જનતા ‘ટીપું’ ડીઝલ માટે બિચારી અને ભાજપના નેતાઓને જોઈએ તેટલું ડીઝલ | The public is poor for drop of diesel and BJP leaders get as much diesel as they want

![]()
મનપાના શાસકોની ગાડીઓમાં ફૂલ ટેન્ક ડીઝલ ક્યાંથી આવ્યું તે સવાલ : ડીઝલની કટોકટી વચ્ચે રાજ્યપાલ જો બસ-ટ્રેનમાં મુસાફરી કરી શકતા હોય તો જૂનાગઢના મેયર અને નેતાઓ માટે નિયમો અલગ કેમ ?
જૂનાગઢ, : સમગ્ર જૂનાગઢ જિલ્લામાં હાલ ડીઝલની ગંભીર અછત સર્જાઈ છે. સામાન્ય પ્રજા, ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરો પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી રહ્યા છે છતાં કોઈને પણ રૂા. 1000થી વધુનું ડીઝલ આપવામાં આવતું નથી. આવી કપરી અને કટોકટીભરી પરિસ્થિતિમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન અને શાસક પક્ષના નેતાની ગાડીઓમાં ગાંધીનગર જઈને પાછા આવી શકાય તેટલું અધધ ડીઝલ ક્યાંથી આવ્યું ? તેવા ધારદાર સવાલો જૂનાગઢની જનતા પૂછી રહી છે.
એક તરફ આદર્શ ઉદાહરણ પૂરૂ પાડતા રાજ્યના મહામહિમ રાજ્યપાલ વડોદરા ખાતે પદવીદાન સમારોહમાં હાજરી આપવા માટે ગાંધીનગરથી ટ્રેન અને બસ મારફત તથા કાર્યક્રમ સ્થળે સાયકલ લઈને પહોંચ્યા હતા. રાજ્યપાલ જેવો સર્વોચ્ચ હોદ્દો ધરાવતી વ્યક્તિ દેશ અને રાજ્યની કટોકટી સમજીને સાદગી અપનાવી શકતી હોય તો જૂનાગઢના સ્થાનિક શાસકોમાં આટલી સમજણ કેમ નથી ?
જ્યારે સમગ્ર જૂનાગઢ ડીઝલની કટોકટીનો સામનો કરી રહ્યું છે ત્યારે શાસકોને પ્રજાની ચિંતા કરવાને બદલે ગાંધીનગરના આંટા મારવામાં રસ છે. આ પ્રજા સાથે ક્ર મજાક હોવાનો લોકોનો સૂર છે. ખાસ વાત એ છે કે આ મુદ્દે માત્ર સામાન્ય જનતા જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ જૂના અને પીઢ કાર્યકરોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. પક્ષના પાયાના માણસો પણ કહી રહ્યા છે કે વર્તમાન શાસકો સત્તાના નશામાં પ્રજાની હાડમારી ભૂલી ગયા છે. જૂનાગઢની જનતા આજે સવાલ કરી રહી છે કે પેટ્રોલ પંપો પર સામાન્ય નાગરિકો માટે જે નિયમો છે તેમાંથી આ નેતાઓને મુક્તિ કોણે આપી ? કટોકટીના સમયે પ્રજાની વચ્ચે રહેવાને બદલે ગાંધીનગર દોડી જવાની એવી તે કઈ આફત આવી પડી હતી ?



