાલમાં તેમને બે બાળકો (વાયુ અને રુદ્રલોક) છે. આ કપલ પાસે ભારતમાં મુંબઈ અને દિલ્હીમાં આલીશાન ઘરો છે. લંડનના નોટિંગ હિલમાં પણ તેઓ પહેલેથી જ એક ફ્લેટ અને સ્ટુડિયો ધરાવે છે. હાલ તો આ નવો વિવાદ સ્થાનિક આયોજન અને પ્રોપર્ટી મેનેજમેન્ટનો વિષય બન્યો છે.



Source link

Related Articles

Back to top button