સુરત: માછીમારી કરવા ગયેલા 4 મિત્રો ડૂબ્યા, એકને બચાવવા જતાં અન્ય ત્રણ પણ ગરકાવ, એક મૃતદેહ મળ્યો | Surat Tragedy: Four Friends Drown in Kakrapar Dam While Trying to Save Each Other

![]()
Four Friends Drown in Kakrapar Dam Surat: સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા કાકરાપાર ડેમ ખાતે સોમવારે (11મી મે) સાંજે એક અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ છે. માછીમારી કરવા ગયેલા ચાર મિત્રો પૈકી એક યુવક પાણીમાં ડૂબવા લાગતા તેને બચાવવા પડેલા અન્ય ત્રણ મિત્રો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હાલ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્યની શોધખોળ હજુ ચાલુ છે.
પાણીના જોરદાર પ્રવાહ ચારેય મિત્રો પાણીમાં ગરકાવ
મળતી માહિતી અનુસાર, ચાર મિત્રો રજાના દિવસે માછીમારી કરવાના આશયથી કાકરાપાર ડેમ પર ગયા હતા. માછીમારી દરમિયાન અચાનક એક યુવક પગ લપસતા અથવા અંદાજ ન રહેતા ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. પોતાના મિત્રને મરણિયા પ્રયાસો કરતો જોઈ, બાકીના ત્રણ મિત્રોએ જીવના જોખમે તેને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું હતું. જો કે, પાણીના જોરદાર પ્રવાહ અને ઊંડાઈને કારણે બચાવવા ગયેલા ત્રણેય મિત્રો પણ પોતાની જાતને સંભાળી શક્યા નહીં અને ચારેય મિત્રો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
તંત્ર દ્વારા સર્ચ ઓપરેશન
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તંત્રને જાણ કરવામાં આવી હતી. માંડવી પોલીસનો કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. મોડી રાત સુધી ચાલેલી ભારે જહેમત બાદ એક યુવકનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો છે. હજુ પણ અન્ય ત્રણ યુવકોની ભાળ મળી નથી. ફાયર વિભાગ દ્વારા બોટ અને મરજીવાઓની મદદથી ડેમના ઊંડા પાણીમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
એકસાથે ચાર યુવાનોના ડૂબવાની આ ઘટનાથી સમગ્ર માંડવી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકના પરિવારજનોના આક્રંદથી કાકરાપાર ડેમનો કિનારો ગમગીન બની ગયો છે.



