વડોદરા પાસે ડૂબવાના ત્રણ સ્પોટઃસિંધરોટ, કોટણા અને લાંછનપુરમાં 200થી વધુ ડૂબ્યા છતાં તંત્રને પડી નથી | 200 people drowned at three picnic spots near the city but the administration remains negligent

![]()
વડોદરાઃ વડોદરા નજીકના પિકનિકના ત્રણ સ્પોટ ખાતે વારંવાર ડૂબવાના બનાવો બનતા હોવા છતાં તંત્ર જાગતું નહિ હોવાથી નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે.
સાવલી તાલુકાના લાંછનપુર ખાતે મહીસાગરમાં સૌથી વધારે ડૂબવાના બનાવો બન્યા છે.આમ છતાં ત્યાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.આવી જ રીતે વડોદરા શહેર પાસેના કોટણા બીચ ખાતે મહીસાગર અને સિંધરોટ ખાતે મહીના ચેકડેમ ખાતે પણ ડૂબવાના અનેક બનાવો બન્યા હોવા છતાં યુવાવર્ગ મોટી સંખ્યામાં ઉમટી રહ્યો છે.
નોંધપાત્ર બાબત એ છે કે,છેલ્લા બે દાયકાના સમયમાં ઉપરોક્ત સ્થળોએ ડૂબવાના ૨૦૦થી વધુ બનાવો બન્યા હોવા છતાં તંત્ર દ્વારા માત્ર ચેતવણીના બોર્ડ મૂકીને સંતોષ માનવામાં આવે છે.જેને કારણે નિર્દોષ લોકોના જીવ જોખમાઇ રહ્યા છે.
ડૂબવાના અનેક કિસ્સાઓમાં સૌથી પહેલી મદદ સ્થાનિક તરવૈયાઓની મળી રહેતી હોય છે.ગામના તરવૈયાઓએ અનેક લોકોેન જીવતા બહાર કાઢ્યા હોવાના કિસ્સા મોજૂદ છે.પરંતુ વહીવટીતંત્ર દ્વારા આવા તરવૈયાઓને કોઇ પ્રકારનું પ્રોત્સાહન અપાતું નહિ હોવાથી તેઓ પણ સમય મળે તો જ જીવ જોખમમાં મૂકીને બચાવ કાર્ય કરતા હોય છે.જેથી ડૂબવાના બનાવો અટકાવવા સરકારે નક્કર આયોજન કરવું જરૃરી છે.
સિંધરોટ ખાતે મહી નદીમાંથી મૃતદેહ કાઢવા ગયેલા બે ફાયરમેન ડૂબ્યા હતા
સિંધરોટમાં મહી નદીનું વહેણ ક્યારેક એટલું જોખમી બની જાય છે કે તેનાથી બચવું મુશ્કેલ હોય છે.
પંદર વર્ષ પહેલાં સિંધરોટ ચેકડેમ નજીક એક મૃતદેહ ફસાયો હોવાથી વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.જેથી નિલેશ રાઠોડ સહિતના ચાર ફાયરમેન કામગીરી માટે ગયા હતા.
આ વખતે મહીસાગરનું વહેણ એટલું ભયાનક હતું કે ખુદ ફાયર બ્રિગેડની બોટ પણ ફેંકાઇ ગઇ હતી.જેમાં નિલેશ રાઠોડ અને સરફુદ્દિન મુલ્લા નામના બે જવાનો માંડમાંડ બચી ગયા હતા.જ્યારે,રાજેશ કહાર અને વિજય પરમાર નામના બે જવાનોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા.
વારંવાર રજૂઆત છતાં વાસદ બ્રિજ અને કેનાલના સ્યુસાઇડ સ્પોટને ફેન્સિંગ નથી
વડોદરાની આસપાસની નર્મદા કેનાલ તેમજ વાસદ બ્રિજ ખાતે વારંવાર આપઘાતના કે ડૂબવાના બનાવો બનતા હોય છે.ગોરવા, છાણી અને સમા જેવા વિસ્તારોમાં તો લોકો રહેતા હોય છે ત્યાંથી કેનાલ પસાર થતી હોય છે.જેથી વારંવાર રહીશો દ્વારા જ્યાં સૌથી વધુ બનાવો બન્યા હોય તેવા સ્થળોએ ફેન્સિંગ કરવા માટે રજૂઆતો કરવામાં આવી છે.ખુદ નંદેસરી પોલીસે પણ મહી બ્રિજ પર ફેન્સિંગ માટે માગણી કરી છે.પરંતુ આમ છતાં ઉપરોક્ત સ્થળોએ ફેન્સિંગ કરવામાં આવી નથી.



