કારમી હાર બાદ કોંગ્રેસમાં શિસ્તના નામે ‘સફાઈ અભિયાન’ શરૂ : ગાંધીનગર કોંગ્રેસે 20 સભ્યો-કાર્યકરોને સસ્પેન્ડ કર્યા, જુઓ યાદી | Gandhinagar Congress Suspends 20 Members for Anti Party Activities

Gandhinagar Congress Suspends 20 Members: રાજ્યમાં સ્થાનિક ચૂંટણીમાં સુપડા સાફ થતાં કોંગ્રેસે શિસ્તભંગનું હથિયાર ઉગામ્યું છે. જેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 20 કાર્યકરોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાના આદેશ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યા છે.
કારમી હાર બાદ કોંગ્રેસમાં શિસ્તના નામે ‘સફાઈ અભિયાન’
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં કોંગ્રેસના દેખાવ બાદ હવે પક્ષમાં આંતરકલહ સપાટી પર આવ્યો છે. ગાંધીનગર જિલ્લામાં ભાજપના ભવ્ય વિજય અને કોંગ્રેસના રકાસ બાદ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ આકરા પગલાં ભરવાની શરૂઆત કરી છે. ચૂંટણીમાં હાર માટે જવાબદારી સ્વીકારવાને બદલે પક્ષે હવે કાર્યકરો પર દોષનો ટોપલો ઢોળવાનું શરૂ કર્યું હોય તેમ જણાય છે.
ગાંધીનગર કોંગ્રેસમાં 20 સભ્યોને ઘરભેગા કરાયા
ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી દ્વારા એક સત્તાવાર પત્ર જાહેર કરીને 20 જેટલાં પદાધિકારીઓ અને કાર્યકરોને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, આ સભ્યોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે અને કોંગ્રેસના માન્ય ઉમેદવારોને નુકસાન પહોંચાડ્યું છે. સસ્પેન્ડ થયેલા સભ્યોમાં દહેગામ, માણસા અને કલોલ વિસ્તારના અગ્રણીઓનો સમાવેશ થાય છે.
કોંગ્રેસની આ હાર પાછળ સંગઠનની નબળાઈ અને નેતૃત્વનો અભાવ મુખ્ય કારણો છે. જોકે, પક્ષે આત્મમંથન કરવાને બદલે પાયાના કાર્યકરોને નિશાન બનાવ્યા છે. એકસાથે 20 સભ્યોને દૂર કરવાથી આગામી 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનું માળખું વધુ નબળું પડી શકે છે. સસ્પેન્ડ થયેલા કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓનું કહેવું છે કે, ‘પક્ષના ઉચ્ચ નેતૃત્વની નિષ્ફળતાને છુપાવવા માટે અમને બલિનો બકરો બનાવવામાં આવ્યા છે.’
આ યાદીમાં જગતસિંહ ચૌહાણ (દહેગામ), દિપાબહેન ઠાકોર (માણસા), અને ફરીદાબાનુ મલેક (કલોલ) જેવા નામોનો સમાવેશ થાય છે. આ તમામ સભ્યો હવે આગામી સમયમાં શું રણનીતિ અપનાવે છે તેના પર સૌની નજર રહેશે.




