સુરત પાલિકાને નેશનલ વોટર એવોર્ડ મળ્યો પણ 40 મિનિટ પાણીના પુરવઠામાં 10 મિનિટ ગંદુ પાણી આવતા લોકોમાં રોષ | people are angry as 10 minutes of dirty water is supplied in 40 minutes of water Supply in surat

![]()
Surat : સુરત પાલિકા એવોર્ડ પાલિકા બની ગઈ છે અને પાલિકાને પાણીદાર કામગીરીમાં નેશનલ વોટર એવોર્ડ પણ મળી ચુક્યા છે તેમ છતાં શહેરના કેટલાક વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા બંધ થવાનું નામ લેતી નથી. તેમાં પણ ભાઠા વિસ્તારમાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ગંદા પાણીની સમસ્યા થઈ રહી છે. પાલિકા 40 મિનિટ પાણી પુરવઠો આપે છે તેમાં પહેલા 10 મિનિટ ગંદુ ગંધાતું પાણી આવે છે ત્યાર બાદ સારું પાણી આવે છે. આ સમસ્યાનો હલ ન થતા લોકોમાં આક્રોશ છે લોકોમાં રોગચાળાની ભીતિ છે સાથે લોકો કહે છે પાલિકા 40 મિનિટ પાણી આપે અને તેમાં પહેલી 10 મિનિટ ગંદુ પાણી આવે છે તો 30 મિનિટમાં પરિવાર માટે પાણી કઈ રીતે ભરી શકાય ? આ ઉપરાંત ગંદા પાણીની સમસ્યાનો કાયમી નિકાલ કરવા માટે પણ માગણી થઈ રહી છે.
પાલિકાના રાંદેર ઝોનમાં ભાઠાના ખડકી મહોલ્લામાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ગંદા પાણીની સમસ્યા થઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાલિકા દ્વારા રોજ માત્ર 40 મિનિટ પાણી પુરવઠો આપવામાં આવે છે, પરંતુ તેમાં પણ શરૂઆતની લગભગ 10 મિનિટ સુધી ગંદુ અને વાસ મારતું પાણી આવી રહ્યું છે. પાલિકા કુલ 40 મિનિટ પાણી પુરવઠો આપે છે તેમાં 10 મિનિટ ગંદુ પાણી આવે છે તેથી ઉપયોગમાં લઈ શકાતું નથી અને બાકીની 30 મિનિટમાં પરિવાર માટે પાણી ભરવું મુશ્કેલ બની રહ્યું છે. સ્થાનિકો માત્ર 30 મિનિટમાં પરિવાર માટે પાણી કઈ રીતે ભરી શકે તેનો જવાબ પાલિકા પાસે માંગી રહ્યાં છે. જોકે ફરિયાદ બાદ પણ પહેલી 10 મિનિટ પાણી કઈ રીતે આવે છે તે અને ક્યારે બંધ થશે તે અંગે પાલિકા તત્રએ કોઈ ફોડ પાડ્યો નથી. હાલ ઉનાળાની આકરી ગરમી પડી રહી છે તેવામાં પાણીનો ઉપયોગ વધી રહ્યો છે આવામાં આ ગંદા પાણીનો ઉપયોગ ભુલથી થઈ જાય તો રોગચાળો થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. સ્થાનિકોમાં હવે પાલિકા તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે સ્માર્ટ સિટી અને વિકાસના મોટા દાવા કરતી પાલિકા પહેલા લોકોને શુદ્ધ પીવાનું પાણી તો પૂરું પાડે તે જરૂરી છે.



