રસાલા કેમ્પમાં 2 ભાઈનો પાઇપ વડે યુવાન પર હુમલો | 2 brothers attack young man with pipe in Rasala camp

![]()
ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલે ખસેડાયો
યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ચાવી કાઢી લઈ માર માર્યો
ભાવનગર – નવા ગુરુદ્વારા સામે આવેલ રસાલા કેમ્પમાં રહેતા યુવાન પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે બે ઈસમે બાઇક ઊભું રખાવી ચાવી કાઢી ગાળો આપી ધોકા અને પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડી હતી.
નવા ગુરુદ્વારા સામે આવેલ રસાલા કેમ્પમાં રહેતા ભાવેશભાઈ હરેશભાઈ પારવાણી ગત રાત્રિના ઘરેથી મારુ મોટર સાયકલ લઈને રસાલા કેમ્પ સંતકવરરામ પ્રાથમિક શાળા પાસે જતા હતા ત્યારે સમીર પ્રકાશભાઈ રાજાણી (રહે રસાલા કેમ્પ વાળા સતનામ મેડિકલ ની સામે )એ મોટરસાયકલ ઊભું રખાવી મોટરસાયકલની ચાવી તેણે લઈ લીધેલ હતી. જેથી ભાવેશભાઈએ કહેલ કે તે મારી ચાવી શું કામ લીધી તેવામાં ઉશ્કેરાયેલા સમીરે ભાવેશભાઈને ગાળો આપી હતી.અને સમીર તથા તેનો ભાઈ ધીરજ પ્રકાશભાઈ રાજાણીએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડતા યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ સંદર્ભે ભાવેશભાઈએ બે ઇસમ વિરૃધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



