લક્ષ્મીપુરાની શ્રીકુંજ ગ્રીન સોસાયટીમાં અચાનક રોકેટની ગતિએ ઉડીને આવેલા સિલિન્ડરે કારીગરનો ભોગ લીધો | A worker was killed by a cylinder that suddenly flew at the speed of a rocket

![]()
વડોદરા,લક્ષ્મીપુરા વિસ્તારમાં આજે બપોરે એક વિચિત્ર કિસ્સો બન્યો હતો. જેમાં એક સિલિન્ડર ક્યાંકથી ઉડીને રોકેટ ગતિએ આવીને ટેરેસ પર ફેબ્રિકેશનનું કામ કરતા કારીગર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર ઇજા થતા તેનું મોત થયું છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ગોરવા લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલી શ્રીકુંજ ગ્રીન સોસાયટીમાં ટેરેસ પર લોખંડની જાળી ફિટ કરવાની કામગીરી માટે આજે બપોરે ફેબ્રિકેશનના કારખાનામાંથી બે કારીગરો ગયા હતા. તેઓ વેલ્ડિંગનું કામ કરતા હતા. તે દરમિયાન અચાનક રોકેટની ગતિએ ઉડીને આવેલો એક સિલિન્ડર ટેરેસની દીવાલ સાથે ધડાકાભેર અથડાયો હતો. ત્યારબાદ આ સિલિન્ડર ફેબ્રિકેશનનું કામ કરતા કારીગર મુકેશગીરી રામરૃપગીરી ઉં.વ.૩૯, (રહે. ઇન્દિરાનગર, પંચવટી, ગોરવા) ને ધડાકાભેર અથડાયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મુકેશગીરીને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવાયો હતો.પરંતુ,તેનો જીવ બચી શક્યો નહતો. જ્યારે અન્ય કારીગર ધર્મેન્દ્રને સામાન્ય ઇજા થઇ છે. બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસને જાણ કરવામાં આવતા એસીપી સી.બી. સોલંકી, પીઆઇ ગાયત્રી રાજપૂતે ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસ દરમિયાન આ સિલિન્ડર ફૂડ ઝોનમાં સોડા દુકાનમાંથી ઉડીને આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તાપમાં પડી રહેલા સિલિન્ડરમાં પ્રેશર વધતા તે ઉડીને આવ્યો હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે. જોકે, પોલીસે તપાસ માટે એફ.એસ.એલ.ની ટીમને પણ ઘટના સ્થળે બોલાવી છે.
સોડા શોપની બહાર મૂકેલો કાર્બન ડાયોક્સાઇડનો સિલિન્ડર ઉડીને આવ્યો
વડોદરા,
ઘટના પછી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, નજીકમાં આવેલા કન્ટેનર પાર્કમાંથી આવ્યો છે. પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, પાર્કમાં છેલ્લા કેટલાક સમયથી બંધ પડેલી સોડા શોપ હાલમાં ફરીથી શરૃ થવાની તૈયારી હતી. તે દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ભરેલો મોટો સિલિન્ડર દુકાનની બહાર તડકામાં મૂક્યો હતો. ગરમીના કારણે તે સિલિન્ડર ઉડીને ટેરેસ પર પહોંચી ગયો હતો.
સિલિન્ડર ૮૦૦ મીટર ઉડીને દીવાલ સાથે ધડાકાભેર અથડાયો
વડોદરા,
પોલીસે સ્થળ પર જઇને તપાસ કરતા સિલિન્ડરનો બેઝ ત્યાં જ હતો. ગરમીના કારણે સિલિન્ડર ઉડયો હતો. દુકાનથી અંદાજે ૮૦૦ મીટર દૂર રોકેટની ગતિએ તે ઉડયો હતો. એક દીવાલ સાથે ધડાકાભેર અથડાયા પછી તે ટેરેસ પર કામ કરતા કારીગરને અથડાયો હતો. ધડાકો એટલો મોટો હતો કે, મકાન માલિક પણ ટેરેસ પર દોડી આવ્યા હતા.જ્યારે સોસાયટીમાં રમતા નાના બાળકોએ પણ રોકેટની ગતિેએ ઉડતો સિલિન્ડર જોયો હતો.
ગેસ પૂરો થઇ જતા સિલિન્ડર ટેરેસ પર અથડાઇને અટકી ગયો
વડોદરા,
ટેરેસ પર ફેબ્રિકેશનનું કામ કરતા બે કારીગરો તેમના કામમાં મશગૂલ હતા. તે દરમિયાન અચાનક સિલિન્ડર આવ્યો હતો. ગેસ પૂરો થઇ જતા સિલિન્ડર ટેરેસ પર કારીગરને ઇજા કરીને ત્યાં જ અટકી ગયો હતો. બનાવના પગલે મકાન માલિક ટેરેસ પર દોડી આવ્યા હતા. તે સમયે કારીગરનો શ્વાસ ચાલતો હતો. જેથી, તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવી કારીગરને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.
એફ.એસ.એલ.ની ટીમે ઘટના સ્થળે જઇ તપાસ કરી
વડોદરા,
ખરેખર ઘટના કઇ રીતે ઘટી, તેમજ સિલિન્ડર આ રીતે જોખમી રીતે રાખનાર સોડા શોપના માલિક સામે પુરાવા એકત્રિત કરવાની કામગીરી પોલીસે હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળે એફ.એસ.એલ.ની ટીમને બોલાવી જરૃરી નમૂના લેવડાવ્યા હતા. તેમજ ૮૦૦ મીટર ઉડીને આવેલા સિલિન્ડરનું મૂળ સ્થાન શોધવા માટે સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી પોલીસે હાથ ધરી છે.



