વેનેઝૂએલાનાં અંતરિમ પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝ આગામી સપ્તાહે ભારત આવશે : તેલ પૂરવઠા અને ઉર્જા સંબંધે કરારો થવા સંભવ | Venezuela’s interim president Delcy Rodriguez to visit India next week

![]()
– વેનેઝૂએલામાં દુનિયાના સૌથી મોટા તેલ ભંડારો છે
– તેઓ ઉપપ્રમુખ હતાં ત્યારે બે વખત ભારત આવ્યાં હતાં તે તેમના ગુરૂ સત્ય સાંઈબાબાનાં પુટ્ટઅર્લી સ્થિત આશ્રમમાં રહ્યાં પણ હતાં
નવી દિલ્હી : દક્ષિણ અમેરિકાના કેરેલિયન સી-તટપ્રદેશ પર રહેલાં વેનેઝૂએલાનાં અંતરિમ પ્રમુખ ડેલ્સી રોડ્રિગ્ઝ આગામી સપ્તાહે ભારત આવવાનાં છે. તેઓ આ મુલાકાત દરમિયાન ભારતને તેલ વેચવા અંગે મંત્રણા કરશે તેમાં અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ ગુરૂવારે જણાવ્યું હતું. બીજી તરફ માર્કો રૂબિરો પણ શનિવારે ભારત આવવાના છે.
તે સર્વવિદિત છે કે, અમેરિકાએ વેનેઝૂએલાનાં પૂર્વ પ્રમુખ નિકોલસ માદુરોની જાન્યુઆરીમાં ધરપકડ કરી તેમને અને તેમના પત્નીને અમેરિકાએ જેલમાં નાખ્યાં છે. તે સમયે ડેલ્સી રોડ્રિગ્ઝે અમેરિકાની ઉગ્ર ટીકા પણ કરી હતી. છતાં પ્રમુખ ટ્રમ્પે ડેલ્સી રોડ્રિગ્ઝની પ્રશંસા પણ કરી હતી. અત્યારે ડેલ્સી વેનેઝૂએલાનાં અંતરિમ પ્રમુખપદે છે.
માર્કો રૂબિયોએ ભારત આવતાં પહેલાં પત્રકારોને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ઈઝરાયલ-અમેરિકાએ ઈરાન સામે છેડેલાં યુદ્ધ પછી જે અંધાધૂંધી સર્જાઈ છે, તેથી ભારતના અર્થતંત્રને ધક્કો પહોંચ્યો છે. આથી ભારતને જોઈએ તેટલી ઉર્જા (તેલ) વેનેઝૂએલા વેચે તેમ હું ઈચ્છું છું. તેમણે વધુમાં કહ્યું કે, હું જાણું છું ત્યાં સુધી વેનેઝૂએલામાં તેલ માટે તકો રહેલી છે. ભારતને ઉર્જા (તેલ)ની જરૂર છે જે વેનેઝૂએલા પૂરી પાડી શકે તેમ છે. ભારત સાથે અમારે પણ ઘણું કામ કરવાનું છે તે અમારૃં મહત્વનું સાથી છે.
ડેલ્સી રોડ્રિગ્ઝ ભારતનાં દિવંગત ધર્મગુરૂ ‘સત્ય-સાંઈ-બાબા’ના ભક્ત છે. સત્ય સાંઈબાબાની હયાતી દરમિયાન તેઓ વેનેઝૂએલાના ઉપપ્રમુખપદે હતાં. ત્યારે તેઓ બે વખત પુષ્ટપર્તિ સ્થિત સત્ય સાંઈબાબાનાં આશ્રમમાં રહ્યાં પણ હતા. આમ ડેલ્સી રોડ્રિગ્ઝને ભારત સાથે વિશિષ્ટ સંબંધો છે. તેઓ ભારતમાં ઊર્જા, ટેકનોલોજી, વિજ્ઞાન તથા આર્થિક ક્ષેત્રે સહકાર સ્થાપવાના કરારો કરશે તેમ સહજ અનુમાન બંધાઈ રહ્યું છે.
ભારતીય કંપનીઓને વેનેઝૂએલામાં રોકાણ કરવા અનુરોધ કરશે તેમ પણ માનવામાં આવે છે. સૌથી મહત્વની વાત તો તેલ પૂરવઠાની છે. વેનેઝૂએલા પાસે દુનિયાના સૌથી મોટા તેલ ભંડારો છે.



