યુનિ.માં એફવાયબીકોમની એન્ટ્રન્સ એક્ઝામ પહેલા આજે મોક ટેસ્ટ, 9900 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન | mock test before first year entrance exam in commerce faculty of msu

![]()
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયમાં પ્રવેશ માટે તા.૨૬ મેના રોજ લેવાનારા એન્ટ્રન્સ ટેસ્ટ પહેલા તા.૨૩ મે, શનિવારે સવારે ૧૦ થી ૨ વાગ્યા સુધી મોક ટેસ્ટનું આયોજન કરાયું છે.
પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓ આ મોક ટેસ્ટ આપી શકશે.કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો.પ્રજ્ઞોશ શાહે કહ્યું હતું કે, આ ટેસ્ટ લેવા પાછળનો આશય કોઈ ટેકનિકલ મુશ્કેલી નથી આવી રહી તે ચકાસવાનો છે.વિદ્યાર્થીઓને પણ ઓનલાઈન એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની પ્રેક્ટિસ મળશે.ટેસ્ટમાં માત્ર પંદર પ્રશ્ન પૂછાશે.૧૦ થી ૨ના સમયમાં વિદ્યાર્થી ગમે ત્યારે સાઈટ પર લોગ ઈન થઈ શકશે અને ટેસ્ટ આપી શકશે.વિદ્યાર્થીઓને આ માટેની લિન્ક મોકલી દેવામાં આવી છે.વિદ્યાર્થીઓ લેપટોપ, ડેસ્ક ટોપ કોમ્પ્યુટર કે મોબાઈલનો ઉપયોગ કરીને પણ મોક ટેસ્ટ અને એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે.એપલના લેપટોપ કે મોબાઈલનો ઉપયોગ વિદ્યાર્થીઓ ના કરે તે હિતાવહ છે.
તેમણે કહ્યું હતું કે, એફવાયબીકોમ માટે યુનિવર્સિટીની સાઈટ પર ૯૯૦૦ વિદ્યાર્થીઓએ અને જીકાસ પોર્ટલ પર ૮૦૦૦ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે.પરીક્ષા આપીને પ્રવેશ માટે ક્વોલિફાય થવા બંને સાઈટ પર ફોર્મ ભરવું જરુરી છે.મોક ટેસ્ટ લેતા પહેલા પણ આજે ટેસ્ટિંગ કરવામાં આવ્યંય હતું અને તેમાં ૭૦ જેટલા અધ્યાપકોને વિદ્યાર્થીઓની જગ્યાએ બેસાડવામાં આવ્યા હતા.


