જોખમી ખાડા માટે પાલિકાને દોષી ગણી બાંટવાના નગરપતિ પર હુમલો | Attack on the mayor of Bantwal blaming the municipality for the dangerous pothole

![]()
ભાજપરાજની બલિહારીઃ ભાજપ કાર્યકરે ભાજપી હોદ્દેદારને ફટકાર્યા : ખાડાને લીધે રિક્ષા પલટી જવાથી બાળક ઘવાતાં તેના પિતાએ પિત્તો ગુમાવ્યોઃ ભાજપની જ અપીલથી વિરોધરૂપે ગામ આંશિક બંધ રહ્યું!
બાંટવા, : બાંટવામાં 3 દિવસ પહેલા ખાડાના કારણે એક રિક્ષા પલ્ટી ખાઈ જતાં એક રાહદારી બાળકને ઇજા થઇ હતી. આ બાબતનો ખાર રાખી બાળકના પિતા એવા ભાજપના કાર્યકરે આજે બાંટવા પાલિકાના ભાજપી પ્રમુખ પર સરાજાહેર પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ શખ્સે ખિસ્સામાંથી 12-13 હજાર રૂપિયા કાઢી લીધા હોવાનો પ્રમુખે આક્ષેપ કર્યો છે. આ ઘટનાના વિરોધમાં ભાજપની અપીલથી આજે બપોરે ગામ અમુક અંશે બંધ રહ્યું હતું. ખાડા મામલે પાલિકાના સૂત્રધાર પર હુમલાના આ બનાવે આશ્ચર્ય ફેલાવ્યું છે.
ગત રવિવારે બાંટવાના ભીમનાથ રોડ પર ન.પા.ની બેદરકારીથી પડેલા ખાડાના કારણે રિક્ષા પલ્ટી ગઈ હતી અને આ રિક્ષા સાયકલ લઈને જઈ રહેલાં 10 વર્ષનાં બાળક પર પડતા તેના પગમાં ઇજા થઇ હતી. આ બાબતના મનદુઃખના કારણે બાળકના પિતા અને ભાજપના કાર્યકર રામા રાજા ગળચરે બાંટવા પાલિકાના પ્રમુખ સુનિલભાઈ પિતાંબરદાસ જેઠવાણીને રવિવારે જ ફોન કરી બેફામ ગાળો આપી હતી. સુનિલભાઈ રાજકોટ પુત્રી સાથે નીટની પરીક્ષામાં સાથે ગયા હોવાથી તેમને બાંટવા આવી મળવા કહ્યું હતું.
આજે પાલિકા પ્રમુખ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી બજારમાં ઉભા હતા ત્યારે રામા રાજા ગળચરે પાઇપ સાથે આવી ‘મારો છોકરો ઇજાગ્રસ્ત થયો છે તેનો 60,000 ખર્ચ થયો છે. હજુ ત્રણ મહિના સુધી પથારીમાં રહેવુ પડશે, ખર્ચ તારે આપવો પડશે’ એમ કહી પાઇપ વડે આડેધડ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત પાલિકા પ્રમુખ સુનિલભાઈને જૂનાગઢ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમણે કહ્યું, ‘રામા ગળચર અને તેના ભાઈ અને છોકરાએ માર માર્યો છે અને ખિસ્સામાંથી 12-13 હજાર રૂપિયા કાઢી લીધા છે. કોઈ બચાવવા આવતા હતા તેને પણ રામા ગળચર મારતો હતો. આખરે લોકોએ બચાવી સારવારમાં ખસેડયો હતો. આ મામલે કડક કાર્યવાહી થવી જોઈએ.’ આ ઘટના બાદ ભાજપના કાર્યકરોએ ગામ બંધ કરવા વિનંતી કરતા અમુક અંશે ગામ બંધ રહ્યું હતું.



