સાસુએ વહુને કહ્યું, આજના જમાનામાં અફેર અને સ્મોકિંગ નોર્મલ જ ગણાય | Mother in law told daughter in law in today’s era affairs and smoking are considered normal

![]()
રાજકોટમાં પતિના અફેરથી ત્રસ્ત પત્નીની આત્મહત્યા : આણંદ રહેતા ભાઇએ સાસરિયાઓ સામે B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
રાજકોટ, : મેંગો માર્કેટ પાસે ખોડલધામ સોસાયટી શેરી નં.1માં રહેતી નિકિતા નામની 24 વર્ષની પરિણીતાએ ગઇ તા. 14ના રોજ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેણે પતિ અજય, સસરા ભેરૂભાઇ મગનલાલ પ્રજાપતિ અને સાસુ મોહિનીબેનના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યાની તેના ભાઇએ બી.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આણંદ રહેતાં નિકિતાના ભાઇ કેતન પ્રજાપતિ (ઉ.વ. 31)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણે બી-ટેક આઇ.ટી. સુધી અભ્યાસ કર્યો છે, પિતા સાથે સ્ટીલનો વેપાર કરે છે. તેની નાની બહેન નિકિતાના લગ્ન ગત નવેમ્બર માસમાં થયા હતા. તેના પતિ અજયની બહેન પાયલના લગ્ન તેના નાના ભાઇ રોનક સાથે થયા હતા.
લગ્ન બાદ તેની બહેન સાથે તેનો પતિ સારી રીતે વાતચીત કરતો ન હતો. બે મહિના બાદ તેની બહેન ઘરે આવી ત્યારે ગુમસુમ હતી. પુછતાં કહ્યું કે, તેનો પતિ તેની સાથે અપમાનજનક વર્તન કરે છે. પતિનો મોબાઇલ ચેક કરતાં અન્ય યુવતીને કિસ અને હગ કરતો ઉપરાંત માંગ ભરતો હોય તેવા ફોટા જોયા હતા. પુછતાં પતિએ તે યુવતીનું નામ આપી કહ્યું કે, મારે તેની સાથે જુનુ અફેર છે, હવે હું તેને છોડી શકું તેમ નથી, તારે રહેવું હોય તો રહે નહીંતર જતી રહે.
તેની બહેને આ વાત સાસુ-સસરાને કરતાં પુત્રને ઠપકો આપવાને બદલે તેને લપ નહીં કરવાની સલાહ આપી હતી. સાથોસાથ તેની બહેને કહ્યું કે, જો આનો ઉકેલ નહીં આવે તો તેને આત્મહત્યા કરવી પડશે. આખરે તેના માતા-પિતાને જાણ થતાં સાસરીયાઓને ફોન કર્યો હતો. તે વખતે તેમણે તમારી પુત્રી ખોટું બોલે છે, અફેર જેવું કંઇ નથી તેવા મતલબનું કહ્યું હતું.
ગત જાન્યુઆરી માસમાં તેની બહેન સાસરે ગઇ હતી. થોડા દિવસો બાદ ફરીથી સાસરીયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસુ કહેતી કે તું મરતી નથી કે અહીંથી જતી પણ નથી. ગત એપ્રિલ માસમાં તેની બહેને માતાને વીડિયો કોલ કર્યો હતો. તે વખતે તેનું મોઢું સોજેલું હતું. આ બાબતે પુછતાં કહ્યું કે ગઇકાલે પતિ સ્મોક કરીને આવતાં તીવ્ર વાસ આવતી હતી. જેથી તેને સ્મોક નહીં કરવાનું અને જેની સાથે અફેર છે તે યુવતીને છોડી દેવાનું કહેતાં ગુસ્સે થઇ મારકુટ કરી હતી.
સાસરીયાઓને આ વાત કહેતાં તેમણે પોતાને કંઇ લાગતું વળગતું નહીં હોવાનું કહી દીધું હતું. ફરીથી તેના પિતાએ તેના બહેનના સાસરીયાઓ સાથે વાત કરતાં તેમણે પુત્રને સમજાવવાની વાત કરી હતી. ગઇ તા. 14ના રોજ તેની બહેને તેને કોલ કરી પતિ મોડો આવતો હોવાનું અને સ્મોક કરતો હોવાનું કહીં આ બાબત સાસુને કહેતાં તેણે આજના જમાનામાં અફેર અને સ્મોકિંગ બધું નોર્મલ છે તેમ કહી દીધું હતું. ત્યાર પછી તેની બહેને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.



