સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ 75 વર્ષ પૂર્ણ, આજે 11 તીર્થોના જળથી શિખર પર અભિષેક | 75 years of reconstruction of Somnath Temple today

![]()
એરફોર્સના ચેતક હેલિકોપ્ટર દ્વારા મંદિર પર પુષ્પવર્ષા કરાશે : મહામૃત્યુજ્ય મંત્ર સાથે વિશેષ મહાપૂજા યોજાશેઃ આધ્યાત્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન : વાયુસેના દ્વારા રોમાંચક સૂર્યકિરણ એર શો યોજાશે
વેરાવળ, પ્રભાસપાટણ, : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પર અનેક આક્રાંતાઓએ હુમલા કર્યા છતાં આજે પણ સોમનાથ મંદિર સનાતન ધર્મની અડગ શ્રધ્ધા અને વધુ ભવ્યતા સાથે અડિખમ ઉભું છે. મંદિરના પુનઃ નિર્માણને તા. 11મી મેએ 75 વર્ષ પૂર્ણ થતા અમૃત પર્વ અંતર્ગત મંદિરના શિખર પર 11 તીર્થોના જળથી કુંભાભિષેક થશે. તથા મહામૃત્યુજ્ય મંત્ર સાથે વિશેષ મહાપૂજા યોજાશે. આ અંગે એરફોર્સના ચેતક હોલિકોપ્ટર દ્વારા મંદિર પર પુષ્પવર્ષા કરાશે. અને શિવ ભક્તોના હર હર મહાદેવના નાદથી મંદિર ગુંજી ઉઠશે.
આઝાદ ભારત વર્ષમાં ભારતના લોખંડી પુરૃષ સરદાર વલ્લભભાઇ પટેલે સોમનાથ મંદિરના નવનિર્માણનો સંકલ્પ લીધો, અને 1951માં મંદિરનું નવનિર્માણ થયું. 11મી મે, 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદના હસ્તે નવનિર્મિત મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી. આ ગૌરવશાળી પળને 11મી મેના રોજ 75 વર્ષ પૂર્ણ થશે. તે અંતર્ગત મંદિરમાં અમૃત પર્વની ઉજવણીનો પ્રારંભ થયો છે.
તા. 11મીએ મંદિરમાં મહામૃત્યુજ્ય મંત્ર સાથે વિશેષ મહાપૂજા, ધ્વજાપૂજા વિધિ સહિત અનેક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. મંદિરના શિખર પર 11 તીર્થોના જળથી કુંભાભિષેક થશે. આ પ્રસંગે ઉપસ્થિત હજારો શિવ ભક્તો હર હર મહાદેવના નાદ સાથે સોમનાથ મહાદેવનો જયઘોષ કરશે. તથા મંદિર પર એરફોર્સના ચેતક હેલિકોપ્ટર દ્વારા વિશેષ પુષ્પવર્ષા કરાશે.
સાથે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા મંદિરના આકાશમાં અદ્ભૂત હવાઇ કરતબોનું નિદર્શન કરાશે. આ ઉપરાંત મંદિર પરિસરમાં મંદિરના પૌરાણિક યુગથી જિર્ણોધ્ધાર બાદ આધુનિક સોમનાથ મંદિરની યશોગાથાને અંકિત કરતું પ્રદર્શન યોજાશે. આ પ્રદર્શનમાં એલ.ઇ.ડી. સ્ક્રીન પર સ્લાઇડના માધ્યમથી પૌરાણિક સોમનાથ મંદિરનું મહત્વ, તેનો ઇતિહાસ તથા મંદિરના જિર્ણોધ્ધારની સમગ્ર યાત્રાને ફોટોગ્રાફ સાથે રજૂ કરાશે.


