‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ થઈ રહી છે ટ્રોલ: ઉંમરમાં માત્ર 1 વર્ષનો તફાવત, છતાં મૌની રોય બની વરુણ ધવનની ‘મા’ | Varun Dhawan and mount roy gets backlash over hai jawan toh ishq hona hai

![]()
Varun Dhawan Film Backlash: બોલિવૂડ ડિરેક્ટર ડેવિડ ધવનની આગામી મલ્ટિસ્ટારર ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’નું મોસ્ટ અવેટેડ ટ્રેલર શનિવારે મુંબઈમાં એક ભવ્ય ઇવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર આ ટ્રેલરને લઈને મિક્સ્ડ રિએક્શન મળી રહ્યા છે. જોકે, આ બધાની વચ્ચે ફિલ્મનું ટ્રેલર એક ખાસ કારણસર સૌથી વધુ લાઇમલાઇટ મેળવી રહ્યું છે, અને તે કારણ છે અભિનેત્રી મૌની રોયનો અણધાર્યો કિરદાર.
ઉંમરમાં માત્ર 1 વર્ષનો તફાવત, છતાં મૌની બની વરુણની ‘મા’
‘નાગિન’ ફેમ જાણીતી અભિનેત્રી મૌની રોય હાલ 40 વર્ષની છે અને ફિલ્મમાં તે લીડ એક્ટર વરુણ ધવનની માતાનો રોલ કરતી જોવા મળી રહી છે. આ દ્રશ્ય જોતાં જ ચાહકો ભારે આશ્ચર્યમાં મૂકાયા છે, કારણ કે વરુણ ધવનની ઉંમર પણ 39 વર્ષની છે. બંને કલાકારોની વાસ્તવિક ઉંમરમાં માત્ર એક જ વર્ષનો તફાવત હોવા છતાં મૌની રોયને વરુણની માતાના રોલમાં કાસ્ટ કરવામાં આવતા સોશિયલ મીડિયા પર નવી ચર્ચા અને ટ્રોલિંગ શરૂ થઈ ગયું છે.
ફિલ્મની અનોખી સ્ટોરી અને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ
જોકે, ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે મૌની રોય ફિલ્મમાં વરુણ ધવનની સગી માતા નથી, પરંતુ વાર્તાના એક જૂઠાણાના ભાગરૂપે તે ભાડાની એટલે કે ‘નકલી માતા’નો રોલ ભજવી રહી છે. ટ્રેલર સંકેત આપે છે કે મૌનીનો આ કિરદાર ફિલ્મમાં કોમેડી પીરસવા માટે રાખવામાં આવ્યો છે. તેમ છતાં, નેટીઝન્સને આ અજીબોગરીબ કાસ્ટિંગ બિલકુલ પચી રહ્યું નથી અને યુઝર્સ સોશિયલ મીડિયા પર ફિલ્મને ટ્રોલ કરી રહ્યા છે.
એક યુઝરે એક્સ પર આક્રોશ વ્યક્ત કરતા લખ્યું, “વરુણ ધવનની માતાના રોલમાં મૌની રોય? આ વળી કેવો મજાક છે!” જ્યારે અન્ય એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું, “મૌની રોય વરુણની નકલી માતા બની છે, પરંતુ સ્ક્રીન પર આ વાત સહેજ પણ ગળે ઉતરે તેવી કે માનવા જેવી લાગતી નથી.” વધુ એક યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું, “મૌની રોયને મા બનાવી દીધી! આના કરતાં તો બીજી ફિલ્મોની સ્ટોરી ઘણી સારી હોય છે.”
મૌની રોય અને સૂરજ નાંબિયારના છૂટાછેડા
ફિલ્મની ચર્ચાઓ વચ્ચે મૌની રોય પોતાની પર્સનલ લાઈફને લઈને પણ તાજેતરમાં હેડલાઈન્સમાં રહી છે. થોડા દિવસો પહેલા જ મૌની અને તેના પતિ સૂરજ નાંબિયારે સોશિયલ મીડિયા પર સત્તાવાર પોસ્ટ શેર કરીને પોતાના અલગ થવાની માહિતી આપી હતી અને મુશ્કેલ સમયમાં ચાહકો તેમજ મીડિયા પાસે પ્રાઇવસી જાળવી રાખવાની અપીલ કરી હતી.
રિલીઝ ડેટની અસમંજસ: ‘Toxic’ના કારણે બે વાર બદલાયો સમય
ડેવિડ ધવનના નિર્દેશનમાં બનેલી રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’માં વરુણ ધવનની સાથે મૃણાલ ઠાકુર અને પૂજા હેગડે પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મની રિલીઝ ડેટમાં અગાઉ મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. ફિલ્મ પહેલા 5 જૂન 2026ના રોજ સિનેમાઘરોમાં આવવાની હતી, પરંતુ સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ ‘Toxic’ સાથે બોક્સ ઓફિસ પર ટક્કર ટાળવા માટે તેની રિલીઝ વહેલી કરીને 22 મે 2026 નક્કી કરાઈ હતી.
જોકે, હવે જ્યારે ‘Toxic’ ફિલ્મની રિલીઝ લંબાઈ ગઈ છે, ત્યારે મેકર્સ દ્વારા ફરી એકવાર મોટો નિર્ણય લઈને આ ફિલ્મને તેની જૂની અને મૂળ રિલીઝ ડેટ એટલે કે 5 જૂન 2026 પર શિફ્ટ કરી દેવામાં આવી છે.



