નેપાળમાં લેન્ડિંગ સમયે જ વિમાનના ટાયરમાં ભીષણ આગ લાગી, 289 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા | Turkish Airlines Plane Fire 289 Rescued at Kathmandu Tribhuvan International Airport

![]()
Turkish Airlines Plane Fire: નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે સવારે એક મોટો વિમાન અકસ્માત થતા રહી ગયો હતો. ટર્કિશ એરલાઈન્સના એક વિમાનના ટાયરમાં લેન્ડિંગ દરમિયાન અચાનક આગ લાગી ગઈ હતી. જોકે, એરપોર્ટ પ્રશાસન અને ફાયર વિભાગની સતર્કતાને કારણે આગ પર તરત જ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને વિમાનમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ટર્કિશ એરલાઈન્સની ફ્લાઈટ TK 726 ઈસ્તાંબુલથી કાઠમંડુ આવી રહી હતી. જ્યારે વિમાન રનવે પર લેન્ડ કરી રહ્યું હતું ત્યારે તેના જમણી બાજુના લેન્ડિંગ ગિયર (ટાયર) માં આગ લાગી હતી અને જોતજોતામાં ધુમાડો નીકળવા લાગ્યો હતો. એરપોર્ટ સુરક્ષાના એસપી રાજકુમાર સિલાવલે પુષ્ટિ કરી છે કે ફાયર એન્જિનની મદદથી આગને બુઝાવી દેવામાં આવી છે.
289 લોકોનો બચાવ
આ વિમાનમાં કુલ 278 મુસાફરો અને 11 ક્રૂ મેમ્બર્સ મળી કુલ 289 લોકો સવાર હતા. ખાસ વાત એ છે કે મુસાફરોમાં સંયુક્ત રાષ્ટ્ર (UN) ના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ હતા. વિમાનના ઈમરજન્સી દરવાજા ખોલીને તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: બાંગ્લાદેશ હાઈકોર્ટે હિંદુ સાધુની જામીન અરજીને નકારી કાઢી
સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ
આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે, જેમાં લેન્ડિંગ ગિયરમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડો નીકળતો જોઈ શકાય છે. હાલમાં એરપોર્ટ કે એરલાઈન્સ કંપની દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ ટેકનિકલ ખામીને કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. ઘટનાના કારણો જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.


