गुजरात

પડધરી પંથકના યુવાનની હત્યા પ્રકરણમાં બેદરકાર ચાર પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | Four negligent police officers suspended in the murder case of a young man from Paddhari parish



– બે પીઆઇ અને પીએસઆઇ, એએસઆઇને ફરજમોકૂફ કરાયા

– દુષ્કર્મ અને પોક્સોના ગંભીર ગુનાના આરોપીને પકડવામાં પોલીસ અધિકારીઓ નબળા પુરવાર થતાં આશાસ્પદ યુવાને જીવ ગુમાવવો પડયો

– ખાખડાબેલાના યુવાનની હત્યા કેસના આરોપીઓને ઝડપી લેવા માટે એએસપીના વડપણ હેઠળ ટીમની રચના

પડધરી: પડધરીના ખાખડાબેલા ગામે રહેતા અને રાજકોટમાં વાહન લે-વેંચનો વ્યવસાય કરતા યુવરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.વ.૪૦)નામના યુવકની હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે અગાઉ દુષ્કર્મ અને પોક્સોના ગુના નોંધાયા બાદ સ્થાનિક પોલીસ અધિકારીઓની ઢીલી નીતિને કારણે ફરાર આરોપી ઝડપાયા નહોતા. આ પ્રકારની બેદરકારીને ધ્યાને લઇ રેન્જ આઇજીએ બે પીઆઇ તથા એક પીએસઆઇ અને એક એએસઆઇને સસ્પેન્ડ કરવાનો આદેશ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

પડધરીના ચર્ચાસ્પદ મર્ડર કેસની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના અયોધ્યા ચોકમાં વાહન લે-વેંચનો વ્યવસાય કરતા ખાખડાબેલા ગામના યુવરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.વ.૪૦) નામના યુવાન ઉપર બુધવારે રાત્રિના ખાખડાબેલા ગામ નજીક તેમની કાર આડે ઉતરીને છરીના આડેધડ ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડાયેલા યુવરાજસિંહને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન એવી વિગતો બહાર આવી’તી કે મૃતક યુવરાજસિંહે વર્ષ ૨૦૨૪માં પડધરી પોલીસ મથકમાં મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, યશપાલસિંહ રસિકસિંહ જાડેજા સહિત ત્રણ સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી.

આ ગુનામાં એક હાલ જેલમાં છે જ્યારે મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ બંને ફરાર છે. આ બંને આરોપીઓ મૃતક યુવાનને સમાધાન કરી લેવા કહેતા હતા. પરંતુ તેઓ સંમત નહીં થતા જેનો ખાર રાખી બંને આરોપીઓએ છરીના ઘા ઝીંકી યુવરાજસિંહને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઇ રાજકોટ રેન્જના આઇજી નિર્લિપ્ત રાયે અગાઉના વર્ષે ૨૦૨૪ના પોક્સો અને દુષ્કર્મના કેસમાં આરોપીને પકડવામાં બેદરકારી દાખવનાર તપાશનીશ તત્કાલિન પીઆઇ એચ.એન.રાઠોડ ત્યાર બાદ પીઆઇ તરીકેનો ચાર્જ સંભાળનાર એસ.એન.પરમાર અને પીએસઆઇ જે.જે.વાળા તથા ડી-સ્ટાફના ઇન્ચાર્જ એએસઆઇ ભગીરથસિંહ જાડેજાએ આરોપીઓને પકડવાની તસદી નહીં લેતા ફરજમાં મોકૂફ કરવાનો આદેશ કર્યો હતો. પોલીસ અધિકારીઓની બેદરકારીને લીધે આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો હોવાનું જણાવી હુમલાખોર શખ્સોને ઝડપી લેવા એસએસપીના વડપણ હેઠળ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં ૧૦૦થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો તપાસમાં જોડાશે. 

– માત્ર ટુંકા દિવસના ગાળામાં પીઆઇ પરમાર બીજી વખત સસ્પેન્ડ

પડધરીના મર્ડર કેસમાં સસ્પેન્ડ પીઆઇ એસ.એન.પરમાર અગાઉ લોધિકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડાના મામલે સસ્પેન્ડ થયા હતા ત્યારબાદ ૧૫ દિવસના માત્ર ટુંકાગાળામાં બીજી વખત સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.



Source link

Related Articles

Back to top button