અમદાવાદ: SG હાઈવે પર બ્રિજના કામ માટે મૂકેલું બેરિકેડ પડતા રિક્ષા પલટી ગઈ, પતરું વાગતા મુસાફરનું મોત | Ahmedabad: Bridge Work Debris Falls on Rickshaw Near SG Highway One Dead

![]()
Ahmedabad SG Highway Accident: અમદાવાદના એસ.જી. હાઈવે પર વધુ એક વખત નિર્માણ કાર્ય દરમિયાન ગંભીર બેદરકારીને કારણે નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો છે. YMCA ક્લબ નજીક બ્રિજના કામ દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન માટે લગાવવામાં આવેલું બેરિકેડ અચાનક પડતા, ત્યાંથી પસાર થતી રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં એક મુસાફરનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
શ્રમિકો ભરેલી રિક્ષા પર પતરું પડ્યું
મળતી માહિતી અનુસાર, વૈષ્ણોદેવીથી સનાથલ તરફ જઈ રહેલી પાંચ મુસાફરો સાથેની રિક્ષાને અકસ્માત નડ્યો હતો. જ્યારે રિક્ષા આગળથી એક બસ પસાર થઈ ત્યારે તેના પવનના કારણે રોડ પર મૂકેલું ભારે બેરિકેડ (પતરું) રિક્ષા પર પડ્યું હતું, જેના કારણે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં રિક્ષા ચાલકનો બચાવ થયો છે, પરંતુ પાછળ બેઠેલા અજય નામના યુવકનું મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. નોંધનીય છે કે, બિહારથી અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી અર્થે આવેલા શ્રમિકો સવાર હતા.
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતા ડોક્ટરોએ એક મજૂરને મૃત જાહેર કર્યો હતો, જ્યારે અન્ય મુસાફરો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.
કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સવાલો
બ્રિજના ચાલુ બાંધકામ દરમિયાન સુરક્ષાના માપદંડોના અભાવને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. ડાયવર્ઝન માટે મૂકેલા પતરા યોગ્ય રીતે ફિક્સ ન કરવામાં આવ્યા હોવાથી તે રિક્ષા પર પડ્યા હતા. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે? આ પ્રકારની ગંભીર બેદરકારી હજુ કેટલા નિર્દોષ લોકોના મોતનું કારણ બનશે તેવો આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો છે.
પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને બ્રિજની કામગીરીમાં સુરક્ષામાં ચૂક રહી ગઈ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.



