ઉપલેટાના ખારચીયા (શહીદ) ગામના એક જ પરિવારના 16ને ફૂડ પોઇઝનિંગ | 16 members of a family from Kharachiya village in Upleta suffer from food poisoning

![]()
પ્રવાસમાંથી પરત ફરતી વખતે હોટલમાં નાસ્તો કર્યો હતો
છાશ અને પફ ખાધા બાદ તબિયત લથડતાં સારવારમાં
ઉપલેટા: ઉપલેટા તાલુકાના ખારચીયા (શહીદ) ગામના એક જ પરિવારના ૧૬ જેટલા સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થતા તાત્કાલિક ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ પરિવાર હર્ષદ, દ્વારકા, બેટ દ્વારકા અને પોરબંદર ખાતે પ્રવાસ માટે ગયો હતો, અને પરત ફરતી વખતે હોટલમાં નાસ્તો કરતા ફૂડ પોઇઝનિંગનો ભોગ બન્યો હતો.
દર્દીઓ અને તેમના પરિવાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ખારચિયા ગામે રહેતા પરિવારે પ્રવાસથી પરત ફરતી વખતે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પોરબંદર-ઉપલેટા રોડ પર ગણોદના પાટિયા પાસે આવેલી એક હોટલ ખાતે નાસ્તા માટે હોલ્ટ કર્યો હતો. પરિવારના સભ્ય જીજ્ઞોશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, તેઓએ હોટલમાં છાશ પીધી હતી અને પફ ખાધા હતા. ત્યારબાદ ઘરે પહોંચ્યા પછી તરત જ પરિવારના સભ્યોને ઉલ્ટીઓ થવા લાગી હતી. પરિસ્થિતિ ગંભીર બનતા તાત્કાલિક ૧૦૮નો સંપર્ક કરવામાં આવ્યો હતો. બે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ ૧૬ અસરગ્રસ્તોને ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત લથડવાનું પ્રાથમિક કારણ હોટલનો નાસ્તો હોવાનું આ બાબતે દર્દી અને તેમના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે, છતાં ચોક્કસ કારણ અંગે તબીબી તપાસ ચાલુ છે.
સારવાર હેઠળ રહેલા દર્દીઓમાં કાળાભાઈ ગોકળભાઈ ચૌહાણ (ઉ.વ. ૭૦), જયેશભાઈ કાળાભાઈ ચૌહાણ (ઉ.વ. ૪૨), સોનીબેન કાળાભાઈ ચૌહાણ (ઉ.વ. ૬૫), મધુબેન મુકેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૪૮), હરેશભાઈ મુકેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૭), કમલેશ જયેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૨), ભુમિકાબેન જયેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૦), મિત હરેશભાઈ ચૌહાણ ( સાડા છ વર્ષ), પ્રિયાંશી હરેશભાઈ ચૌહાણ (દોઢ વર્ષ), હેતાંશ ભૌતિકભાઈ વાઘેલા (અઢી વર્ષ), ભાવનાબેન જયેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૪૨), જીજ્ઞોશ મુકેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૨૫), રેનિશ રાજેશભાઈ વાઘેલા (ઉ.વ. ૧૯), કાજલબેન હરેશભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૦), ભૌતિક જયેશભાઈ વાઘેલા (ઉ.વ. ૨૨) અને સહદેવ વિજયભાઈનો સમાવેશ થાય છે.



