‘તમારા પર ભારતની જવાબદારી છે…’, રોજગાર મેળામાં 51000 નિમણૂક પત્રો વહેંચતા PM મોદીનું નિવેદન | pm modi distributes 51000 appointment letters 19th rozgar mela

![]()
PM Modi Rozgar Mela: દેશમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા લાખો યુવાનો માટે શનિવારનો દિવસ ખૂબ જ ખાસ સાબિત થયો છે. દિલ્હીમાં આયોજિત 19મા રોજગાર મેળામાં પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજરી આપી હતી. આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં પસંદગી પામેલા 51,000થી વધુ યુવાનોને ડિજિટલ માધ્યમથી નિમણૂક પત્ર (એપોઇન્ટમેન્ટ લેટર) એનાયત કર્યા હતા.
યુવાનોને સંબોધિત કરતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ દેશભરના હજારો યુવાનો માટે અત્યંત મહત્ત્વનો છે, કારણ કે હવે તેઓ દેશની વિકાસ યાત્રામાં જવાબદાર ભાગીદાર બનવા જઈ રહ્યા છે. રેલવે, બેન્કિંગ, સંરક્ષણ, આરોગ્ય અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં આ યુવાનો નવી જવાબદારીઓ સંભાળશે અને વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપશે. આ સફળતા બદલ પીએમ મોદીએ તમામ પસંદગી પામેલા યુવાનો અને તેમના પરિવારોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
વૈશ્વિક સ્તરે ભારતની ટેક્નોલોજી અને યુવાનોનો ડંકો
પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ તાજેતરમાં જ કરેલા પાંચ દેશોના પ્રવાસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ માત્ર પાંચ દેશોની મુલાકાત નહોતી, પરંતુ આ પ્રવાસ દરમિયાન તેમણે વિશ્વની ઘણી મોટી કંપનીઓના વડાઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. આ તમામ બેઠકોમાં એક વાત સમાન રીતે અનુભવવા મળી કે આજે આખી દુનિયા ભારતના યુવાનોની ક્ષમતા અને દેશની ટેક્નોલોજીકલ પ્રગતિને જોઈને અત્યંત ઉત્સાહિત છે. હાલમાં વૈશ્વિક સ્તરે ભારત આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને સમગ્ર વિશ્વ ભારતની આ વિકાસ યાત્રાનો એક ભાગ બનવા આતુર છે.
રોજગાર મેળો હવે એક મિશન અને સંસ્થા બન્યો
સરકાર માત્ર સરકારી નોકરીઓ જ નહીં, પણ સ્કિલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ અને ડિજિટલ સેક્ટરમાં પણ રોજગારીની નવી તકો ઉભી કરી રહી છે. પીએમ મોદીના જણાવ્યા મુજબ, સરકારી ભરતીને ઝડપી બનાવવા શરૂ કરાયેલો ‘રોજગાર મેળો’ હવે એક મજબૂત સંસ્થા બન્યો છે. વિશ્વના સૌથી યુવા દેશોમાંના એક એવા ભારતમાં ડિજિટલ ઇન્ડિયાને કારણે નવી અર્થવ્યવસ્થાનો વિસ્તાર થયો છે, જેનાથી દેશ એનિમેશન અને ડિજિટલ મીડિયા ક્ષેત્રે ગ્લોબલ હબ બની રહ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાર્ટઅપ અને ટેક્નોલોજી સેક્ટરમાં વધી રહેલા રોકાણને લીધે યુવાનો માટે રોજગારના નવા દ્વાર ખૂલ્યા છે.
દેશના 47 શહેરોમાં એકસાથે ભવ્ય આયોજન
આ વખતના રોજગાર મેળાનું આયોજન માત્ર દિલ્હી પૂરતું સીમિત ન રાખતા દેશના 47 શહેરોમાં એકસાથે કરાયું છે, જેથી સ્થાનિક સ્તરે વધુમાં વધુ યુવાનો સુધી સીધી પહોંચ બનાવી શકાય. સરકારનો દાવો છે કે આ પહેલથી ભરતી પ્રક્રિયા વધુ પારદર્શક અને ઝડપી બની છે, જેના લીધે લાખો યુવાનોને ટૂંકા સમયમાં નિમણૂક પત્રો મળ્યા છે. કેન્દ્ર સરકાર આ સમગ્ર પ્રક્રિયાને એક મોટા ‘યુવા સશક્તિકરણ અભિયાન’ તરીકે રજૂ કરી રહી છે.
સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને વિદેશમાં રોજગારીની નવી તકો
પીએમ મોદીના જણાવ્યા મુજબ, દેશમાં અંદાજે બે લાખ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ કાર્યરત છે, જે 21 લાખથી વધુ યુવાનોને રોજગારી આપી રહ્યા છે. ડિજિટલ ઇન્ડિયા અને નવી ટેક્નોલોજીના કારણે નોકરીઓની તકોમાં મોટો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત, ભારતીય યુવાનોને વિદેશમાં પણ તકો મળે તે માટે સરકાર અન્ય દેશો સાથે મહત્ત્વના કરારો (માઇગ્રેશન એગ્રીમેન્ટ્સ) કરી રહી છે, જેથી આગામી સમયમાં સ્કિલ આધારિત રોજગારી પર વધુ ભાર મૂકાશે.



