ભારે ગરમી વચ્ચે રક્તદાનનો સ્ત્રોત સૂકાયોઃ રાજકોટમાં લોહીની અછત | Blood donation source dries up amid extreme heat: Blood shortage in Rajkot

![]()
ઉનાળામાં સ્વૈચ્છિક રક્તદાનમાં 40 ટકા જેવી ઓટ : રોજ સરેરાશ 300થી વધુ યુનિટની જરૂરત સામે 50 ટકા રક્ત જ ઉપલબ્ધ, સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં પણ અછત
રાજકોટ, : દર વર્ષે ઉનાળા દરમિયાન સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં રક્તની તીવ્ર ખેંચની અસર વર્તાય છે. ઉનાળાની ઋતુમાં વિવિધ સંસ્થાઓ દ્વારા થતા રક્તદાન કેમ્પની સંખ્યા ઘટી જાય છે. આથી સ્વાભાવિક રીતે જ માંગ કરતાં પુરવઠો ઓછો રહેતાં લોહીની અછત સર્જાય છે. આ વખતે પણ ઉનાળાના પ્રારંભિક તબક્કાથી જ રક્તની અછત વર્તાવા લાગી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 150થી વધુ યુનિટની માંગ સામે 50 ટકા યુનિટ જ ઉપલબ્ધ બનતા હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં કેમ્પ કરી રક્ત મેળવવાનો પ્રયાસ થાય છે. આમ છતાં જરૂરિયાત મુજબનો રક્તનો પુરવઠો ઉપલબ્ધ થતો નથી. ઉનાળાના સમયમાં ક્યારેક તો થેલેસેમિયા પીડિત દર્દીઓને પણ નિયત સમયે લોહી મેળવવા માટે હાલાકીનો સામનો કરવો પડે છે.
શહેરની વિવિધ બ્લડ બેંકો દ્વારા દર મહીને સરેરાશ સાતથી આઠ કેમ્પ થતાં હોય છે, જે ગરમીની ઋતુમાં ઘટીને ત્રણથી ચાર જ થાય છે. તેમાં પણ રક્તદાતાઓની સંખ્યા ધાર્યા પ્રમાણેની થતી નથી. આવી પરિસ્થિતિમાં રેર ગણાતા બ્લડ ગ્રુપ ધરાવતા દર્દીઓને તો એકાદ યુનિટ માટે પણ રીતસર ભાગાદોડી કરવી પડે છે.



