હિમાચલમાં દર્દનાક અકસ્માત : ભાવનગરના 5 લોકોના મોત, 4નો ચમત્કારિક બચાવ | Painful accident in Himachal: 5 people from Bhavnagar die 4 miraculously rescued

![]()
ચંબાના કકીરા નજીક મધરાત્રે આશરે ૩૦૦ મીટર ઊંડી ખાણમાં કાર ખાબકી
મૃતકોમાં સાસુ-સસરા, દીકરી-જમાઈ અને દોહિત્ર, આઠ દિવસની મનાલી-ડેલહાઉસી ટૂર માટે ગયો હતો ઃ સિંધી સમાજમાં અરેરાટી સાથે આઘાત
ભાવનગર – ભાવનગરના ઘોઘાસર્કલ વિસ્તારમાં રહેતા સિંધી પરિવાર સાથે હિમાચલ પ્રદેશમાં દર્દનાક અકસ્માતની ઘટના ઘટી છે. આશરે ૩૦૦ મીટર ઊંડી ખાણમાં કાર ખાબકી જતાં સાસુ-સસરા, દીકરી-જમાઈ અને દોહિત્રના કમકમાટીભર્યા મૃત્યુ થયા છે. આ ગમખ્વાર ઘટનામાં બે માસૂમ બાળકો સહિત ચાર લોકોનો ચમત્કારિક બચાવ થતાં તેમનું રેસ્ક્યુ કરી સારવાર માટે તાબડતોડ હોસ્પિટલમાં દાખલ કરી દેવાયા છે. જેમાં એક-બે વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અરેરાટી સાથે આઘાત ફેલાવતી કરૃણ ઘટના અંગે હતભાગીના પરિવારજનોએ વિગતો આપતા જણાવ્યું હતું કે, શહેરના ઘોઘાસર્કલ વિસ્તારમાં રહેતા લલીતભાઈ ફતનાની, તેમના પત્ની, દીકરી, જમાઈ, દોહિત્ર, દોહિત્રી, પુત્ર-પુત્રવધૂ અને પૌત્ર સહિત પરિવારના ૯ સભ્યો ગઈકાલે રાત્રે મનાલીથી ખાનગી કારમાં બેસીને અંતિમ પ્રવાસ સ્થળ ડેહલાઉસી જવા નીકળ્યા હતા. આ સમયે રાત્રિના એકથી ત્રણ વાગ્યાના વચ્ચેના સમયમાં ચંબાના કકીરામાં આવેલ તુરમટી-લાડુ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે વાવાઝોડા અને ભારે પવનના કારણે કાચા રોડની માટી ચીકણી હોવાના કારણે કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ત્રણ બાળકો સહિત નવ વ્યક્તિઓ સાથેની કાર ૩૦૦ મીટર ઊંડી ખાણમાં ખાબકી ગઈ હતી. આ ગોઝારી ઘટનામાં સિંધી પરિવારના લલીતભાઈ, તેમના પત્ની મમતાબેન, પુત્રી કાજલબેન ઉર્ફે ખ્વાહિશબેન, જમાઈ પ્રિયાંકભાઈ, દોહિત્ર ધીયાંશુ અને કારના ચાલકનું સ્થળ પર જ કરૃણ મોત થયું હતું. જ્યારે ભાવનગરમાં એચડીએફએસી સિક્યુરીટીઝમાં નોકરી કરતા મયંકભાઈ ફતનાની, તેમના પત્ની ફોરમબેન, પુત્ર જીયાંશ અને હતભાગી પ્રિયાંકભાઈની ચાર વર્ષની પુત્રી પ્રિયાંશીનો બચાવ થયો હતો.
ઊંડી ખાણમાં ખાબક્વા છતાં મોતને હાથતાળી આપનાર મયંકભાઈએ હિંમત દાખવી ભાવનગર સ્થિત તેમના પરિવારજનોને અને ત્યારબાદ તંત્રને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં ચંબા પોલીસનો મસમોટો કાફલો બચાવ-રાહત કામગીરી માટે પહોંચ્યો હતો. પાંચેય મૃતદેહો અને જીવિત ચાર વ્યક્તિને ખાણમાંથી બહાર કાઢી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે પ્રથમ ચંબાની હોસ્પિટલમાં અને ત્યારબાદ ટાંડા મેડીકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કર્યા હતા. સ્થાનિકોની મદદથી હતભાગીઓના સામાન ભરેલી બેગો સાથે મૃતદેહોને ખાનગી વાહનોમાં ટાંડા મેડીકલ કોલેજ અને હોસ્પિટલ લઈ જવાયા હતા. અહીં પોસ્ટમાર્ટમ સહિતની જરૃરી કાર્યવાહી કરાઈ હતી.
ઉલ્લેખનિય છે કે, ચંબાના કકીરા પાસે ભાવનગરના સિંધી પરિવારના પાંચ સભ્ય સહિત છ લોકોના મોતની ઘટનાની જાણ થતાં ભાવનગરના ધારાસભ્યો, કેન્દ્રીય કેબિનેટ મંત્રી, રાજ્ય સરકાર દ્વારા તુરંત હિમાચલ પ્રદેશની સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંપર્ક સાધી જરૃરી તમામ મદદ પૂરી પાડવા જણાવ્યું હતું. આ ઉપરાંત સિંધુ સેનાના પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ ચંદનીએ પણ મધરાતથી જ સતત સંપર્કો સાધી અકસ્માતગ્રસ્ત પરિવારને જરૃરી મદદ મળી રહે તેવા સફળ પ્રયાસો કર્યા હતા.
વધુમાં ભાવનગરથી પરિવારના ત્રણ સભ્ય અને બેંગ્લોરમાં નોકરી કરતા મયંકભાઈના ભાઈ હિમાચલ પ્રદેશ જવા નીકળ્યા છે. ત્યાં પહોંચી ભાવનગરમાં વડીલો સાથે ચર્ચા કર્યા બાદ અંતિમ સંસ્કાર ત્યાં કરવા કે મૃતદેહોને ભાવનગર લાવવા ? તે અંગે નિર્ણય લેવાશે તેમ ઉમેર્યું હતું. કમકમાટીભરી ઘટનાથી પરિવાર અને સિંધી સમાજમાં અરેરાટી સાથે આઘાતની લાગણી પ્રસરી છે. મૃતકોના પરિવારના સભ્યોને સાંત્વના આપવા સ્વજનો અને સિંધી સમાજના આગેવાનો તેમના ઘરે પહોંચ્યા હતા.
ઈજાગ્રસ્તોને ટાંડા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ખસેડાયા, હતભાગીઓના પીએમ થયા ઃ કારચાલકનું પણ મોત
વાવાઝોડા અને ભારે પવનના કારણે ગોઝારી દુર્ઘટના ઘટી, ઈજાગ્રસ્ત મયંકભાઈએ પરિવાર અને તંત્રને જાણ કરી ઃ ભાવનગરથી પરિવારના ત્રણ અને બેંગ્લોરથી મયંકભાઈના ભાઈ હિમાચલ પ્રદેશ જવા રવાના
ગોઝારા અકસ્માતમાં મોતને ભેટેલા હતભાગી
લલીતભાઈ જેઠાનંદભાઈ ફતનાની (ઉ.વ.આ.૫૯, રહે, સિંધી સોસાયટી, ઘોઘાસર્કલ)
મમતાબેન ઉર્ફે સોનિયાબેન લલીતભાઈ ફતનાની (ઉ.વ.આ.૫૪, રહે, સિંધી સોસાયટી, ઘોઘાસર્કલ)
પ્રિયાંકભાઈ કનુભાઈ ભોપાણી (ઉ.વ.આ.૩૫, રહે, આરતી એવન્યુ ટેનામેન્ટ, છાપરૃ હોલ, ઘોઘાસર્કલ)
કાજલબેન પ્રિયાંકભાઈ ભોપાણી (ઉ.વ.આ.૩૨, રહે, આરતી એવન્યુ ટેનામેન્ટ, છાપરૃ હોલ, ઘોઘાસર્કલ))
ધીયાંશુ પ્રિયાંકભાઈ ભોપાણી (ઉ.વ.૦૯, રહે, આરતી એવન્યુ ટેનામેન્ટ, છાપરૃ હોલ, ઘોઘાસર્કલ)
મંડી ખાતે રહેતો ઈનોવા કારનો ડ્રાઈવર
ઈજાગ્રસ્તોના નામની યાદી
મયંકભાઈ લલીતભાઈ ફતનાની (ઉ.વ.આ.૩૦)
ફોરમબેન મયંકભાઈ ફતનાની (ઉ.વ.આ.૨૯)
જીયાંશ મયંકભાઈ ફતનાની (ઉ.વ.૦૩)
પ્રિયાંશી પ્રિયાંકભાઈ ભોપાણી (ઉ.વ.૦૪)
હતભાગીઓને તાત્કાલિક સહાય ચૂકવાઈ
મનાલી વેકેશન માણવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારના પાંચ સભ્યના કરુણ મોતની ઘટનામાં હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા હતભાગીઓને તાત્કાલિક ૨૫-૨૫ હજારની સહાય ચૂકવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
તમામ પ્રકારની મદદ માટે જિલ્લા વહીવટી તંત્ર તૈયાર
હિમાચલના ચંબાના કકીરા પાસે મધરાત્રિના સમયે ખીણમાં કાર ખાબકતા બાળકો સહિત પાંચ લોકોના મૃત્યુ અને ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ ઘટના અંગે આજે સવારે ૧૦-૨૬ કલાકે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરતા વહીવટી તંત્ર દ્વારા તુરંત જ સ્ટેટ કંટ્રોલ અને હિમાચલ પ્રદેશ સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રના સતત સંપર્કમાં રહી ઘટનાની તમામ વિગતો મેળવી હતી. દુઃખદ ઘટના બાદ હતભાગીઓના ત્રણ સબંધી મનાલી જવા રવાના થયા છે. મૃતદેહો અને ઈજાગ્રસ્તોને પરત લાવવા સહિતની તમામ પ્રકારની મદદ માટે જિલ્લા વહીવટી તંત્ર તૈયાર હોવાનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી. ગોવાણીએ વાતચીતમાં જણાવ્યું હતું.
લલીતભાઈની ભાઈ સાથે છેલ્લી વાત.. મનાલી છીએ, રાત્રે ડેલહાઉસી જશું
પરિવાર સાથે આઠ દિવસની મનાલી ટ્રીપ પર ગયેલા લલીતભાઈ ફતનાણીએ ગઈકાલે તેમના કુટુંબી ભાઈ મહેશભાઈ ઠાકોરદાસ ગોકલાણીને ફોન કરી અત્યારે મનાલી છીએ, અહીંથી ગુરૃદ્વારા જઈશું અને રાત્રે ડેલહાઉસી જવા રવાના થશું તેવી છેલ્લી વાત કરી હતી તેમ મહેશભાઈએ નમ આંખે વાતચીત કરતા જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, ‘ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે ?’ આ કહેવત સિંધી પરિવાર માટે વ્રજઘાત બનીને આવી હતી. મધરાત્રે ઈનોવામાં બેસીને ડેલહાઉસી જવા નીકળ્યા ત્યાં રસ્તામાં કાળનો કોળિયો બનતા પરિવારમાં અરેરાટી સાથે આઘાતનું મોજું ફરી વળ્યું હતું. લલીતભાઈ મીલનસાર અને માયાળુ સ્વભાવના હતા.
મૃતક પ્રિયાંકભાઈને સુતરવાડમાં ટ્રકના સ્પેરપાર્ટની દુકાન
સાસુ-સસરા, પત્ની અને બાળકી સાથે મોતને ભેટેલા પ્રિયાંકભાઈ ભોપાણી ટ્રકના સ્પેરપાર્ટના વેપારી હતી. દાણાપીઠ પાસે સુતરવાડામાં તેમની દુકાન આવેલી હોવાનું હતભાગીના પરિવારજનોએ જણાવ્યું હતું.
મોટાભાઈના મૃત્યુના એક વર્ષે નાનાભાઈનું પણ દેહાંત
સિંધી સોસાયટીના પ્રમુખ અને એસ્ટેટ બ્રોકર લલીતભાઈ ફતનાણીના પરિવાર સાથે કુદરતની ક્રૂરતા પીછો છોડતી નથી. ત્રણ ભાઈઓમાં સૌથી નાના લલીતભાઈના મોટાભાઈ હરેશભાઈ જેઠાનંદભાઈ ફતનાણી (રિટાયર્ડ-બીએમસી)નું ગત તા.૧૦-૫-૨૦૨૫ના રોજ દેહાંત થયું હતું. તેમની વરસીનું એક વર્ષ પૂર્ણ થયું ત્યાં લલીતભાઈનું પણ અકાળે અવસાથ થતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. ૧૪ દિવસ પહેલા જ કાજલબેને અંતિમ જન્મદિવસ ઉજવ્યો
માતા-પિતા, પતિ અને સંતાન સાથે ઉનાળું વેકેશન માણવા ગયેલા કાજલબેન ઉર્ફે ખ્વાહિશબેન પ્રિયાંકભાઈ ભોપાણીનો ૨૮મી એપ્રિલે જન્મદિવસ હતો. પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી અને પછી થોડા જ દિવસમાં મનાલીની ટ્રીપ ગોઠવાતા નવું વર્ષ યાદગાર બની રહેશે તેવા સપનાઓ હતા. પરંતુ ગોઝારા અકસ્માતે કાજલબેનના પ્રાણ હણી લેતા ૧૪ દિવસ પહેલા ઉજવેલો જન્મદિવસ જીવનનો અંતિમ જન્મદિવસ બની રહ્યો હતો. કાજલબેન ઘરકામની સાથે ટયુશન ક્લાસ ચલાવી પરિવારના આર્થિક આધારસ્તંભની પણ ભૂમિકા ભજવી રહ્યા હતા.
આજે ચંદીગઢથી ટ્રેનમાં અમદાવાદ આવવાના હતા
ભાવનગરનો સસરા-જમાઈનો સિંધી પરિવારે ગત તા.૪-૫ને સોમવારે આઠ દિવસના મનાલી પ્રવાસે નીકળ્યો હતો. અમદાવાદથી ફ્લાઈટમાં ચંદીગઢ પહોંચ્યા બાદ ત્યાંથી ખાનગી ટુર ઓપરેટરની કાર ભાડે કરી ત્રણ દિવસ શીમલા, ત્રણ દિવસ મનાલીમાં રોકાણ કર્યા બાદ ગત રાત્રે ડેલહાઉસી જવા નીકળ્યો હતો. ડેલહાઉસીમાં બે દિવસના રોકાણ બાદ ચંદીગઢ પરત આવી ત્યાંથી આવતીકાલ તા.૧૨-૫ને મંગળવારે ટ્રેન મારફત અમદાવાદ આવવાની ટિકિટ કન્ફર્મ કરેલી હતી.
ચાર વર્ષની માસૂમ બાળકીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી
ઊંડી ખીણમાં કાર પલટી જવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં બે દંપતી અને એક માસૂમ બાળકે જીવ ગુમાવ્યાની કરૃણ ઘટના બની છે. આ અકસ્માતના બનાવમાં ચમત્કારિત રીતે બચી ગયેલી ચાર વર્ષની માસૂમ બાળકી પ્રિયાંશી ભોપાણીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. સાથે જ કુદરતની ક્રૂરતાએ નાના-નાની માઁનું વાત્સલ્ય પણ છીનવ્યું છે.
ઉનાળુ વેકેશન ભાવનગરીઓ માટે ભારે
ઉનાળુ વેકેશન દરમિયાન ભાવનગરમાંથી હજારો લોકો પરિવાર સાથે ઉત્તરાખંડ, હિમાચલ, કાશ્મીર જેવા ઠંડા પ્રદેશોમાં હરવા-ફરવા માટે જતા હોય છે. પરંતુ છેલ્લા બે ઉનાળુ વેકેશન ભાવનગરીઓ માટે ભારે રહ્યા છે. ગત વર્ષે પહલગામની આતંકી હુમલાની ઘટનામાં પિતા-પુત્રના મોતની ઘટના હજુ તાજી છે. ત્યાં મધરાત્રે હિમાચલમાં કાર ખીણમાં પલટી જવાની ઘટનામાં ભાવનગરના પાંચ લોકોએ જીવ લીધો છે. ગત વર્ષે નેપાલના તોફાનમાં પણ ભાવનગરના પ્રવાસીઓ ફસાયા હતા.



