ચોકારીના ચકચારી હત્યા કેસમાં બે આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of two accused in Chakari murder case rejected

![]()
વડોદરા : પાદરા તાલુકાના ચોકારી ગામમાં વર્ષ ૨૦૨૧માં પ્રેમ પ્રકરણની
અદાવતમાં એક યુવકનું અપહરણ કરી તેને ઝાડ સાથે બાંધી લાકડીના ફટકા તેમજ લાતોમારીને
ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં એક આરોપીએ રેગ્યુલર જામીન અરજી જ્યારે
બીજા આરોપીએ વચગાળાના જામીન માંગતા ન્યાયાધીશે બન્ને અરજદારની અરજી નામંજૂર કરી
હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે,ટ્રાયલ હાલ ચાલુ છે ત્યારે આરોપીઓને જામીન પર
મુક્ત કરવા ન્યાયોચિત નથી.
કેસની વિગત એવી છે કે, મૃતક યુવકની માતાએ આ બનાવ અંગે તા.૧૭ નવેમ્બર
૨૦૨૧ના રોજ વડુ પોલીસ સ્ટેશનમાં કાળીદાસ મોહન માળી,મોહન
બેચરભાઇ માળી, રમેશ માળી અને કિરણ માળી સામે ફરિયાદ નોંધાવી
હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મૃતક જયેશને આરોપી કાળીદાસની દિકરી સાથે પ્રેમ
સબંધ હોય તેની અદાલત રાખી તમામ આરોપીએ જયેશનું તેના ઘરેથી અપહરણ કર્યું હતું અને
ત્યાર બાદ યુવકને ઝાડ સાથે બાંધી ઢોર માર મારતા તેનું મોત થયું હતું.
આ બનાવમાં હાલ જેલમાં રહેલા ૭૬ વર્ષીય મોહનભાઈ બેચરભાઈ માળીએ
નિયમિત જામીન અરજી મૂકી હતી તો આરોપી
કાલીદાસ મોહનભાઈ માળીએ પુત્રીની સારવાર માટે ૨૦ દિવસના વચગાળાના જામીન
માગ્યા હતા. અરજીની સુનાવણીમાં બચાવ પક્ષે
રજૂઆત કરી હતી કે, કેસમાં ફરિયાદી અને સાક્ષીઓ હોસ્ટાઈલ થયા છે
અને આરોપી વૃદ્ધ હોવાથી તેમજ દ્રષ્ટિની ખામી ધરાવતા હોવાથી તેમને મુક્ત કરવા જોઈએ.
જ્યારે વચગાળાના જામીન માંગતા કાલીદાસ માળી તરફે રજૂઆત કરવામાં આવી હતી કે,તેમના પુત્રીને અમદાવાદ ખાતે ખેંચની ગંભીર બીમારીની સારવાર માટે લઈ જવાની
છે એટલે તેમને જામીન આપવામાં આવે.
જામીન અરજીની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે,આ એક
અત્યંત જધન્ય અપરાધ છે અને સમગ્ર ઘટનાનો ૧૯ સેકન્ડનો લાઈવ વીડિયો ઉપલબ્ધ છે,
જેમાં આરોપીઓ યુવકને ફટકારતા સ્પષ્ટ દેખાય છે.તપાસ કરનાર અમલદારના
સોગંદનામા મુજબ, કાલીદાસ માળીએ અમદાવાદ સારવારનું જે બહાનું
આપ્યું હતું તે હકીકતમાં ખોટું સાબિત થયું છે, કારણ કે તેમની
પુત્રીની સારવાર વડોદરાની જ હોસ્પિટલમાં ચાલુ છે.
ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ બન્ને અરજદારની
અરજી નામંજૂર કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું હતું કે, માત્ર
સાક્ષીઓ ફરી જાય તેનાથી જામીનનો હક મળતો નથી, ખાસ કરીને
જ્યારે કેસમાં મજબૂત ઈલેક્ટ્રોનિક પુરાવા (વીડિયો) ઉપલબ્ધ હોય. કોર્ટે અવલોકન
કર્યું હતુ કે, ૭૬ વર્ષની ઉંમર કે સામાન્ય બીમારી એ હત્યા
જેવા ગંભીર ગુનામાં જામીન આપવા માટે પૂરતું કારણ નથી.



