ફાજલપુર પાસે ડોક્ટર ચાલુ ટ્રેનમાંથી મહિસાગર નદીમાં પટકાતા મોત | Doctor dies after falling into Mahisagar river from moving train near Fazalpur

![]()
વડોદરા,આણંદના આયુર્વેદિક ડોક્ટરે ચાલુ ટ્રેનમાંથી મહિસાગર નદીમાં પડતા તેઓનું મોત થયું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કિસ્સો આપઘાતનો હોવાનું પોલીસને લાગી રહ્યું છે. જોકે, ટ્રેનમાંથી નીચે પડવાની તેમજ ધક્કો વાગવાથી પડી ગયા હોવાની પણ શક્યતાના આધારે પોલીસ તપાસ કરી રહી છે.
ગઇકાલે બપોરે ફાજલપુર મહિસાગર નદીમાં કામ કરતા શ્રમજીવીઓએ એક વ્યક્તિને ટ્રેનમાંથી નીચે પડતા જોયો હતો. જેથી, તેઓએ પોલીસને જાણ કરી હતી. નંદેસરી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસે ટ્રેનમાંથી નીચે પડનાર વ્યક્તિને શોધવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. મોડીસાંજે મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના ખિસ્સામાંથી મળેલા પર્સ અને દસ્તાવેજોના આધારે તેની ઓળખ થઇ હતી. મૃતકનું નામ જૈનીશકુમાર રસીકભાઇ પટેલ (રહે. કરૃણેશ ફ્રેન્ડ્સ કોલોની, ગ્રીડ પાછળ, આણંદ) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેમના પરિવારનો સંપર્ક કરી બનાવની જાણ કરી હતી. મૃતક પાસેથી કોઇ ચિઠ્ઠી મળી આવી નહતી. જૈનીશકુમાર આયુર્વેદિક ડોક્ટર છે અને તેમના પત્ની ફિઝિયોથેરાપિસ્ટ છે.પાંચ વર્ષના લગ્નગાળા દરમિયાન એક સંતાન પણ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી પણ વિગતો જાણવા મળી છે કે, જૈનીશકુમાર વડોદરાથી મેમૂ ટ્રેનમાં બેસીને આણંદ તરફ જતા હતા. તે દરમિયાન ફાજલપુર બ્રિજ પરથી નીચે પટકાયા હતા. પોલીસ દ્વારા હજી તેમના પરિવારજનોની પૂછપરછ થઇ શકી નથી. પૂછપરછ પછી વધુ વિગતો જાણવા મળશે. પોલીસનું કહેવું છે કે, પ્રાથમિક દ્રષ્ટિએ આ કિસ્સો આપઘાતનો હોવાનું જણાઇ રહ્યું છે. જોેકે, ડોક્ટર ચાલુ ટ્રેનમાંથી અકસ્માતે નીચે પટકાયા હોવાની પણ શક્યતા છે. જ્યારે હત્યાની શંકા અંગે પણ પોલીસ દ્વારા તપાસ થવી જરૃરી છે. ઉલ્લેખનીય છે કે, ડોક્ટર પોતાનો મોબાઇલ ફોન ઘરે જ મૂકીને આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.



