અંકોડીયા પાસે યુવતીની ક્રૂર હત્યાનો ભેદ ખુલ્યો :: યુવતીને અન્ય યુવાન સાથે પ્રેમ હોવાની શંકા રાખી પ્રેમીએ જ હત્યા કરી હતી | The brutal murder of a young woman near Ankodia has been revealed

![]()
Vadodara Crime : વડોદરા શહેરના છેવાડે આવેલા અંકોડિયા ગામની સીમમાંથી એક યુવતીની ક્રૂર હત્યા તેના પ્રેમીએ જ કરી હોવાનો પર્દાફાશ થતા પોલીસે તેની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ અંકોડિયાની સીમના એક ખેતરની ઝાડીઓમાંથી ચાદરમાં લપેટેલ યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવતીના ગળાના ભાગે વાયર અને દુપટ્ટો વીંટાળેલો જોવા મળ્યો હતો, જે હત્યા તરફ સ્પષ્ટ ઈશારો કરતો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસ તપાસ દરમિયાન યુવતી શહેરના મુજમહુડા વિસ્તારમાં હનુમાન નગરમાં રહેતી દિવ્યા નાનજી પરમાર હોવાનું ખુલ્યું હતું. રવિવારે તે મહેંદી પડાવવા જવું છું તેમ કહીને ઘેરથી નીકળ્યા બાદ લાપતા થઈ ગઈ હતી. દરમિયાન તેની હત્યા કોણે કરી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરતા સેવાસી પાસેની એક હોસ્પિટલમાં યુવતી નોકરી કરતી હતી અને આ હોસ્પિટલની સામે આવેલા એક કાફેમાં રોહન નારણ વણકર (રહે-દિવાળી પુરા) પણ નોકરી કરતો હતો. જે બંનેનો પરિચય થતા પ્રેમ સંબંધ બંધાયો હતો જે કારણ હત્યાનું હોવાનું પ્રાથમિક મનાતું હતું. પોલીસે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન એવી વિગત બહાર આવી કે રોહનને શંકા હતી કે દિવ્યા કોઈ અન્ય યુવાન સાથે પણ પ્રેમ રાખે છે જેથી રોહને દિવ્યાનો મોબાઈલ ચેક કરવા માટે પાસવર્ડ માગ્યો હતો પરંતુ દિવ્યાએ પાસવર્ડ આપવાનો ઇન્કાર કર્યો હતો. રવિવારના દિવસે બંને ફરવા નીકળ્યા હતા તે વખતે પણ આ મુદ્દે જ ફરી ઝઘડો થતાં રોહને દિવ્યાની હત્યા કરી હતી પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.



