અમદાવાદ: મજૂરી કે સામાન્ય નોકરી કરતા માતા-પિતાના સંતાનોએ SSCમાં મેદાન માર્યું, સપનાંને પાંખો મળી | Ahmedabad News Class 10 Board Exam Result Students dreams in SSC

![]()
Ahmedabad News: આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં એવા અનેક વિદ્યાર્થીઓ ઝળક્યા છે જેમણે સાબિત કર્યું છે કે જો મક્કમ મનોબળ અને સખત મહેનત હોય, તો આર્થિક પરિસ્થિતિ ક્યારેય સફળતાના માર્ગમાં અડચણ બનતી નથી. છૂટક મજૂરી, સિક્યુરિટી ગાર્ડ, પટાવાળા કે નાની દુકાન ચલાવતા માતા-પિતાના આ સંતાનોએ રોજ કલાકો સુધી સમયપત્રક બનાવીને સેલ્ફ-સ્ટડી કરી છે અને 85%થી લઈને 96.5% સુધીનું પરિણામ મેળવ્યું છે. ભવિષ્યમાં તેઓ સાયન્સ અને કોમર્સ જેવા પ્રવાહો પસંદ કરીને UPSC, IPS, NDA, ક્વોન્ટમ રિસર્ચ અને ACCA જેવા શિખરો સર કરવા માંગે છે.
પરિવારનો સંઘર્ષ અને વિદ્યાર્થી મહેનતનું પરિણામ, તારલાઓએ સપનાઓ અંગે કરી વાત
ACCA બનવાની ઈચ્છા: વિવેક પ્રજાપતિ
મારું નામ વિવેક પ્રજાપતિ અલ્પેશભાઈ છે અને મેં ધોરણ 10માં 86% સ્કોર કર્યો છે. હું રોજ પાંચ કલાક વાંચતો અને લખતો હતો, જેમાં સ્કૂલ અને ટ્યુશનના શિક્ષકોએ મને બહુ મહેનત કરાવી છે. મારા પરિવારમાં મારી મમ્મી એક સ્કૂલમાં પટાવાળા છે અને મારા પપ્પા કારખાનામાં જોબ કરે છે, જેમણે મને બહુ સપોર્ટ કર્યો છે. હવે મારે કોમર્સ લઈને આગળ ACCA બનવાની ઈચ્છા છે.
NDAની એક્ઝામ આપવી: તૃષિત
મારું નામ તૃષિત અજીતભાઈ લીડરિયા છે અને મેં 10મા ધોરણમાં 91% સ્કોર કર્યા છે. મારા પપ્પા 2019માં ગુજરી ગયા હતા, તેથી મારી મમ્મી ગાર્મેન્ટ્સમાં જોબ કરવાની સાથે ઘરકામ પણ કરે છે. હું મોટેભાગે રાત્રે ભણવા બેસતો કારણ કે ત્યારે વાતાવરણ શાંત હોવાથી મારું ફોકસ વધારે રહેતું હતું. હવે મારે 10મા પછી સાયન્સ લઈને NDAની એક્ઝામ આપવી છે અને નેવીમાં જવાનું મારું સપનું છે.
IPS બનવા માગું છે: રિદ્ધિ
મારું નામ રિદ્ધિ છે અને મારે 85% આવ્યા છે. હું સવારે 4 વાગ્યે ઉઠીને 7 વાગ્યા સુધી વાંચતી હતી અને એક્ઝામ સમયે મેં ખૂબ પ્રિપેરેશન કરી હતી. હું મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું; મારા પપ્પા સિક્યુરિટી ગાર્ડ છે અને મમ્મી વન વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટર છે. મારી મમ્મીનું સપનું આઈપીએસ બનવાનું હતું જે પૂરું ના થઈ શક્યું, તેથી હવે હું કોમર્સ સ્ટ્રીમમાં આગળ વધીને આઈપીએસ બનીને એમનું સપનું પૂરું કરવા માંગુ છું.
કોમર્સ કરી પછી આગળ વધીશ: વિધિ
મારું નામ લોધા વિધિ છે, મારે 89% આવ્યા છે અને હું A1 ગ્રેડ લાવવામાં ખાલી ત્રણ માર્ક માટે રહી ગઈ છું. હું બે-ત્રણ કલાક મહેનત કરીને બધા પેપરો સોલ્વ કરતી હતી. મારા પપ્પા સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટીમાં જોબ કરતા હતા અને મમ્મી હાઉસવાઈફ છે, જેમણે મારા માટે ખૂબ સંઘર્ષ કર્યો છે અને મારું પરિણામ જોઈને તેઓ ખૂબ જ ખુશ છે. ભવિષ્યમાં હું કોમર્સમાં એવી ફિલ્ડ લેવા માંગુ છું જેથી હું મારા મમ્મી-પપ્પાને મદદરૂપ થઈ શકું.
UPSC ક્રેક કરવામાં માગું છું: નિમિનીશા
મારું નામ મોદીની નિમિનીશા છે અને મારે 559 માર્ક્સ સાથે 93% આવ્યા છે. શરૂઆતમાં મેં 4 થી 5 કલાક અને છેલ્લે 7થી 8 કલાક સેલ્ફ સ્ટડી કરી છે, જેમાં મને સ્કૂલના શિક્ષકોનો ઘણો સપોર્ટ રહ્યો. મારા મમ્મી-પપ્પાની પોતાની નાની દુકાન છે અને મારા દાદા રિક્ષા ચલાવતા હતા. મેં પપ્પાને ફોન કરીને રિઝલ્ટ કહ્યું ત્યારે તેઓ ખુશીથી રડી પડ્યા હતા, અને હવે હું કોમર્સ લઈને મારા પપ્પાનું સપનું પૂરું કરવા UPSC ક્રેક કરી IAS ઓફિસર બનવા માંગુ છું.
એન્જિનિયરિંગ કરવું છે: પ્રિન્સ
મારું નામ પ્રિન્સ અમૃતપુરી ગોસ્વામી છે. 10માની પરીક્ષામાં મારે 567 માર્ક્સ સાથે 94.50% આવ્યા છે. હું સવારે 7 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી મહેનત કરતો હતો; સવારે થીયરીના વિષયો વાંચતો અને રાત્રે ઊંઘ ના આવે એટલે ગણિતના ન્યુમેરિકલ સોલ્વ કરતો હતો. મારા પપ્પા ગાર્મેન્ટમાં જોબ કરે છે અને મમ્મી છૂટક મજૂરી કરે છે. હવે મારે સાયન્સ સ્ટ્રીમ લઈને એન્જિનિયરિંગ કરવું છે અને ક્વોન્ટમ ફિઝિક્સ તથા ક્વોન્ટમ મિકેનિક્સમાં રિસર્ચ કરવું છે.
મારું નામ શેખ મારિયાબાનું યુસુફ મિયા છે. મારે 579 માર્ક્સ સાથે 96.5% આવ્યા છે. હું રોજના ચાર કલાક વાંચતી હતી અને શિક્ષકોના કહ્યા મુજબ વિજ્ઞાન અને સમાજ વિદ્યામાં લખી-લખીને અને ડાયાગ્રામ બનાવીને તૈયારી કરી હતી. મારા પપ્પા ટેલરિંગ મટીરિયલનો બિઝનેસ કરે છે અને મારી મમ્મી હાઉસવાઈફ છે.



