બ્રિટનમાં પીએમ સ્ટારમરની પદ પરથી રાજીનામું આપવા તૈયારી | UK PM Starmer prepares to resign

![]()
એપસ્ટિન ફાઈલ્સના કારણે યુકેમાં રાજકીય ઉથલ-પાથલ
લેબર પાર્ટીના મેંડલસનનું નામ એપસ્ટીન ફાઈલ્સમાં આવતા સ્થાનિક ચૂંટણીમાં પક્ષનો કારમો પરાજય
લંડન: બ્રિટનમાં મોટી રાજકીય ઉથલ-પાથલના કારણે લેબર સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે, જેથી વડાપ્રધાન કીર સ્ટારમર પદ છોડવા તૈયાર થઈ ગયા છે. તેમણે તેમના વિશ્વાસુઓને પોતાની શરતો પર રાજીનામું આપવા માટેની તૈયારી બતાવી છે.
અમેરિકામાં અતિ ધનિકો દ્વારા સગીરાઓના જાતીય શોષણ મુદ્દે કુખ્યાત એપસ્ટિન ફાઈલ્સની અસર છેક બ્રિટન સુધી પહોંચે તેવી સંભાવના છે. બ્રિટિશ મીડિયા રિપોર્ટ મુજબ યુકેની લેબર સરકાર સંકટનો સામનો કરી રહી છે. લોકોનો આ સરકારમાં વિશ્વાસ ઘટી ગયો છે. લેબર પાર્ટીના પીટર મેંડલસનનું નામ એપસ્ટીન ફાઈલ્સમાં આવ્યા પછી લોકોએ લેબર પાર્ટી પર અવિશ્વાસ વ્યક્ત કર્યો અને સ્થાનિક ચૂંટણીમાં તેને ભારે હારનો સામનો કરવો પડયો હતો. આ કારણથી કીર સ્ટારમર પર પણ વડાપ્રધાનપદેથી રાજીનામું આપવાનું દબાણ વધી ગયું છે.
બ્રિટનમાં ૧૩૬ ક્ષેત્રોમાં થયેલી સ્થાનિક ચૂંટણીમાં લેબર પાર્ટીએ પરિષદની ૨,૨૦૦થી વધુ બેઠકોમાંથી લગભગ ૧,૨૦૦ ગુમાવી દીધી જેના પર પહેલા તેનો કબજો હતો. આ ચૂંટણીમા દક્ષિણપંથી ‘રિફોર્મ યુકે’ પાર્ટી સ્પષ્ટ વિજેતા તરીકે ઊભરી આવી, જેણે લગભગ ૧,૪૦૦ બેઠકો જીતી હતી. આ સાથે એપસ્ટિન ફાઈલ્સની બદનામીના પગલે લેબર પાર્ટીના ૮૦થી વધુ સાંસદોએ સ્ટારમરને પદ છોડવાની અપીલ કરી છે. આ સિવાય સરકારના ત્રણ સભ્યોએ રાજીનામું આપવાની વાત કરી હોવાનું પણ સામે આવ્યું હતું.



