થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી | Thailand Ends 60 Day Visa Free Entry What It Means for Indian Tourists

![]()
Thailand Ends 60-Day Visa-Free Entry: ભારતીય પ્રવાસીઓનું ફેવરિટ થાઈલેન્ડ હવે 90થી વધુ દેશો માટેની પોતાની પ્રખ્યાત 60 દિવસની વિઝા-ફ્રી એન્ટ્રી પોલિસી બંધ કરી રહ્યું છે. આ મોટા નિર્ણયના કારણે ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે. જો તમે બેંગકોક, પટાયા કે ફુકેટ જવાનું વિચારતા હોવ તો આ અપડેટ ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે હવે પૂરતી તૈયારી વિના લાંબા સમય સુધી થાઈલેન્ડમાં રોકાવું સરળ નહીં રહે.
વિઝા પોલિસીમાં અચાનક કેમ કરવો પડ્યો ફેરફાર?
કોરોના પછી પ્રવાસનને વેગ આપવા થાઈલેન્ડે 60 દિવસની વિઝા-ફ્રી સુવિધા આપી હતી, જેનો ભારતીયોએ ઘણો લાભ લીધો હતો. જોકે, કેટલાક વિદેશી નાગરિકો દ્વારા આ સુવિધાનો દુરુપયોગ કરી ઓવરસ્ટે કરવાના અને ગેરકાયદેસર બિઝનેસ ચલાવવાના કિસ્સા સામે આવ્યા હતા. આથી, સુરક્ષા વધુ ચુસ્ત કરવા અને આવી પ્રવૃત્તિઓ રોકવા થાઈ સરકારે હવે આ કડક પગલું ભર્યું છે.
હવે જૂના દ્વિપક્ષીય કરારોના આધારે મળશે એન્ટ્રી
થાઈ સરકાર હવે જૂના દ્વિપક્ષીય કરારોના આધારે એન્ટ્રી નિયમો નક્કી કરશે, જેથી ભારતીયો માટે વિઝા-ફ્રી સ્ટે 60 દિવસથી ઘટીને ફરી 30 દિવસનો થઈ શકે છે. જોકે, જરૂર પડ્યે થાઈ ઇમિગ્રેશન વિભાગમાંથી જરૂરી ફી અને દસ્તાવેજો દ્વારા વધુ 30 દિવસનું એક્સ્ટેન્શન મેળવી શકાશે. આ માટે વિઝા પોલિસી કમિટી દરેક દેશની સ્થિતિની અલગથી સમીક્ષા કરશે.
ડિજિટલ સિસ્ટમથી પ્રવાસીઓ પર રખાશે નજર
થાઈલેન્ડે ઓવરસ્ટે અને ગેરકાયદે બિઝનેસ રોકવા ઇમિગ્રેશન સિસ્ટમને સંપૂર્ણ ડિજિટલ કરી ‘Thailand Digital Arrival Card’ સિસ્ટમ લાગુ કરી છે. આ પેપરલેસ સિસ્ટમથી પ્રવાસીઓનો તમામ રેકોર્ડ ઓનલાઇન રહેશે, જેથી એરપોર્ટ પર પ્રક્રિયા ઝડપી બનશે અને વારંવાર એન્ટ્રી લેતા લોકોની સરળ ઓળખ થતાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત થશે.
આ પણ વાંચો: ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
સામાન્ય ભારતીય ટુરિસ્ટ્સ અને પ્રવાસન ઉદ્યોગ પર શું અસર થશે?
થાઈલેન્ડની અર્થવ્યવસ્થા પર્યટન પર નિર્ભર હોવાથી આ નિર્ણય આશ્ચર્યજનક છે. જોકે, મોટાભાગના ભારતીયો 7થી 15 દિવસની ટૂંકી ટ્રિપ પર જતા હોવાથી સામાન્ય પ્રવાસીઓ પર આની મોટી અસર નહીં થાય, પણ તેમણે પ્લાનિંગ સાવચેતીપૂર્વક કરવું પડશે. માત્ર ડિજિટલ નોમેડ્સ અને લાંબા વેકેશનવાળા લોકોએ નવા નિયમો મુજબ તૈયારી રાખવી પડશે. નિયમો કડક થયા છે પણ ભારતીયો માટે થાઈલેન્ડ જવાના દરવાજા બંધ નથી થયા.



