गुजरात

ચોટીલા નજીક અકસ્માત બાદ બસમાં આગ લાગતા 4 મુસાફર બળીને ભડથું; 10 ઘાયલ | 4 passengers burnt to death 10 injured as bus catches fire after accident near Chotila



સાંગાણી ગામ નજીક અમદાવાદથી તાલાલા-સોમનાથ જતી ટ્રાવેલ્સની બસને ગંભીર અકસ્માત  : ડામર ભરેલા ટેન્કર સાથે જોરદાર ટક્કરના પગલે ખાનગી બસના સ્લીપર કોચમાં સુતેલા મુસાફરોની નાસભાગ – ચીસાચીસ: જૂનાગઢના બસ ચાલક અને અમદાવાદનું પ્રૌઢ દંપતી અકસ્માતનો ભોગ બન્યું; અન્ય મૃતકોની ઓળખ DNA ટેસ્ટ બાદ થશે

ચોટીલા, : ચોટીલા – સાયલા નેશનલ હાઇવે પર સાંગાણી ગામના બોર્ડ નજીક ગત રાત્રે આશરે દોઢ વાગ્યાના સુમારે એક હૃદયદ્રાવક અને રૂવાડા ઊભા કરી દેનારો અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી તાલાલા – સોમનાથ જવા નીકળેલી ‘મધુરમ ટ્રાવેલ્સ’ની સ્લીપર કોચ બસ આગળ જઈ રહેલા ડામર ભરેલા ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગમાં જોતજોતામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ કરૂણાંતિકામાં 4 વ્યક્તિઓ બસની અંદર જ જીવતા ભડથું થઈ ગયા હતા, જ્યારે અન્ય 10 મુસાફરો ગંભીર રીતે દાઝી જતાં ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માત સમયે બસમાં અંદાજે 40 જેટલા મુસાફરો સવાર હતા. મધરાતે અચાનક થયેલા ધડાકા અને આગની લપેટોને કારણે સ્લીપર કોચના સોફા બોક્સમાં સૂતેલા મુસાફરોમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. ચીસો સાંભળીને હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો, નજીકના પેટ્રોલ પંપનો સ્ટાફ અને સ્થાનિક હોટલોના કર્મચારીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. પોલીસ અને સ્થાનિક લોકોએ હાથમાં જે આવ્યું તે હથિયાર બનાવી બસના કાચ તોડી નાખ્યા હતા અને સમયસૂચકતા વાપરીને મોટાભાગના મુસાફરોને સલામત બહાર કાઢી લીધા હતા. જોકે, કમનસીબે 4 મુસાફરો અંદર ફસાઈ જતાં તેઓને બચાવી શકાયા નહોતા.

ઘટનાની જાણ થતાં જ ચોટીલા પોલીસ સ્ટેશનનો કાફલો અને ડેપ્યુટી કલેક્ટર મકવાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ટેન્કરમાં ડામર ભરેલો હોવાથી આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ પર કાબૂ મેળવવા માટે ચોટીલા અને થાનગઢથી ફાયર ફાઇટરોને બોલાવી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ શાંત પડી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

આ ભયાનક આગમાં મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા હોવાથી તેમની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. આથી મૃતકોની સત્તાવાર ઓળખ મેળવવા માટે રાજકોટ ખાતે ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ, મૃતકોમાં બસના ચાલક સિદ્ધાર્થપરી ઉર્ફે લાલાભાઈ ગોસ્વામી (ઉં.વ. 34, રહે. જૂનાગઢ) તથા અમદાવાદના રહેવાસી અને કોઈ પ્રસંગોપાત જૂનાગઢ જઈ રહેલા મુસ્લિમ પ્રોઢ દંપતી ઝબ્બારભાઈ ખીચી અને તેમના પત્ની નસુબેન ખીચીનો સમાવેશ થાય છે. ડીએનએ મેચ કરવા માટે તેમના પરિવારજનોના બ્લડ સેમ્પલ લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડામર ભરેલું ટેન્કર રોડ ઉપર બંધ પડેલું  કે રનિંગ હતું તે તપાસનો વિષય? : 4 માનવ જીવ નો ભોગ લેનાર અને બસ ને અગન ગોળો બનાવનાર ડામર ભરેલ ટેન્કર રોડ વચ્ચે બંધ હાલતમાં ઉભુ હતું અને કોઈ ઇમરજન્સી દર્શાવતી રેડીયમ કે અન્ય આડાશ ન હોવાથી પુરપાટ આવતી બસ ના ચાલક ને રાત્રીના અંધારામાં ધડાકાભેર અથડાઈ પડેલ હોવાની ચર્ચા છે ત્યારે તંત્ર દ્વારા પ્રાથમિક ટેન્કરનું ટાયર ફાટતા બસ ધડાકાભેર અથડાયાનું કહેવાય છે જે બાબત તપાસનો વિષય બનેલ છે.

અકસ્માતની કલાકો બાદ નેશનલ હાઇવે ઓથોરીટી ની બેદરકારી જોવા મળી! : ગત રાત્રીના ગમખ્વાર અકસ્માત બાદ બીજા દિવસે બપોર સુધી નેશનલ હાઇવે ઉપર ઘટના સ્થળ આસપાસ રોડ ઉપર કેમીકલ રૂપી ડામર વેરાયેલો જેને કારણે અન્ય વાહન ચાલકો ભોગ બન્યા હતા પણ સ્થાનિક અધિકારી ના ધ્યાને આવતા ઉધડો લેતા તંત્ર દોડતું થયેલ અને વેરાયેલ ડામર ઉપર રેપો નાખવામાં આવેલ હતો



Source link

Related Articles

Back to top button