ઉંડેરા વિસ્તારના પ્રભુનગરમાં જીવતો વીજ વાયર તૂટતા લોકોમાં ગભરાટ | live electricity wire broke down in undera area of vadoara creates panic

![]()
વડોદરાઃ વડોદરામાં ચાલી રહેલા હીટવેવ વચ્ચે મધ્ય ગુજરાત વીજ કંપની સામે લોકોની ફરિયાદો વધી રહી છે.ગોત્રી વિસ્તારમાં કલાકો સુધી લાઈટો ગુલ રહેતા વીજ કંપનીની કચેરીમાં લોકો સુઈ રહ્યા હોવાની ઘટના બાદ શહેરના છેવાડે આવેલા ઉંડેરા વિસ્તારમાં પણ વીજ કંપની સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.
ઉંડેરા વિસ્તારમાં આવેલા પ્રભુનગરમાં મંગળવારની મધરાતે જીવતો વીજ વાયર તુટીને પડયો હતો અને ભારે ધડાકા થતા અહીંયા રહેતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.મધરાતનો સમય હોવાથી ગલીમાં અવર જવર હતી નહીં અને તેના કારણે જાનહાનિ સર્જાઈ નહોતી.
સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી વીજ વાયર તૂટે છે અને વીજ કંપનીના કર્મચારીઓ વાયર બદલવાની જગ્યાએ જોઈન્ટ મારીને જતા રહે છે.આ બાબતે ફરી ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે કર્મચારીઓએ એવો ઉડાઉ જવાબ આપ્યો હતો કે, આ તો નાની સમસ્યા છે.વીજ લોડ વધવાથી આવું થયા કરે…ખરેખર આ નાની સમસ્યા છે? જો વાયર કોઈના પર પડે અને તે જીવ ગુમાવે તો વીજ કંપની જવાબદારી લેવા પણ તૈયાર નહીં થાય.અમે લાઈટ બિલ ભરીએ છે તો વીજ કંપનીએ આ સમસ્યાનો પણ ઉકેલ લાવવો જોઈએ.



