વટવા મર્ડર કેસ: 34 વર્ષ પહેલાં પત્નીની હત્યા કરી લાશ ખાળકૂવામાં દાટી દેનાર પતિ અને જેઠ ઝડપાયા | Ahmedabad Crime Branch Cracks 34 Year Old Vatva Case Two Accused Taken Into Custody

![]()
Vatva 34-year-old Murder Case Updates: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 1992માં વટવા વિસ્તારમાં થયેલી એક યુવતીની હત્યાનો ભેદ ઉકેલીને કાયદો અને વ્યવસ્થાના ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે. 34 વર્ષ જૂના આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે મૃતક મહિલાના પતિ અને તેના જેઠની ધરપકડ કરી છે. આરોપીઓએ યુવતીની હત્યા કર્યા બાદ તેની લાશને ઘરના જ ખાળકૂવોમાં દાટી દઈ પુરાવા મિટાવવાનો પ્રયાસ કર્યો હતો.
ધરપકડ કરાયેલા આરોપીઓ
વર્ષ 1992માં વટવા વિસ્તારમાં ફરજાના નામની યુવતીની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને ઘરમાં દાટેલો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ શરૂ કરી હતી. DNA સેમ્પલ મૃતકના ભાઈના DNA સાથે મેચ થયા હતા અને અન્ય પુરાવાઓના આધારે આ ગુનામાં કુલ 4 લોકોની સંડોવણી સામે આવી હતી.
ક્રાઇમ બ્રાન્ચે આ હાઈ-પ્રોફાઇલ કેસમાં મૃતક ફરજાનાનો પતિ સમસુદ્દીન ખેડાવાળા, ઈકબાલ ખેડાવાળા મૃતકનો જેઠની ધપકડ કરી છે. આ બંને આરોપીઓ હાલ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું છે કે આ હત્યામાં સામેલ અન્ય બે આરોપીઓના અગાઉ મૃત્યુ થઈ ચૂક્યા છે. જેમાં સાલિયા બીબીનું 14 વર્ષ પહેલાં અવસાન થયું હતું અને અન્ય એક આરોપી અબ્દુલ કરીમનું પણ મૃત્યુ થઈ ગયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી (ACP) ભરત પટેલે જણાવ્યું હતું કે, ટેકનિકલ સોર્સ અને જૂના રેકોર્ડ્સના આધારે આ વણઉકેલાયેલા ગુનાને ડિટેક્ટ કરવામાં આવ્યો છે. આરોપીઓએ વર્ષો સુધી આ રહસ્ય છુપાવી રાખ્યું હતું, પરંતુ ડીએનએ રિપોર્ટ પોઝિટિવ આવતા આખરે સત્ય સામે આવ્યું છે.
શું છે સમગ્ર ઘટના?
પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, મૃતક મહિલાનું નામ ફરજાના હતું અને તે મૂળ ધોળકાની હતી. 1992ની સાલમાં જ્યારે તેની ઉંમર 17-18 વર્ષની હતી ત્યારે તેના લગ્ન સુરતમાં થયા હતા, પરંતુ તે એક વર્ષની અંદર પિતાના ઘરે પરત ફરી હતી અને બાદમાં દેહવ્યાપાર તરીકે કામ કરવા લાગી હતી. તેના પરિવારના લોકો માટે તેની આ જીવનશૈલીથી આબરૂને નુકસાન થતું હોવાથી, તેમને ફરજાના ક્યાં છે અને શું કરે છે તેમાં કોઈ જ રસ નહોતો અને તેમણે ક્યારેય તેની શોધખોળ કરી નહોતી કે પોલીસમાં નોંધ કરાવી નહોતી. ફરજાના અમદાવાદ આવ્યા બાદ તેનો પરિચય સમસુદ્દીન સાથે થયો અને પછી બંનેએ લગ્ન કર્યા. પરંતુ લગ્ન પછી પણ ફરજાનાએ તેની લગ્ન પહેલાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી અને તે સમસુદ્દીનને છોડવા પણ તૈયાર નહોતી.
ગળું દબાવી હત્યા કરી, બાદમાં ખાડામાં દફનાવી દીધી
ફરજાનાની આ બાબતોથી કંટાળીને સમસુદ્દીનની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ હતી, તેથી તેણે પોતાના મોટા ભાઈ ઇકબાલ, મિત્ર અબ્દુલ કરીમ અને અન્ય લોકો સાથે મળીને ફરજાનાની હત્યાનું કાવતરું ઘડ્યું. અબ્દુલ કરીમનો સાલિયા બીબી પર નાણાકીય ઉપકાર હતો, તેથી સમસુદ્દીન અને ફરજાના સાલિયા બીબીના ઘરે રોકાવા ગયા. અબ્દુલ કરીમ અને ઇકબાલે અગાઉથી જ ઘરમાં ખાળકુવા માટે ખાડો ખોદાવીને તૈયાર રાખ્યો હતો. રાત્રે જ્યારે ફરજાના સૂઈ ગઈ ત્યારે બાકીના લોકોએ તેનું ગળું દબાવી હત્યા કરી દીધી અને તે ખાડામાં તેને દફનાવી દીધી. ત્યારબાદ કોઈને શંકા ન જાય તે માટે અબ્દુલ કરીમે ત્યાં પ્લાસ્ટર પણ કરાવી દીધું હતું.
20 ફૂટ ઊંડેથી માનવ કંકાલ મળ્યા
આ બધી પ્રાથમિક માહિતીની ખરાઈ કર્યા પછી, ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને FSL તેમજ મેડિકલ એક્સપર્ટની હાજરીમાં તે મકાનમાં ખોદકામ કરાવ્યું હતું. ખોદકામ દરમિયાન અમને 20 ફૂટ ઊંડેથી માનવ કંકાલ મળ્યો હતો, જેને સિવિલ હૉસ્પિટલ મોકલી આપ્યો હતો. આ કંકાલ ફરજાનાના જ છે કે કેમ તે નક્કી કરવા માટે તેના DNA લઈને તેના જીવિત ભાઈના DNA સાથે સરખામણી કરવામાં આવી હતી. જેમાં DNA રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



