રાજકોટ એરપોર્ટ પરથી ₹10 કરોડની 400 કિલો ચાંદી ઝડપાઈ, સેન્ટ્રલ IB દ્વારા તપાસનો ધમધમાટ | Rajkot Airport Silver Haul: Central IB Seizes 400 Kg Consignment From Varanasi

![]()
Rajkot Airport Silver Haul: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક મોટો શંકાસ્પદ જથ્થો ઝડપાતા સનસનાટી મચી ગઈ છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)એ બાતમીના આધારે એરપોર્ટ પર દરોડો પાડીને અંદાજે 10 કરોડ રૂપિયાની કિંમતની 400 કિલો ચાંદી ઝડપી પાડી છે. આટલી મોટી માત્રામાં બિનહિસાબી ચાંદી પકડાતા સ્થાનિક વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
વારાણસી કનેક્શન અને વેપારીની ઓળખ
મળતી માહિતી અનુસાર, ચાંદીનો આ વિશાળ જથ્થો ઉત્તર પ્રદેશના વારાણસીથી રાજકોટ મોકલવામાં આવ્યો હતો. વારાણસીની ‘સનરાઈઝ પેઢી’ નામના વેપારી દ્વારા આ જથ્થો મોકલાયો હોવાનું ખૂલ્યું છે. આ જથ્થો રાજકોટના સામાકાંઠા વિસ્તારના એક જાણીતા ચાંદીના વેપારીનો હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે.
આ પણ વાંચો: ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ
IT અને GST વિભાગ પણ જોડાશે
આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતાં સેન્ટ્રલ આઈ.બી. (IB) દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ મોટો જથ્થો ટેક્સ ચોરી કે હવાલા નેટવર્ક સાથે જોડાયેલો છે કે કેમ તે દિશામાં તપાસ લંબાવવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ કેસમાં જરૂર જણાશે તો ટૂંક સમયમાં જ ઇન્કમટેક્સ (IT) અને જીએસટી (GST) વિભાગ પણ સત્તાવાર રીતે તપાસમાં જોડાઈ શકે છે.
હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા વારાણસીથી રાજકોટના આ વેપારીને અત્યાર સુધીમાં કેટલો માલ મોકલવામાં આવ્યો છે, તેનો તમામ રેકોર્ડ ખંખાડવામાં આવી રહ્યો છે.



