ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાનો મોટો નિર્ણય, ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાતનો કાર્યક્રમ જાહેર | Trump to Visit China Amid Iran Tensions US Announces Meeting With Xi Jinping

![]()
US-China Diplomacy in Focus: વિશ્વના બે સૌથી શક્તિશાળી દેશો અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં એક નવો વળાંક આવવા જઈ રહ્યો છે. ઈરાન સાથેના વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાત લેવાના છે. ચીનના વિદેશ મંત્રાલયે આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતની સત્તાવાર જાહેરાત કરી છે.
ત્રણ દિવસીય રાજ્ય મુલાકાતનું આયોજન
ચીનના પ્રમુખ શી જિનપિંગના વિશેષ આમંત્રણ પર, ડોનાલ્ડ ટ્રમ્પ 13મી મેથી 15મી મે દરમિયાન બેઈજિંગની મુલાકાત લેશે. ચીની સમાચાર એજન્સી ‘શિન્હુઆ’ના અહેવાલ અનુસાર, આ ત્રણ દિવસ દરમિયાન બંને દેશોના નેતાઓ પરસ્પર હિતના વિષયો, સુરક્ષા અને આર્થિક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરશે. આ મુલાકાતને વોશિંગ્ટન અને બેઈજિંગ વચ્ચે રાજદ્વારી સંવાદના નવા અધ્યાય તરીકે જોવામાં આવી રહી છે.
હોર્મુઝ સ્ટ્રેટ પર ચીનની અમેરિકાને ચેતવણી
આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ચીને હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે અમેરિકાને કડક ચેતવણી આપી છે. ચીનના સંરક્ષણ મંત્રી એડમિરલ ડોંગ જુને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ઈરાન સાથે ચીનના ઉર્જા અને વેપાર કરારો છે, જેમાં અન્ય કોઈએ દખલ કરવી જોઈએ નહીં.
નોંધનીય છેકે, ચીન તેની જરૂરિયાતનું 40% ઓઈલ અને 30% LNG હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા મેળવે છે. ચીન આ જળમાર્ગને સુરક્ષિત રાખવા માટે અખાતમાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે દબાણ કરી રહ્યું છે.
પેટ્રોડોલર સિસ્ટમ અને યુઆનનો પડકાર
નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી નૌકાદળ નાકાબંધીનો મુખ્ય હેતુ ચીની ચલણ ‘યુઆન’ના વધતા પ્રભાવને રોકવાનો પણ હોઈ શકે છે. ઈરાન સાથેના વેપારમાં યુઆનનો ઉપયોગ દાયકાઓ જૂની ‘પેટ્રોડોલર’ સિસ્ટમ માટે મોટો પડકાર માનવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે આ આર્થિક ટકરાવ અને ઉર્જા સુરક્ષા અંગે કેવી સમજૂતી થાય છે તેના પર આખા વિશ્વની નજર રહેશે.


