અમરેલીમાં રાજુલા નજીક હાઇવે પર વાહનની અડફેટે સિંહ બાળનું મોત | Amreli: One Year Old Lion Cub Dies in Road Accident on National Highway

![]()
Lion Dies in Road Accident Amreli: એશિયાઈ સિંહોના ઘર ગણાતા અમરેલી જિલ્લામાં વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના દાંતરડી ગામ નજીક એક અજાણ્યા વાહને અડફેટે લેતા એક વર્ષના સિંહબાળનું મોત નીપજ્યું હતું. જોકે, આ ઘટનામાં વનવિભાગે ત્વરિત કાર્યવાહી કરીને જવાબદાર વાહનચાલકની અટકાયત કરી લીધી છે.
રોડ ક્રોસિંગ દરમિયાન સર્જાયો અકસ્માત
મળતી માહિતી મુજબ, રાજુલાના દાંતરડી ગામ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર મોડી રાત્રે અંદાજે એક વર્ષનું સિંહબાળ રોડ ક્રોસ કરી રહ્યું હતું. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને સિંહબાળને જોરદાર ઠોકર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓને કારણે સિંહબાળનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
વનવિભાગે વાહનચાલકને ઝડપી પાડ્યો
સિંહબાળના મોતના સમાચાર મળતા જ વનવિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. વનવિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. મૃત સિંહબાળના દેહને કબજે કરી પીએમ (પોસ્ટ મોર્ટમ) અર્થે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, વનવિભાગે સીસીટીવી અને બાતમીદારોની મદદથી સિંહબાળને ઠોકર મારનાર વાહનચાલકને પકડી પાડ્યો છે. ઝડપાયેલો વાહનચાલક રાજસ્થાન તરફનો હોવાનું બહાર આવ્યું છે.
હાઈવે પર વધતું જોખમ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે સિંહોની હિલચાલ માટે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. અગાઉ પણ આ હાઈવે પર વાહનોની અડફેટે અનેક સિંહો અને સિંહબાળોએ જીવ ગુમાવ્યા છે. વનવિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ આપવા છતાં વાહનચાલકોની બેદરકારી વન્યજીવો માટે જીવલેણ સાબિત થઈ રહી છે.
હાલમાં વનવિભાગ દ્વારા વાહનચાલક વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિંહબાળના મોતના પગલે વન્યજીવ પ્રેમીઓમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે.



