ટ્રમ્પના નિર્ણયથી ઈરાન ખુશ ! 25% ફ્રીઝ થયેલી સંપત્તિ મુક્ત કરવા ટ્રમ્પ રાજી, ઈરાની અધિકારીનો દાવો | Trump Agrees To Unfreeze 25 Percent Iranian Assets Amid Middle East Peace Talks

America Iran Asset Freeze : મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંકટ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના હિતમાં મોટો નિર્ણય લીધો હોવાની વિગતો સામે આવી છે. ઈરાની અધિકારીઓએ દાવો કર્યો છે કે, અમેરિકા તેની જપ્ત કરાયેલી સંપત્તિના 25 ટકા હિસ્સાને અનફ્રીઝ કરવા રાજી થઈ ગયું છે.
ઈરાન બાદ ટ્રમ્પનું નરમ વલણ !
ઈરાનની અબજો ડોલરની સંપત્તિ અમેરિકા દ્વારા ફ્રીઝ કરવામાં આવી છે. ઈરાને જણાવ્યું કે, અમેરિકા તરફથી બંને દેશો વચ્ચેનો વિવાદ ખતમ કરવા માટે નરમ વલણ અપનાવાયું છે. વાસ્તવમાં ઈરાને પાકિસ્તાન દ્વારા પોતાનો સુધારેલો પ્રસ્તાવ અમેરિકા મોકલ્યો છે. આ પ્રસ્તાવમાં યુદ્ધનો કાયમી અંત લાવવા, પ્રતિબંધો હટાવવા અને હોર્મુઝ જળમાર્ગ ફરીથી શરૂ કરવાની માંગ કરાઈ છે.
યુદ્ધનો અંત લાવવા, હોર્મુઝ ખોલવાની ઈરાનની માંગ
ઈરાનના એક વરિષ્ઠ અધિકારીએ રોઈટર્સને જણાવ્યું કે, ‘અમેરિકાએ વાતચીતમાં નરમ વલણ દર્શાવ્યું છે, જેમાં પરમાણુ કાર્યક્રમ પરના પ્રતિબંધોનો મુદ્દો પણ સામેલ છે. ઈરાનના સુધારેલા પ્રસ્તાવમાં યુદ્ધનો સંપૂર્ણ અંત લાવવા, પ્રતિબંધો હટાવવા અને હોર્મુઝ ખોલવાની માંગ કરાઈ છે. ઈરાન પ્રતિબંધો હેઠળ ફ્રીઝ કરાયેલા તમામ ફંડ્સને અનફ્રીઝ કરવાની માંગ કરી રહ્યું છે, પરંતુ અમેરિકા માત્ર 25 ટકા ફંડ્સને જ અનફ્રીઝ કરવા માટે સહમત થયું છે.’
પાકિસ્તાન ફરી મધ્યસ્થીની ભૂમિકામાં
આ યુદ્ધમાં પાકિસ્તાન કથિત રીતે મધ્યસ્થની ભૂમિકા ભજવી રહ્યું છે. માહિતી મળી છે કે, પાકિસ્તાને મધ્ય-પૂર્વમાં યુદ્ધનો અંત લાવવા માટે ઈરાનનો એક સુધારેલો પ્રસ્તાવ અમેરિકા સાથે શેર કર્યો છે. પાકિસ્તાનના એક સૂત્રે સોમવારે રોઈટર્સને આ માહિતી આપી હતી અને સાથે જ એવી ચેતવણી પણ આપી હતી કે, બંને પક્ષો પાસે પોતાના મતભેદો ઉકેલવા માટે હવે બહુ વધારે સમય નથી.
પાકિસ્તાનને ઈરાનનો પ્રસ્તાવ અમેરિકાને પહોંચાડ્યો
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બગાઈએ એ વાતની પુષ્ટિ કરી છે કે, તેહરાનના વિચારો પાકિસ્તાન માધ્યમથી અમેરિકા પક્ષ સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. પરંતુ તેમણે આ અંગે અન્ય કોઈ વિગતો આપી ન હતી. આ પછી માહિતી સામે આવી છે કે અમેરિકા માત્ર 25 ટકા ફંડ્સ જ અનફ્રીઝ કરવા માટે રાજી થયું છે.
ક્રૂડ ઓઈલ પ્રતિબંધોમાં રાહત આપવા ટ્રમ્પ રાજી !
ઈરાનની તસનીમ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, તેને સૂત્ર પાસેથી જાણવા મળ્યું છે કે, અમેરિકાએ વાતચીતના સમયગાળા દરમિયાન ઈરાન પર લાદવામાં આવેલા ક્રૂડ ઓઈલ પ્રતિબંધોમાં છૂટછાટ આપવા સંમતિ દર્શાવી છે. જો કે, ઈરાને સત્તાવાર રીતે આ વાતની પુષ્ટિ કરી નથી.
અમેરિકાએ ઈરાનની કેટલી સંપત્તિ ફ્રીઝ કરી?
ઈરાનની કુલ વિદેશી ફ્રીઝ થયેલી સંપત્તિ 100 બિલિયન ડોલરથી વધુ હોવાનું કહેવાય છે. આમાં મુખ્યત્વે ક્રૂડ ઓઈલની નિકાસમાંથી કમાયેલા નાણાં સામેલ છે, જે અલગ-અલગ દેશોની બેંકોમાં ફસાયેલા છે. ઈરાનની અમેરિકામાં લગભગ બે બિલિયન ડોલરની સંપત્તિ ફ્રીઝ છે. પરંતુ અમેરિકી પ્રતિબંધોના કારણે યુરોપ, જાપાન, દક્ષિણ કોરિયા, કતાર વગેરે દેશોમાં રાખવામાં આવેલા ઈરાનના નાણાં પણ ફ્રીઝ થયેલા છે. જે દેશોમાં અમેરિકાએ ઈરાનના ડોલર ફ્રીઝ કરાવ્યા છે, તેમાં ચીન, ભારત, કતાર, જાપાન અને ઈરાક સામેલ છે. હવે યુદ્ધનો સંપૂર્ણ અંત લાવતા પહેલા ઈરાન આ અબજો ડોલરની રકમ મુક્ત કરવાની માંગ કરી રહ્યું છે, પરંતુ મોટાભાગનું ફંડ હજુ પણ બ્લોક છે.

ટ્રમ્પે અમેરિકન મીડિયાની ઝાટકણી કાઢી
આ તમામ ઘટનાક્રમ વચ્ચે ટ્રમ્પે (US President Donald Trump) ટ્રુથ સોશિયલ પર એક નવી પોસ્ટ શેર કરીને ખળભળાટ મચાવી દીધો છે. આ પોસ્ટમાં તેમણે અમેરિકી મીડિયાની આકરી ટીકા કરી છે. ટ્રમ્પે લખ્યું છે કે, ‘જો ઈરાન શરણાગતિ સ્વીકારી લે, એવું માની લે કે તેની નેવી ખતમ થઈ ચૂકી છે અને સમુદ્રના તળિયે પડી છે અને તેની એરફોર્સ હવે અમારી સામે ટકી શકે તેમ નથી, અને જો તેની આખી સેના તેહરાનમાંથી બહાર નીકળી આવે, હથિયારો નીચે મૂકીને, હાથ ઉપર કરીને, દરેક વ્યક્તિ જોર-જોરથી બૂમો પાડતા કહે કે, હું સરેન્ડર કરું છું, હું સરેન્ડર કરું છું અને સાથે જ શરણાગતિનું પ્રતીક એવો સફેદ ઝંડો જોર-જોરથી લહેરાવે અને જો તેમનું બાકી બચેલું તમામ નેતૃત્વ સરેન્ડર માટે જરૂરી એવા તમામ દસ્તાવેજો પર સહી કરી દે અને અમેરિકાની મહાન શક્તિ તથા તાકાત સામે પોતાની હાર સ્વીકારી લે. તો પણ, ધ ફેઈલિંગ ન્યૂયોર્ક ટાઈમ્સ, ધ ચાઈના સ્ટ્રીટ જર્નલ, ભ્રષ્ટ અને હવે નકામું થઈ ચૂકેલું સીએનએન અને ફેક ન્યૂઝ મીડિયાના બાકીના તમામ સભ્યો એવી હેડલાઈન ચલાવશે કે, ઈરાને અમેરિકા પર એક જબરદસ્ત અને શાનદાર જીત મેળવી છે અને બંને વચ્ચે કોઈ મુકાબલો જ નહોતો. ડુમેક્રેટ્સ અને મીડિયા સંપૂર્ણપણે પોતાનો રસ્તો ભટકી ગયા છે. તેઓ બિલકુલ પાગલ થઈ ગયા છે.
આ પણ વાંચો : યુદ્ધ વચ્ચે ટ્રમ્પે શેરબજારમાં 90 દિવસમાં 3700થી વધુ સોદા કર્યા! હવે થઈ શકે છે તપાસ

