સરહદી વિસ્તારના તરસ્યા સીમાડા: વાવ-થરાદમાં પાણી માટે પોકાર, મંત્રીની સૂચનાઓ કાગળ પર રહી અને નળ સુકાયા! | gujarat vav tharad water crisis summer drinking water shortage

![]()
Vav Tharad water crisis: ગુજરાતના સરહદી પંથક વાવ, થરાદ અને સુઇગામ તાલુકામાં ઉનાળાની શરૂઆત થતાં જ જળ સંકટ અત્યંત ઘેરું બન્યું છે. એક તરફ આકાશમાંથી કાળઝાળ ગરમી વરસી રહી છે, તો બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલી નળ સે જળ યોજના હેઠળના નળ બિલકુલ સુકાભઠ્ઠ થઈ ગયા છે. સરહદી વિસ્તારના છેવાડાના ગામડાઓમાં પીવાના પાણી માટે હાહાકાર મચ્યો છે, જે તંત્રના વિકાસના દાવાઓની પોલ ખોલી રહ્યો છે.
2 મહિનાથી પાણી માટે વલખા
ભારત-પાકિસ્તાન સરહદે આવેલા સુઇગામ તાલુકાના રડોસણ અને મેઘપુરા જેવા છેવાડાના ગામોમાં છેલ્લા બે મહિનાથી પાઇપલાઇનમાં પાણીનું એક ટીપું પણ આવ્યું નથી. ગામડાંની મહિલાઓ ધોમધખતા તાપમાં કલાકો સુધી નળ પાસે પાણીની આશાએ બેસી રહે છે. હેન્ડપંપ ચલાવી-ચલાવીને થાકી જતી મહિલાઓના નસીબમાં માત્ર નિરાશા જ આવે છે. તંત્ર દ્વારા મોકલવામાં આવતા એકાદ-બે ટેન્કરો આટલા મોટા ગામ માટે ઊંટના મોઢામાં જીરુ સમાન સાબિત થઈ રહ્યા છે. પૂરતું પાણી ન મળવાને કારણે ગ્રામજનોની સાથે-સાથે પશુપાલકો અને અબોલ પશુઓની હાલત પણ કફોડી બની છે.
મંત્રી સ્વરૂપજી ઠાકોરની કડક સૂચનાઓ માત્ર કાગળ પર!
હજુ બે દિવસ પહેલા જ ગુજરાત રાજ્યના મંત્રી અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પાણીની સમસ્યા અંગે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં બેદરકાર એજન્સીઓને ભારે ખખડાવવામાં આવી હતી અને કડક કાર્યવાહીની ચીમકીઓ પણ અપાઈ હતી. પરંતુ મંત્રીની આ કડક સૂચનાઓ માત્ર સરકારી કાગળો પર જ સીમિત રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ આજે પણ જૈસે-થે જ છે.
એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ સામે આક્રોશ
ગ્રામજનોનો આરોપ છે કે, જવાબદાર અધિકારીઓ બધી જ પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં પોતાની એસી ચેમ્બરમાંથી બહાર નીકળવા તૈયાર નથી. સરહદના રખેવાળો સમાન આ નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવું એ શું સરકારની પ્રાથમિકતા નથી? સ્થાનિક લોકોની એક જ માંગ છે કે હવે કાગળ પરની સમીક્ષા બેઠકો બંધ થાય અને તાત્કાલિક પાઇપલાઇન દ્વારા છેવાડાના ઘર સુધી પાણી પહોંચાડવામાં આવે.


