गुजरात

જુનિયર બોસ બનશે અને સિનિયર રિપોર્ટ કરશે! સુરત મનપાનો ધબડકો, વસ્તી ગણતરીના ટાસ્કમાં હોદ્દાકીય સંતુલનનો અભાવ | Surat Municipal Corporation Controversy before population census Junior boss senior report



Surat Population Census: સુરત મહાનગરપાલિકામાં શરૂ થનારી વસ્તી ગણતરીની કામગીરી માટે કર્મચારીઓ ફિલ્ડમાં જાય તે પહેલાં જ વિવાદ ઊભો થયો છે. સેન્સસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઓર્ડરમાં વહીવટી સમજણ અને હોદ્દાકીય સંતુલનનો અભાવ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. પાલિકામાં વર્ષોથી ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા સિનિયર કર્મચારીઓને ગણતરીદાર (ઇન્યુમેરેટર) બનાવી દેવામાં આવ્યા છે, જ્યારે તેમના કરતાં જુનિયર કર્મચારીઓને સુપરવાઇઝર તરીકેની સત્તા સોંપાતા હોદ્દાની ગરિમા અને આત્મસન્માન પર ઘા પડ્યો હોવાની લાગણી વ્યાપી છે. આ વિસંગતતા સામે હવે પાલિકાના વિવિધ વિભાગોમાં અંદરોઅંદર રોષ ઉગ્ર બન્યો છે અને સેન્સસ વિભાગને લેખિત રજૂઆત કરીને ઓર્ડરમાં તાત્કાલિક સુધારો કરવાની માંગ કરવામાં આવી છે.

દોઢ દાયકા બાદ શરૂ થનારી પ્રક્રિયા વિવાદના વમળમાં

શહેરમાં લગભગ દોઢ દાયકા બાદ શરૂ થનારી વસ્તી ગણતરીની પ્રક્રિયા સુરત મહાનગરપાલિકા માટે વિવાદનું કેન્દ્ર બની રહી છે. સુરતમાં વસ્તી ગણતરી શરૂ થાય તે પહેલાં જ દિવ્યાંગ કર્મચારીઓને ઓર્ડર આપવા તેમજ રહેણાંક વિસ્તારથી ખૂબ જ દૂરના સ્થળે ઓર્ડર આપવા જેવી અનેક ફરિયાદો સામે આવી ચૂકી છે. આ ફરિયાદોનો હજુ નિકાલ થાય તે પહેલાં હવે જુનિયર-સિનિયર કર્મચારીઓને સોંપાયેલી કામગીરીની વિસંગતતાએ નવો વિવાદ છેડ્યો છે.

વહીવટી માળખું જ ઊંધું કરી નાખ્યું હોવાનો આક્ષેપ

સામાન્ય રીતે વસ્તી ગણતરી જેવી મહત્વની કામગીરીમાં અનુભવી અને ઉચ્ચ હોદ્દો ધરાવતા સિનિયર કર્મચારીઓને મોનિટરિંગ તથા સુપરવિઝનની જવાબદારી સોંપવામાં આવે છે, જ્યારે જુનિયર કર્મચારીઓને ફિલ્ડમાં જઈને માહિતી એકત્ર કરવાની (ગણતરીદાર તરીકેની) કામગીરી અપાતી હોય છે. પરંતુ સુરત પાલિકાના સેન્સસ વિભાગે સમગ્ર વહીવટી માળખું જ ઊંધું કરી નાખ્યું હોવાની ચર્ચા કર્મચારીઓમાં ચાલી રહી છે.

શું છે મુખ્ય વિસંગતતા?

પાલિકાના ઇલેક્ટ્રિક વિભાગ સહિત કેટલાક વિભાગોના કર્મચારીઓએ આ નિર્ણય સામે ખુલ્લો અસંતોષ વ્યક્ત કર્યો છે. કર્મચારીઓનું કહેવું છે કે, એક જ સરખા હોદ્દા પર ફરજ બજાવતા કર્મચારીઓને અલગ-અલગ ઝોનમાં જુદી-જુદી જવાબદારીઓ ફાળવવામાં આવી છે, જે મોટી વહીવટી અસમાનતા દર્શાવે છે.

જુનિયર બોસ બનશે અને સિનિયર રિપોર્ટ કરશે!

પાલિકાના અનેક વિભાગોમાં વર્ષોથી વહીવટી પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા નિભાવતા સિનિયર કર્મચારીઓને ઘરે-ઘરે જઈ વસ્તી ગણતરી કરવાની ફરજ સોંપવામાં આવી છે. બીજી તરફ, તેમના જ વિભાગના જુનિયર કર્મચારીઓને સુપરવાઇઝર બનાવી દેવાયા છે. જો આ ઓર્ડરમાં તાત્કાલિક સુધારો કરવામાં નહીં આવે, તો વર્ષોનો અનુભવ ધરાવતા સિનિયર કર્મચારીઓએ દિવસભર ફિલ્ડમાં ફરીને વસ્તી ગણતરી કરવી પડશે અને સાંજે પોતાના કરતાં અડધી ઉંમરના જુનિયર કર્મચારીને રિપોર્ટ સોંપવો પડશે! એટલું જ નહીં, સિનિયરે કરેલી કામગીરીનું નિરીક્ષણ પણ આ જુનિયર કર્મચારી કરશે, જે હોદ્દાની ગરિમાની વિરુદ્ધ છે.

આ પણ વાંચો: ‘આ ગામનો નિયમ છે..’, થરાદમાં અસ્પૃશ્યતાની ગંભીર ઘટના, સલૂન સંચાલકે દલિતના વાળ કાપવાની ના પાડી

વહીવટી અભ્યાસ વિના ઓર્ડર કરાયાની ચર્ચા

આવા વિચિત્ર ઓર્ડરના કારણે કર્મચારીઓમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે સેન્સસ વિભાગે કોઈ વહીવટી અભ્યાસ કર્યા વિના અને કર્મચારીઓના હોદ્દા કે અનુભવની જાણકારી મેળવ્યા વગર જ આંખો બંધ કરીને ઓર્ડર બહાર પાડી દીધા છે. હાલમાં ઇલેક્ટ્રિક વિભાગના કર્મચારીઓએ આ મામલે સેન્સસ વિભાગને લેખિત રજૂઆત કરી ઓર્ડરમાં તાત્કાલિક સુધારો કરવા માંગ કરી છે. કર્મચારીઓમાં વ્યાપેલા આક્રોશને જોતા હવે પાલિકા તંત્ર આ મામલે નમતું જોખીને સુધારેલા ઓર્ડર બહાર પાડે છે કે નહીં, તેના પર સૌની નજર મંડાયેલી છે.



Source link

Related Articles

Back to top button