दुनिया

Explainer: જર્મનીમાં અભ્યાસનું સપનું અઘરું થયું, ધો. 12માં 70% હોય તો જ એડમિશન, જાણો કોને અપાઈ છૂટછાટ | Germany Admission Rules 2026: 70% In Class 12 Mandatory For Indian Students



Germany Admission Rules 2026 : જો તમે ધોરણ 12 પછી સીધા જ જર્મની જઈને અન્ડર ગ્રેજ્યુએટ (બેચલર) કરવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. જર્મનીએ ભારતીય વિદ્યાર્થીઓ માટેના પ્રવેશના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. વિન્ટર સેમેસ્ટર 2026/27થી જર્મનીમાં અન્ડર ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન મેળવવા ધોરણ 12 માં 70% લાવવા ફરજિયાત કરાયા છે. 

ચાલો, લાખો ભારતીય વિદ્યાર્થીઓને અસર કરતા આ નિયમને વિગતવાર સમજીએ.

મુખ્ય નિયમ: ધોરણ 12માં 70% ફરજિયાત

જર્મનીના ‘એકેડેમિક ઇવેલ્યુએશન સેન્ટર’ (APS) દ્વારા જાહેર કરાયેલો આ નિયમ 15 માર્ચ, 2026થી સત્તાવાર રીતે લાગુ કરાયો છે. હવે જર્મનીમાં અન્ડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે અરજી કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે APS પ્રમાણપત્ર મેળવવા માટે ધો. 12 બોર્ડની પરીક્ષામાં કુલ 70% માર્ક્સ હોવા ફરજિયાત છે.

70% ની ગણતરી કઈ રીતે થશે?

આ 70%ની ગણતરી તમારા બોર્ડના તમામ વિષયોના કુલ માર્ક્સના આધારે થશે. તે ‘બેસ્ટ ઓફ ફાઈવ’ પર આધારિત નથી. એટલે કે, તમારે બધા જ વિષયોમાં સારા માર્ક્સ લાવવા પડશે. આ નિયમ CBSE, ICSE અથવા કોઈપણ રાજ્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે સમાન રીતે લાગુ પડે છે.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યા મુશ્કેલીમાં ! ખેલાડીઓ સાથ આપતા નથી, સૂર્યા-તિલક પણ… ; આ ક્રિકેટરનો મોટો દાવો

જર્મનીમાં પ્રવેશ પર શું અસર થશે?

આ નવા નિયમથી જર્મનીમાં પ્રવેશ મેળવવાના બંને રસ્તા વધુ અઘરા બની ગયા છે:

1.  સ્ટુડિયનકોલેગ (પ્રિપેરેટરી યર)નો રસ્તો: અગાઉ ઓછા માર્ક્સ હોય તો વિદ્યાર્થીઓ જર્મનીમાં ફાઉન્ડેશન કોર્સ (સ્ટુડિયનકોલેગ- Studienkolleg) કરીને પ્રવેશ મેળવી શકતા હતા. હવે તે માટે પણ ધોરણ 12 માં 70% માર્ક્સ ફરજિયાત કરાયા છે.

2.  ડાયરેક્ટ પ્રવેશનો રસ્તો: જો તમે ભારતમાં બેચલર ડિગ્રીનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરો છો, તો પણ તમારા ધો.12 ના માર્ક્સ 70% કે વધુ હોવા જોઈએ. એટલે કે યુનિવર્સિટીમાં વર્ષ પૂર્ણ કરવાથી બોર્ડના ઓછા માર્ક્સ ચાલી નહીં જાય. 

તો પછી આ નિયમથી રાહત કોને મળશે?

જો તમે નીચે આપેલી કેટેગરીમાં આવતા હશો, તો તમારે 70%ના નિયમની ચિંતા કરવાની જરૂર નથી. 

  • માસ્ટર ડિગ્રીના અરજદારો: આ નિયમ ફક્ત અન્ડરગ્રેજ્યુએટ (બેચલર) કોર્સ માટે જ છે. માસ્ટર્સ માટે અરજી કરતા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન તેમના બેચલરના CGPA (Cumulative Grade Point Average) થી થાય છે.
  • PhD અરજદારો: જો તમારી પાસે સુપરવાઇઝરની પુષ્ટિ (Supervisor Confirmation) છે તો APS પ્રક્રિયામાંથી સંપૂર્ણ મુક્તિ છે.
  • જૂના અરજદારો: જેમણે 15 માર્ચ, 2026 પહેલાં APS માટે અરજી કરી દીધી હતી તેમની અરજી જૂના (લગભગ 50%) નિયમો હેઠળ જ પ્રોસેસ થશે.
  • હાલના APS ધારકો: જે વિદ્યાર્થીઓ પાસે પહેલાથી જ APS પ્રમાણપત્ર છે તે ગમે તેટલા માર્ક્સ હોય તો પણ માન્ય રહેશે.
  • DAAD શિષ્યવૃત્તિ ધારકો: જર્મની સરકાર દ્વારા આપવામાં આવતી DAAD (Deutscher Akademischer Austauschdienst – જર્મન એકેડેમિક એક્સચેન્જ સર્વિસ) શિષ્યવૃત્તિ ધરાવતા વિદ્યાર્થીઓને આ નિયમમાંથી મુક્તિ છે.
  • A-level/IB વિદ્યાર્થીઓ: આંતરરાષ્ટ્રીય બોર્ડના વિદ્યાર્થીઓને મુક્તિ છે.
  • જૂના સર્ટિફિકેટ ધારકો: પહેલેથી અપાયેલા APS પ્રમાણપત્રો જીવનભર માન્ય (Lifetime Valid) રહે છે.

આ પણ વાંચો : કેરળમાં સત્તા પરિવર્તનના એંધાણ? પરિણામ પહેલા જ CM વિજયને સોશિયલ મીડિયા પરથી ‘મુખ્યમંત્રી’ શબ્દ હટાવ્યો

70% થી ઓછા માર્ક્સ હોય તો શું કરવું?

જો તમારા ધો. 12ના માર્ક્સ 70% થી ઓછા છે, તો સીધા અન્ડરગ્રેજ્યુએટ માટે જર્મની જવાના રસ્તા હાલમાં બંધ થઈ ગયા છે. આવા વિદ્યાર્થીઓ માટે સૌથી સારો વિકલ્પ છે કે તેઓ ભારતમાં જ સંપૂર્ણ બેચલર ડિગ્રી (3 કે 4 વર્ષ) પૂર્ણ કરે અને સારા CGPA સાથે માસ્ટર ડિગ્રી માટે જર્મની જાય. માસ્ટર ડિગ્રી માટે અરજી કરતી વખતે આ 70% નો નિયમ લાગુ પડતો નથી.

UGC માન્યતા વિનાની ખાનગી યુનિવર્સિટીઓ બ્લેકલિસ્ટ

સૌથી મોટો આંચકો એ છે કે જર્મનીએ UGC માન્યતા વિનાની ખાનગી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે નકારવાનો નિર્ણય કર્યો છે.

  • શૂન્ય તક: આવી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની અરજી પર કોઈ સમીક્ષા (Review) થશે નહીં, કોઈ અપીલ (Appeal) નહીં ચાલે.
  • H+ સ્ટેટસ ફરજિયાત: તમારી યુનિવર્સિટીનું નામ જર્મનીના એનાબિન (Anabin) ડેટાબેઝમાં H+ સ્ટેટસ સાથે હોવું ફરજિયાત છે. જો આ સ્ટેટસ નહીં હોય, તો જર્મનીના દરવાજા તમારા માટે બંધ છે.

ઇન્ટરવ્યૂ હવે વધુ મુશ્કેલ થશે

APS ઇન્ટરવ્યૂ હવે માત્ર ઔપચારિકતા નથી રહી, તે કડક થઈ ગઈ છે.

  • STEM માટે વિશેષ: ખાસ કરીને વિજ્ઞાન (Science) અને ટેક્નોલોજી (STEM) ના વિદ્યાર્થીઓને વિષય-વિશિષ્ટ ટેકનિકલ પ્રશ્નો પૂછાશે.
  • હાર્ડ કોપી ફરજિયાત: ફક્ત પ્રમાણિત હાર્ડ કોપી (Certified hard copies) જ સ્વીકારાશે. સ્વ-પ્રમાણિત (Self-attested) નકલો તાત્કાલિક નકારાશે. 
  • નામ મેળ ખાવું જરૂરી: પાસપોર્ટ અને માર્કશીટ પરનું નામ બરાબર એક સરખું હોવું જોઈએ.
  • ગેપ યર (Gap Years) – તમારા અભ્યાસમાં ગેપ (દા.ત., 12મા પછી એક કે બે વર્ષનો વિરામ) હોય તો તેને છુપાવવાનો પ્રયાસ ન કરો. ગેપ યર માટે તમારે યોગ્ય દસ્તાવેજી પુરાવો (Proper Documentation) રજૂ કરવો ફરજિયાત છે. તે વર્ષ દરમિયાન તમે શું કર્યું (જેમ કે: કોઈ કોર્સ, નોકરી, પ્રોજેક્ટ કે પછી કોઈ કારણસર તૈયારી) તેનો સ્પષ્ટ અને પ્રમાણિત પુરાવો આપવો પડશે. જો તમે ગેપ યરનો કોઈ સાબિતી વગરનો ઉલ્લેખ કરશો અથવા બિલકુલ ઉલ્લેખ નહીં કરો, તો તમારી અરજી ચિહ્નિત (Flagged) કરાશે અને તે તાત્કાલિક નકારી શકાય છે.

આ પણ વાંચો : બાલ્કનીની ગ્રીલ બની ‘મોતનું કારણ’! દિલ્હી એસી બ્લાસ્ટ કેસમાં બિલ્ડિંગ ડિઝાઈનથી ગયા 9 જીવ

સારા સમાચાર: પ્રક્રિયા 4 ગણી ઝડપી થઈ ગઈ

અગાઉ જ્યાં APS પ્રમાણપત્ર માટે 4 થી 6 મહિના લાગતા હતા, ત્યાં હવે સમય ઘણો ઘટી ગયો છે.

  • ડિજિટલ વેરિફિકેશન: APS India હવે સંપૂર્ણ ડિજિટલ સિસ્ટમ પર કામ કરે છે.
  • નવો સમયગાળો: હવે માત્ર 3 થી 4 અઠવાડિયા (એટલે કે એક મહિનો) લાગે છે.
  • ડિજિટલ PDF: પ્રમાણપત્ર હવે ઈમેઈલ દ્વારા ડિજિટલી સહી કરેલ PDF (Digital Signed PDF) તરીકે મળે છે.
  • ફાયદો: વિન્ટર 2026 ઇન્ટેક માટે તમે એપ્રિલમાં અરજી કરો અને મે સુધીમાં સર્ટિફિકેટ મેળવી શકો છો. એના માટે હવે છ મહિના રાહ જોવાની જરૂર નથી.

જર્મનીએ દરવાજા બંધ નથી કર્યા

જર્મનીએ ભારતીય વિદ્યાર્થીઓ માટે દરવાજા બંધ કર્યા નથી, પરંતુ નિયમો કડક કર્યા છે. આ ઉપરાંત પ્રક્રિયા ઝડપી બનાવી છે. જેઓ વહેલું આયોજન કરશે અને પ્રમાણિક દસ્તાવેજો સાથે અરજી કરશે, તેમને લાભ થશે. જેઓ ઓછા માર્ક્સ અથવા બનાવટી યુનિવર્સિટીઓ સાથે આવશે, તેમના માટે જર્મની-પ્રવેશ હવે શક્ય નથી.



Source link

Related Articles

Back to top button