સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર મંજૂર | From the shrine of the Saptarishi to the Jagannath temple

![]()
અમદાવાદ,મંગળવાર,12
મે,2026
સાબરમતી નદીના કિનારે આવેલા સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી
આવેલા ૩૫ જેટલા મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા રુપિયા વીસ કરોડનું ટેન્ડર મંજૂર
કરી દેવાયુ છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન મંદિર પ્રોજેકટ અંતર્ગત ત્રણ ફેઝમાં બે
કિલોમીટરમાં આવેલા વિસ્તારને ટેમ્પલ લિંક સર્કીટ તરીકે વિકસાવાશે. ડેવલપમેન્ટની પેટર્ન
વારાણસી મુજબની હશે.કોર્પોરેશનની ચૂંટણી પુરી થઈ ગઈ છે. હવે બીજા ફેઝ માટેના ટેન્ડરની
મંજૂરી મેળવી કામગીરી શરુ કરાશે. જગન્નાથ મંદિર તરફથી દર વર્ષે નીકળતી જલયાત્રાના રુટ
ઉપર સરકારી જગ્યામા આવેલા સ્લમ વિસ્તારના મકાનોને ઈ.ડબ્લ્યુ.એસ. આવાસ યોજનાનુ સ્વરૃપ
અપાશે. આ કારણથી ત્રીજા ફેઝના ટેન્ડરની રકમ ઘણી મોટી હોવાની સંભાવના છે.ગુજરાત પવિત્ર
યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી રુપિયા ૧૫૫ કરોડની ગ્રાન્ટની પ્રાથમિક મંજૂરી અપાયા પછી પંદર કરોડની ગ્રાન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાળવવામા
આવેલ છે.
લગભગ બે દાયકાથી કાગળ ઉપર ચાલતુ આયોજન હવે વાસ્તવિકતા તરફ
આગળ વધી રહયુ છે. ભાજપના જ શાસનમાં વર્ષ-૨૦૧૫થી ૨૦ સુધીની ટર્મમાં જગન્નાથ મંદિર
આસપાસના વિસ્તારના ડેવલપમેન્ટ માટે કોર્પોરેશન તરફથી એરીયલ સર્વે સુધીની કામગીરી
પુરી કરાવાઈ હતી. પરંતુ એ સમયે મંદિર
આસપાસના વિસ્તારમાં આવેલા સ્લમ અને કવાટર્સના રિડેવલપમેન્ટને લઈ શું કરવુ તે નકકી
થઈ ના શકતા આયોજન પડતુ મુકવામા આવ્યુ હતુ.વર્ષ-૨૦૨૫માં ફરી એક વખત તંત્ર તરફથી
પ્રોજેકટને નવા સ્વરૃપમાં રજૂ કરી મંજૂરી માંગવામા આવી હતી.વસંત ચોક,ભદ્ર તથા અટલ ઘાટ
કે જે એલિસબ્રિજથી નહેરૃબ્રિજની વચ્ચે આવેલો છે.આ વિસ્તાર તેમજ તેની આસપાસમાં
આવેલા પૌરાણિક મંદિરના જીર્ણોધ્ધાર કરવા માટે રુપિયા ૧૯.૬૧ કરોડના ટેન્ડરને મંજૂરી
મળી ગઈ હતી. બીજા ફેઝમાં હેરીટેજ સેન્ટર સાથે મલ્ટિલેવલ પાર્કિંગ તેમજ ફૂડ પ્લાઝા
ડેવલપ કરવા રુપિયા ૭૦ કરોડથી વધુની રકમનુ ટેન્ડર મંજૂરીની પ્રક્રીયામા છે.નવા હોદ્દેદારો અને કમિટીઓની
રચના પછી મંજૂરીની પ્રક્રીયા પુરી થયા પછી ટેમ્પલ લિંકીંગ સર્કીટ પ્રોજેકટની
કામગીરી શરુ થવાની સંભાવના છે.
જગન્નાથ મંદિર સામેના ભાગમાં ભવ્ય ચોક બનાવાશે
સોમનાથ ભુદરનો આરો,
માણેકબુર્જ પાસે આવેલ મહાલક્ષ્મી મંદિર,
રામબારીની નજીક આવેલા મંદિર,વસંત ચોકમા
આવેલ ગણપતિ મંદિર, મારુતિ મંદિર,કૃષ્ણ મંદિર,રામજી મંદિર, મહાદેવ વગેરેનો જીર્ણોધ્ધાર
કરી જગન્નાથ મંદિર સામેના ભાગમાં ભવ્ય ચોક બનાવી સાબરમતી નદીના કિનારે હેરીટેજના થીમથી
એક ગેટ બનાવાશે.
ઈ.ડબલ્યુ.એસ.આવાસ યોજના માટે પ્લોટ ફાળવવા સરકારમાં રજૂઆત
ટેમ્પલ લિંક સર્કીટ પ્રોજેકટમાં સ્લમ વિસ્તારમા આવેલા
મકાનોને દુર કરી અસરગ્રસ્તોને ઈ.ડબલ્યુ.એસ. આવાસ યોજનાના મકાન ફાળવવા રાજય સરકાર સમક્ષ પ્લોટ ફાળવવા રજૂઆત કરવામા
આવી છે.બે કિલોમીટરના વિસ્તારમા પ્લાઝા ઉપરાંત હેરીટેજ ઈન્ટરપ્રિટેશન સેન્ટર તથા
મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવાનુ આયોજન કરવામા આવ્યુ છે.



