નેપાળે કૈલાશ માનસરોવર યાત્રા રુટનો વિરોધ કર્યો, ભારતે વળતી આંખો કાઢી, સરહદ વિવાદ વકરશે? | kailash mansarovar yatra nepal india china diplomatic protest note lipulekh land

![]()
Kailash Mansarovar Yatra: નેપાળની બાલેન સરકારે ભારત અને ચીનને એક રાજદ્વારી પત્ર એટલે કે ‘ડિપ્લોમેટિક પ્રોટેસ્ટ નોટ’ મોકલી છે. આ મામલો લિપુલેખ પાસ થઈને કૈલાશ માનસરોવર યાત્રાના સંચાલન સાથે જોડાયેલો છે, જેના પર નેપાળે વાંધો ઉઠાવ્યો છે. નેપાળનું કહેવું છે કે આ વિસ્તાર તેની જમીનનો હિસ્સો છે અને તેના પર કોઈ પણ પ્રવૃત્તિ સ્વીકાર્ય નથી. ભારતે પણ દાવાઓને ફગાવી નેપાળને કડક જવાબ આપ્યો છે.
ભારત અને ચીન બંનેને સત્તાવાર પત્ર મોકલ્યા
નેપાળના વિદેશ મંત્રાલયે માહિતી આપી કે ભારત અને ચીન બંનેને સત્તાવાર રીતે પત્ર મોકલીને આ યોજના પર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. મંત્રાલયના પ્રવક્તા લોકબહાદુર પૌડેલ ક્ષેત્રીના જણાવ્યા મુજબ નેપાળ સરકારે સ્પષ્ટપણે પોતાનું વલણ બંને દેશોને જણાવી દીધું છે.
નેપાળે રાજકીય સહમતિથી લીધો નિર્ણય
આ ઉપરાંત નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનાલે પણ જણાવ્યું કે આ મુદ્દે તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ સરકારે આ પગલું ભર્યું છે. એટલે કે આ નિર્ણય માત્ર વિદેશ મંત્રાલયનો નથી, પરંતુ સંપૂર્ણ રાજકીય સહમતિ બાદ લેવામાં આવ્યો છે.
સુગૌલી સંધિ બાદથી નેપાળનો અભિન્ન હિસ્સો હોવાનો કર્યો દાવો
નેપાળનું કહેવું છે કે, ‘સરકાર આ બાબતે સંપૂર્ણપણે સ્પષ્ટ અને મક્કમ છે કે મહાકાલી નદીની પૂર્વમાં આવેલ લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાની 1816ની સુગૌલી સંધિ બાદથી નેપાળનો અભિન્ન હિસ્સો છે. કૈલાશ માનસરોવર યાત્રા વિશે, જેના માટે કહેવામાં આવે છે કે આ યાત્રા નેપાળી જમીન લિપુલેખના માર્ગે થાય છે, તે અંગે ડિપ્લોમેટિક ચેનલો દ્વારા ભારત અને ચીન બંનેને પોતાનું સ્પષ્ટ વલણ અને ચિંતાઓ જણાવી દીધી છે.’
તીર્થયાત્રા જેવી કોઈપણ પ્રવૃત્તિ ન કરવાની અપીલ
બાલેન સરકારે કહ્યું કે આ પહેલા પણ સતત ભારતને આ વિસ્તારમાં રસ્તો બનાવવા કે તેને લંબાવવા, સરહદ પર વેપાર અને તીર્થયાત્રા જેવી કોઈપણ પ્રવૃત્તિ ન કરવા માટે અપીલ કરતી રહી છે. આ ઉપરાંત ચીનને પણ સત્તાવાર રીતે આ વાતની જાણકારી આપી દેવામાં આવી છે કે લિપુલેખ વિસ્તાર નેપાળી વિસ્તાર છે.
ભારત સરકારે નેપાળના દાવા ફગાવી આપ્યો સણસણતો જવાબ
ભારત સરકારના વિદેશ મંત્રાલયે નેપાળના વિદેશ મંત્રાલય દ્વારા કૈલાશ માનસરોવર યાત્રાના સંદર્ભમાં સરહદી મુદ્દાઓ અંગે કરવામાં આવેલા દાવાઓનો કડક જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ કર્યું હતું કે લિપુલેખ પાસ વર્ષ 1954થી કૈલાશ માનસરોવર યાત્રા માટેનો એક પરંપરાગત અને લાંબા સમયથી ચાલતો માર્ગ છે. આ યાત્રા દાયકાઓથી આ જ રૂટ પર થઈ રહી હોવાથી, આ કોઈ નવી ઘટના નથી.
વધુમાં, સરહદી દાવાઓના મુદ્દે ભારતે પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે નેપાળના દાવાઓ ઐતિહાસિક તથ્યો અને પુરાવાઓ પર આધારિત નથી અને તે અયોગ્ય છે. ભારતે નેપાળ દ્વારા કરવામાં આવેલા આવા એકપક્ષીય અને કૃત્રિમ પ્રાદેશિક દાવાઓને અસ્વીકાર્ય ગણાવ્યા છે. તેમ છતાં, ભારતે કહ્યું છે કે આ મામલે નેપાળ સાથે રચનાત્મક વાતચીત કરવા માટે હંમેશા તૈયાર છે અને દ્વિપક્ષીય સંબંધોના તમામ મુદ્દાઓ, જેમાં સરહદી વિવાદોનો ઉકેલ લાવવા માટે ભારત વાતચીત અને કૂટનૈતિકના માર્ગે આગળ વધવા પ્રતિબદ્ધ છે.
જણાવી દઈએ કે ભારતના વિદેશ મંત્રાલયે હાલમાં જ કૈલાશ માનસરોવર યાત્રા 2026ના આયોજનની જાહેરાત કરી હતી. આ યાત્રા જૂનથી ઓગસ્ટ વચ્ચે યોજાશે. આ વર્ષે કુલ 20 બેચમાં યાત્રીઓ જશે. દરેક બેચમાં 50 યાત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. તેમાંથી 10 બેચ ઉત્તરાખંડના લિપુલેખ પાસ અને 10 બેચ સિક્કિમના નાથુ લા પાસ માર્ગે યાત્રા કરશે.



