2027ના વર્ષ માટે એચ-1બી વિઝાના રજિસ્ટ્રેશનમાં 38.5 ટકાનો ધરખમ ઘટાડો | H 1B visa registrations for 2027 see a sharp decline of 38 5 percent

![]()
– 2026માં 3.43 લાખની સામે 2027માં 2.11 લાખનું જ રજિસ્ટ્રેશન
– અમેરિકાની ઉચ્ચ ડિગ્રી ધરાવતા અને ઊંચા પગારની ડિમાન્ડ કરતાં આઈટી પ્રોફેશ્નલ્સને જ વિઝા આપવાની નવી પૉલિસી
વૉશિંગ્ટન : અમેરિકાએ એચ-૧બી વિઝા માટે નવી પૉલિસી અમલી બનાવી હતી. ટ્રમ્પ સરકારે સ્થાનિક અમેરિકન યુવાનોને આઈટીમાં નોકરી મળે તે માટે એવી પૉલિસી લાગુ પાડી છે કે જે વિદેશી આઈટી પ્રોફેશ્નલ્સ ઉચ્ચ ડિગ્રી ધરાવતા હશે, એમાંય અમેરિકન યુનિવર્સિટીઝના ડિગ્રીધારકો હશે અને જેમને ઊંચો પગાર આપવો પડે તેમ હશે તેમને એચ-૧બી વિઝામાં પ્રાથમિકતા આપવી પડશે. તેનો અર્થ એ કે વિદેશી પ્રોફેશ્નલ્સને ઊંચો પગાર આપવો પડે એના બદલે આઈટી કંપનીઓ સ્થાનિક યુવાનોને જ રોજગારી આપવાનું પસંદ કરે. એ કારણે એચ-૧બીના રજિસ્ટ્રેશનમાં ધરખમ ઘટાડો થયો છે.
અમેરિકાના ઈમિગ્રેશન વિભાગના આંકડાં પ્રમાણે ૨૦૨૭ના વર્ષ માટે એચ-૧બી વિઝા માટે રજિસ્ટ્રેશનમાં ૩૮.૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકન સરકારે જે વિદેશી નાગરિકોને એચ-૧બી વિઝા હેઠળ અપ્રૂવલ આપ્યું છે તે ઉચ્ચ ડિગ્રી ધરાવે છે, ખાસ તો અમેરિકન યુનિવર્સિટીઝની ઉચ્ચ ડિગ્રી ધરાવે છે અને તેમની પગારની ડિમાન્ડ ખૂબ વધારે છે. હાઈ સેલરીની કેટેગરીમાં જ ૭૧ ટકાને વિઝા મળ્યા છે. નીચો પગાર ધરાવતા હોય એવા માત્ર ૧૭.૭ ટકા અરજદારોને જ અપ્રૂવલ આપવાની પૉલિસી આ વર્ષે લાગુ થઈ છે.
ઈમિગ્રેશન વિભાગે કહ્યું હતું, અમે એવા અરજદારોને જ અપ્રૂવલ આપ્યું છે, જે હાયર ડિગ્રી ધરાવતા હોય અને તેમના કારણે દેશના અર્થતંત્ર પર ખરેખર પોઝિટિવ અસર થશે. એમાંય અમેરિકામાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવી હોય તેમને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી હતી. ગયા વર્ષે અમેરિકામાંથી માસ્ટર્સ ડિગ્રી ધરાવતા ૫૭ ટકાની સામે આ વર્ષે એ આંકડો વધીને ૭૧ ટકા થયો છે. સ્કિલ્ડ વર્કર્સ અને હાયર એજ્યુકેશન ધરાવતા વિદેશી નાગરિકો ખરેખરી અસર કરી શકતા હોવાથી આ નીતિ અપનાવવામાં આવી હતી.
ભારતીય આઈટી નિષ્ણાતોમાં એચ-૧બી વિઝાની કેટેગરી ખૂબ પોપ્યુલર રહેતી આવી છે. આ કેટેગરીમાં વિઝા મેળવતા વિદેશી નાગરિકોમાં ભારતીયોનો આંકડો ૬૦-૭૦ જેટલો ઊંચો રહ્યો છે, પરંતુ આ વખતે નવી પૉલિસી લાગુ થઈ હોવાથી ભારતીયોને મોટો ફટકો પડયો છે. વિઝા રિજેક્શનના ડરથી આ વર્ષે ભારતીય આઈટી પ્રોફેશ્નલ્સમાં અરજી કરવાનું ઠંડુ વલણ જોવા મળ્યું હતું.



