વડોદરાના મહિલાએ બીજા સ્ટેજના કેન્સરને માત આપીને આયર્નમેન સ્પર્ધા પૂરી કરી | vadodara woman complete iron man competition after battling with cancer

![]()
વડોદરાઃ બીજા સ્ટેજના કેન્સરને હરાવીને વડોદરાના મહિલા પૂજા શાહે ૪૯ વર્ષની વયે વિયેટનામમાં તાજેતરમાં યોજાયેલી આયર્નમેન સ્પર્ધા સફળતાપૂર્વક પૂરી કરીને ઈતિહાસ સર્જયો છે.
પૂજા શાહ આ પહેલા ૨૦૨૩માં ગોવામાં હાફ આયર્નમેન , ફેબુ્રઆરી- ૨૦૨૫માં વડોદરા મેરેથોન સહિતની વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ ચૂકયા છે.તેઓ કહે છે કે, વડોદરા મેરેથોન બાદ તરત જ મારી તબિયત બગડી હતી અને મેં ડોકટરને બતાવ્યું તો બ્રેસ્ટ કેન્સરનું નિદાન થયું હતું.કેન્સર બીજા સ્ટેજમાંથી ત્રીજા સ્ટેજમાં પ્રવેશે તેમ હોવાથી તાત્કાલિક ઓપરેશન કરીને ગાંઠ કાઢવામાં આવી હતી.એ પછી કિમોથેરાપી અને રેડિએશનની પીડાજનક સારવારનો તબક્કો શરુ થયો હતો.જેના કારણે હું ડિસેમ્બર-૨૦૨૫માં ઓસ્ટ્રેલિયામાં યોજાનારી આયર્નમેન સ્પર્ધા જતી કરવી પડી હતી.જોકે કોઈ પણ હિસાબે પોતાનું સ્વપ્ન પૂરુ કરવા માટે પૂજા શાહે મે મહિનામાં વિયેટનામમાં યોજાનારી સ્પર્ધા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.તેઓ આગળ કહે છે કે, કિમોથેરાપી અને સારવારે મારા શરીરને તદ્દન નબળું પાડી દીધું હતું.આમ છતાં મેં જાન્યુઆરી મહિનાથી પ્રેક્ટિસ શરુ કરી હતી.શરુઆતમાં ૫૦૦ મીટર સ્વિમિંગ કરીને પણ હું હાંફી જતી હતી.એ પછી ધીરે ધીરે મારો આત્મવિશ્વાસ પાછો આવવા લાગ્યો હતો.આજે પણ હું માની નથી શકતી કે મેં ૧૬ કલાક અને ૨૧ મિનિટમાં દરિયામાં ૩.૮૦૦ કિમી સ્વિમિંગ, એ પછી તરત ૧૮૦ કિલોમીટર સાયકલિંગ અને તેના પછી ૪૨ કિલોમીટરની રનિંગનો પડકાર સફળતાપૂર્વક ઝીલ્યો હતો.કદાચ એ દિવસે ઈશ્વર મારી સાથે હતા.મારા પતિ, સાસુ- સસરાનો સપોર્ટના હોત તો હું આ સિધ્ધિ ના મેળવી શકી હોત.
સાયકલિંગ કરતી વખતે સર્જરીના કારણે જમણો ખભો, હાથ દુઃખતા હતા
પૂજા શાહ કહે છે કે, વિયેટનામના દાનાંગ શહેરમાં આ સ્પર્ધા યોજાઈ હતી.૩૫ ડિગ્રી તાપમાન અને ૭૫ ટકા ભેજ વચ્ચે સાયકલિંગ મારા માટે કપરુ બની ગયું હતું.કેન્સરની ગાંઠ કાઢવા માટેની સર્જરીના કારણે છેલ્લા એક કલાક સાયકલિંગ કરવું મારા માટે મુશ્કેલ બની હતું.કારણકે ગરદનના નીચલા હિસ્સાથી લઈને મારા જમણો ખભા અને હાથમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો.મે વિચાર્યું હતું કે, આ મારી જિંદગીનો સૌથી મહત્વનો એક કલાક છે અને તે મારે પૂરો કરવાનો છે.૪૨ કિલોમીટરની રનિંગ પણ મેં મારા ટ્રેક પેન્ટ અને ટી શર્ટના ખિસ્સામાં તથા શરીરની અંદર બરફના ટુકડા નાંખીને પૂરી કરી હતી.
આયર્નમેન સ્પર્ધા પૂરી કરનાર વડોદરાના બીજા મહિલા
પૂજા શાહ વડોદરાના બીજા મહિલા બન્યા છે જેમણે આ કઠીન સ્પર્ધા સફળતાપૂર્વક પૂરી કરી હોય.આ પહેલા વડોદરાના મહિલા ડોકટર પ્રીતિ કામથ આયર્નમેન સ્પર્ધામાં સફળતાપૂર્વક ભાગ લઈ ચૂકયા છે.
યુવાઓ એક કલાક કસરત માટે ફાળવે
તેમણે કહ્યું હતું કે, હું ખાસ કરીને યુવાઓને અપીલ કરુું છું કે, તમારુ જીવન ગમે તેટલું વ્યસ્ત હોય પણ રોજ એકાદ કલાક વોક કે ગમે તે કસરત કરો.મને કેન્સર કેમ થયું તે તો નથી ખબર પણ કેન્સરમાંથી હું આટલી જલ્દી એટલા માટે ઉભી થઈ શકી છું કે, હું પહેલેથી ફિટનેસને મહત્વ આપતી હતી.આયર્નમેન સ્પર્ધા પૂરી કર્યા બાદ તો મને પહેલા કરતા વધારે સારુ લાગે છે.હવે મારુ લક્ષ્ય અલ્ટ્રામેન સ્પર્ધામાં ભાગ લેવાનું છે.



