અમદાવાદ: નિકોલના જ્વેલર્સમાંથી ₹1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સગર્લ ઝડપાઈ, પ્રેમી સાથે મળીને ઘડ્યું હતું કાવતરું | Ahmedabad Salesgirl Arrested for ₹1 11 Crore Jewellery Theft at Nikol Showroom

![]()
Ahmedabad Nikol Jewellers Theft Case: અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ ‘અભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર’ જ્વેલર્સના શોરૂમમાં કરોડો રૂપિયાના દાગીનાની ચોરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો. શોરૂમમાં જ સેલ્સગર્લ તરીકે કામ કરતી યુવતીએ આયોજનબદ્ધ રીતે અંદાજે 1.11 કરોડ રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની ચોરી આચરી હતી. આ ઘટના બાદ કેટલાય દિવસોથી ફરાર આરોપી સેલ્સ ગર્લ અને તેના પ્રેમીની ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાંથી જ ધરપકડ કરી લીધી છે.
સ્ટોક વેરિફિકેશનમાં 1 કિલોથી વધુ સોનું ગાયબ મળ્યું
નિકોલમાં અનમોલ સર્કલ પાસે આવેલા ગ્રેવિટી શોપિંગ મોલમાં ‘અભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર’ નામનો મોટો શોરૂમ આવેલો છે. આ શોરૂમના માલિક દર્શનભાઈ જૈને નોંધાવેલી ફરિયાદ અનુસાર, શોરૂમ મેનેજમેન્ટ દ્વારા નિયમિત સ્ટોક વેરિફિકેશન (ઓડિટ) કરવામાં આવ્યું હતું. આ આંતરિક તપાસ દરમિયાન હિસાબ અને સ્ટોકમાં મોટી ગડબડ સામે આવી હતી, જેમાં કુલ 1,211.991 ગ્રામ (આશરે 1 કિલો અને 212ગ્રામ) સોનું ઓછું હોવાનું માલૂમ પડ્યું હતું. ચોરાયેલા ઘરેણાંમાં સોનાની ચેઈન, વીંટી અને બંગડીઓ, મંગળસૂત્ર અને પેન્ડન્ટ, સોનાની ઘડિયાળ અને અન્ય કિંમતી ઘરેણાં મળીને અંદાજે 1.11 કરોડથી વધુના દાગીના ચોરીને ફરાર થઈ ગઈ હતી.
શોરૂમમાં સ્ટોક ઓછો હોવાની અને હિસાબમાં ગડબડની જાણ થતાં જ માલિકને ત્યાં કામ કરતી સેલ્સગર્લ હર્ષિદા શેટ્ટી પર શંકા ગઈ હતી, કારણ કે તે અચાનક ફરાર થઈ ગઈ હતી. મામલો પોલીસ મથકે પહોંચતા નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જ્યારે શોરૂમના સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વીડિયોમાં હર્ષિદા પોતાની પાછળ રહેલા કબાટમાંથી સોનાના ઘરેણાં કાઢીને પોતાના કપડાંના ગજવામાં છુપાવતા સ્પષ્ટ દેખાઈ હતી. ત્યારબાદ તે ઉપરના માળે સ્ટોરરૂમમાં જઈ પોતાની બેગ લઈને શોરૂમની બહાર નીકળી ગઈ હતી.
હર્ષિદાના પ્રેમીની પણ સંડોવણી
પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત તપાસમાં અનેક સીસીટીવી (CCTV) ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે લોકેશન ટ્રેસ કરીને આરોપી હર્ષિદા શેટ્ટીને ઝડપી પાડવામાં આવી હતી. બીજ તરફ આ કરોડોની ચોરીના સમગ્ર કાવતરામાં હર્ષિદાના પ્રેમીની પણ સક્રિય સંડોવણી હતી. બંનેએ મળીને જ અગાઉથી નક્કી કર્યા મુજબ એક-એક કરીને દાગીના ગાયબ કર્યા હોવાની આશંકા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યું કે, ‘અમે બાતમીના આધારે હર્ષિદાને અમદાવાદથી પકડી લીધી છે, જે સારી લાઈફ જીવવાની લાલચમાં ચોરી કરીને પોતાના પ્રેમી સાથે દિલ્હી અને ઋષિકેશ ફરતી હતી. તેનો પ્રેમી અમદાવાદમાં જ પ્રિન્ટિંગ મશીનનું કામ કરે છે.’
બેન્ક ટ્રાન્ઝેક્શનની તપાસ શરૂ
હાલ પોલીસે હર્ષિદાના પ્રેમીની પણ અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી છે. હાલ નિકોલ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીઓના બેન્ક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન અને મોબાઈલ કોલ ડિટેઈલ રેકોર્ડ (CDR)ની ચકાસણી. આ કિંમતી દાગીના વેચવામાં કે છુપાવવામાં અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તેની તપાસ કરાઈ રહી છે.



