गुजरात

સુરેન્દ્રનગર: સાયલામાં ડીઝલની ભારે અછત, ખેડૂતો અને વાહનચાલકોની પેટ્રોલ પંપો પર લાંબી લાઈન | Diesel Shortage Hits Surendranagar’s Sayla Long Queues Seen at Petrol Pumps



Diesel Crisis in Sayla, Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત સર્જાતા સ્થાનિક વાહનચાલકો અને ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી ખેતીકાર્યોની તૈયારીઓ વચ્ચે જ પૂરતો ડીઝલનો જથ્થો ન મળતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. સાયલાના પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ ખેડૂતો ડીઝલ મેળવવા માટે હાથમાં કેરબાઓ લઈને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.

ખેતીકાર્યો અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને સીધો ફટકો

ડીઝલની આ તીવ્ર અછતની સીધી અસર પરિવહન વ્યવહાર પર પડી રહી છે. ચોમાસા પૂર્વેની ખેતીની પ્રાથમિક તૈયારીઓ માટે ટ્રેક્ટર અને અન્ય મશીનરી ચલાવવા ડીઝલ અનિવાર્ય છે. પરંતુ જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેતીકાર્યો અટવાયા છે. સાયલા ખાતે મોટો ક્વોરી ઉદ્યોગ આવેલો છે. અહીં ચાલતા ડમ્પરોને પૂરતું ડીઝલ ન મળવાના કારણે ટ્રાન્સપોર્ટના ધંધા પર ખૂબ જ માઠી અસર પડી છે અને અનેક વાહનોના પૈડાં થંભી ગયા છે.

એક તરફ સરકાર અને તંત્ર દ્વારા રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાના મોટા-મોટા દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ સાયલાની વાસ્તવિકતા તદ્દન અલગ ચિત્ર રજૂ કરે છે. કલાકો સુધી લાઈનોમાં ઊભા રહ્યા બાદ પણ વાહનચાલકો અને ખેડૂતોને જરૂરિયાત મુજબનું ડીઝલ મળી રહ્યું નથી.

જો આગામી દિવસોમાં ડીઝલનો પુરવઠો નિયમિત કરવામાં નહીં આવે, તો વાહન વ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ જવાની અને ખેડૂતોને વાવણીના સમયે જ મોટું નુકસાન વેઠવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે પૂરતો જથ્થો ફાળવવાની માંગ કરી છે.





Source link

Related Articles

Back to top button