બહેનને મેસેજ કરીને એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide by texting sister

![]()
વડોદરા,હું કંટાળી ગયો છું, હું ગળા ફાંસો ખાઇ રહ્યો છું. તેવો મેસેજ ધર્મની બહેનને કરીને પોલિટેકનિકના વિદ્યાર્થીએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજવારોડ ચામુંડાનગર – ૨માં રહેતો ૧૯ વર્ષનો કિરન વિનુભાઇ મકવાણા પોલિટેકનિકના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. ગઇકાલે સાંજે તેના ઘરે પાર્સલ આવ્યું હતું. માતાએ તેને કોલ કરતા તેણે કોલ રિસિવ કર્યો નહાતો. જેથી, માતા ઉપરના માળે જોવા ગઇ હતી. ત્યારે કિરને ફાંસો ખાઇ લીધો હતો. તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. બનાવ અંગે બાપોદ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. બાપોદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.હર્ષિતભાઇએ જણાવ્યું હતું કે, કિરને પહેલા સેમેસ્ટરમાં બે એટીકેટી આવી હતી. જે સોલ્વ થઇ નહતી. બીજા સેમેસ્ટરની પરીક્ષા પણ હાલમાં જ પૂરી થઇ હતી. અભ્યાસના ટેન્શનના કારણે તેણે આવું પગલું ભર્યુ હોવાની શક્યતા છે. તેના બેડરૃમમાંથી છ પેજની અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેણે માતા, પિતાને શાંતિથી રહેવા જણાવ્યું હતું.
પોલીસે તેનો મોબાઇલ ફોન ચેક કરતા ધર્મની બહેનને કરેલા મેસેજ મળ્યા હતા. બહેને તેને સમજાવવાની ઘણી કોશિશ કરી હતી. પરંતુ, નિરવે આપઘાત કરી લીધો હતો.



