गुजरात

નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક, પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક! | Narmada Coordination Meeting Turns Stormy as BJP and AAP Target Officials Together



Narmada Coordination Meeting: રાજપીપળામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નર્મદા જિલ્લાના નવા વરાયેલા કલેક્ટર ગંગા સિંઘના અધ્યક્ષ સ્થાને પ્રથમ સંકલન બેઠક યોજાઈ હતી. જોકે, આ પહેલી જ બેઠક અત્યંત તોફાની સાબિત થઈ હતી. જિલ્લાના લોકપ્રતિનિધિઓએ રોડ-રસ્તા અને પાણી જેવા જનહિતના મુદ્દાઓ પર વહીવટી તંત્રને આડે હાથ લેતા બેઠકમાં ભારે ગરમાગરમી જોવા મળી હતી. સામાન્ય રીતે રાજકીય રીતે સામસામે રહેતા આ બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ભાજપના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા આજે પ્રજાના પ્રશ્નો મુદ્દે એકસૂરે અધિકારીઓ પર વરસ્યા હતા.

પાણી અને રસ્તાના મુદ્દે મામલો ગરમાયો

હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીની તીવ્ર અછતનો મુદ્દો બેઠકમાં ગાજ્યો હતો. દેડિયાપાડાના ‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ પીવાના પાણીની કથળેલી વ્યવસ્થા અંગે અધિકારીઓ પાસે જવાબ અને વિગતવાર માહિતી માંગતા મામલો ગરમાયો હતો. આ ઉપરાંત, લાંબા સમયથી બંધ પડેલા ‘જૂના રાજ’ના રસ્તાનો મુદ્દો પણ બેઠકમાં ઉઠાવવામાં આવ્યો હતો. લોકપ્રતિનિધિઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે પ્રજાને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

આ પણ વાંચો: પાલઘર પાસે ₹17 કરોડની ચાંદી ભરેલી વેનનો અકસ્માત: 2ના મોત, કિંમતી પાટોની સુરક્ષા માટે પોલીસ ગોઠવવી પડી

વન વિભાગની અડચણ પર સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ

બેઠકમાં સૌથી વધુ હોબાળો દેડિયાપાડાથી બોગજ રસ્તાના મુદ્દે થયો હતો. આ રસ્તાનું કામ કોન્ટ્રાક્ટરે શરૂ કર્યું હતું, પરંતુ વન વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ)ના અધિકારીઓએ વચમાં અડચણ ઊભી કરીને કામ અટકાવી દીધું હતું. વિકાસના કામમાં વન વિભાગની આ આડખીલીને કારણે ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થઈ ગયા હતા. તેમણે જનતાની સુવિધા રોકનાર અધિકારીઓ સામે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.

પ્રજાના કામો માટે ભાજપ-‘આપ’ની જૂગલબંદી

આ બેઠકની સૌથી રસપ્રદ અને મોટી વાત એ રહી કે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, નાંદોદના ભાજપના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને દેડિયાપાડાના ‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવા તમામ વેરઝેર ભૂલીને પ્રજાના પડતર પ્રશ્નો માટે એક મંચ પર સાથે દેખાયા હતા. તમામ નેતાઓએ પક્ષ પલટો બાજુ પર મૂકી સંયુક્ત રીતે નિષ્ક્રિય અધિકારીઓ ક્લાસ લીધો હતો.

નવા કલેક્ટર ગંગા સિંઘ માટે આ પ્રથમ બેઠક જ વહીવટી તંત્ર અને લોકપ્રતિનિધિઓ વચ્ચેના ગજગ્રાહને કારણે પડકારજનક રહી હતી. જો કે, કલેક્ટરે તમામ મુદ્દાઓ સાંભળીને વહેલી તકે યોગ્ય નિકાલ લાવવાની ખાતરી આપી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.



Source link

Related Articles

Back to top button