હોર્મુઝમાંથી પસાર થવા બદલ ઇરાનને ચૂકવણી કરી તો પ્રતિબંધ લાદીશુ | We will impose sanctions if Iran pays for passage through Hormuz

![]()
– શિપિંગ કંપનીઓને અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ધમકી
– યુદ્ધમાં જંગી ફટકા છતાં પ્રમુખ ટ્રમ્પની તુમાખી: ઇરાન યુદ્ધ મુદ્દે મારે કોંગ્રેસની મંજૂરીની કોઈ જરૂર નથી
– ઇરાને અમેરિકાના મધ્યપૂર્વના 16 લશ્કરી મથકોના ખાત્માની જારી થયેલી તસ્વીરોથી આખું વિશ્વ સ્તબ્ધ
નવી દિલ્હી : અમેરિકાએ શિપિંગ કંપનીઓને ચેતવણી જારી કરી છે કે જો તેઓ હોર્મુઝમાંથી સલામત રીતે પસાર થવા માટે ઇરાનને ચૂકવણી કરશે તો તેમના પર પ્રતિબંધ લાદવામાં આવશે. આમ હોર્મુઝમાં ઇરાનની નાકાબંધીનો સામનો કરી રહેલી શિપિંગ કંપનીઓ માટે હવે અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ધમકીએ નવી જ મોકાણ સર્જી છે. તેમના માટે એકબાજુએ ખાઈ તો બીજી બાજુએ કૂવા જેવો ઘાટ સર્જાયો છે.
અમેરિકાએ ચેતવણી જારી કરતાં જણાવ્યું હતું કે ફક્ત રોકડ જ નહી, ડિજિટલ એસેટ્સ, ઓફસેટ, અદલાબદલી, વળતર કે કોઈપણ સ્વરૂપમાં ઇરાનના રાજદૂતાવાસ કે કોઈપણ રીતે ચૂકવણી કરવામાં આવી તો પણ શિપિંગ કંપની પર પ્રતિબંધ લાદવામાં આવશે.
ઇરાન સામેના યુદ્ધમાં અમેરિકાને ભયંકર નુકસાન છતાં ટ્રમ્પે કોંગ્રેસ સમક્ષ તુમાખી બતાવતા જણાવ્યું હતું કે ઇરાન સાથે યુદ્ધ કરવા કે ન કરવા કે યુદ્ધવિરામ લંબાવવા તેમને કોંગ્રેસની મંજૂરની કોઈ જરૂર નથી. જ્યારે નિયમ મુજબ અમેરિકન પ્રમુખે ૬૦ દિવસની અંદર મંજૂરી મેળવી લેવી પડે તેમ છે. આના પગલે અમેરિકામાં પણ ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન સામસામે આવી ગયા છે. ટ્રમપ્નું કહેવું છે કે હાલમાં તો ઇરાન સાથે યુદ્ધવિરામ ચાલુ છે, તેથી તેને યુએસ કોંગ્રેસની કોઈ મંજૂરીની જરુર નથી. અહીં યુએસ વોર પાવર એક્ટ લાગુ પડતો નથી. તે ફક્ત યુદ્ધની સ્થિતિમાં લાગુ પડે છે. આ દરમિયાન ટ્રમ્પે પાકિસ્તાન દ્વારા મોકલેલી ઇરાનની વધુ એક શાંતિ દરખાસ્તને નકારી કાઢી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ અત્યંત નિરાશાજનક છે. ઇરાનની નેતાગીરી વિભાજીત છે. અમે તેમના ઘણા બધા કમાન્ડર અને રાજકીય આગેવાનો ખતમ કરી નાખ્યા છે. તેઓ ઝડપથી નિર્ણય કરી શકતા નથી. આ દરમિયાન ટ્રમ્પે ઇરાનને હોર્મુઝમાથી પસાર થવા બદલ ટેક્સ ચૂકવનારી શિપિંગ કંપનીઓને ચેતવણી આપી છે અને તેને સાંખી નહીં લેવાય તેમ જણાવ્યું છે.
અમેરિકા સામે ચીની સેટેલાઇટ બન્યો ઇરાનની લશ્કરી આંખ
ઇરાન સાથેના યુદ્ધવિરામનો મહિનો થયા પછી મધ્યપૂર્વમાં અમેરિકાના લશ્કરી મથકોની શું સ્થિતિ થઈ તેની તસ્વીરો સામે આવી રહી છે. આ તસ્વીરો બતાવે છે કે અમેરિકાએ યુદ્ધવિરામની ફરજ કેમ પડી. ઇરાને અમેરિકાના આ લશ્કરી મથકો પર એટલી ચોકસાઈથી હુમલા કર્યા છે કે આ લશ્કરી મથકોની મદદથી અમેરિકા ઇરાન પર જમીન આક્રમણ કરવાની ક્ષમતા ગુમાવી બેઠું છે.ઇરાનના આટલા ચોકસાઈપૂર્વકના હુમલાએ અમેરિકાને ચોંકાવ્યુ છે, અમેરિકા માનતુ હતુ કે આવી ક્ષમતા તો તેની પાસે જ છે. ઇરાન આટલી મોટી સંખ્યામાં અમેરિકાના લશ્કરી થાણા પર હુમલો કરી શક્યું તેનું કારણ ચીન છે. તહેરાન ટાઇમ્સના રિપોર્ટ મુજબ ઇરાને ૨૦૨૪માં ચીન પાસેથી ટી-૦૧૪ સેટેલાઇટ ખરીદ્યો હતો. આ સેટેલાઇટ્સ અત્યંત આધુનિક છે. તેના કારણે ઇરાને તેની લશ્કરી આંખ વિકસાવી અને ઇરાન લશ્કરી આંખના મોરચે અમેરિકાની સમકક્ષ થઈ ગયુ. તેના કારણે અમેરિકાના બધા જ એરબેઝને લગતી બધી જ માહિતી, તેના ડેપો, રિપેરિગથી લઈને મેઇન્ટેનન્સ સુધીનો બધો ડેટા તેણે સેટેલાઇટથી મેળવી લીધો. તેના પછી તેણે તેના મિસાઇલોની રેન્જ જ વિસ્તારવાની હતી. આ હુમલા પછી સંભવત: અમેરિકા મધ્યપૂર્વમાંથી તેની સત્તા આટોપવી પડે તો આશ્ચર્ય નહી થાય. અમેરિકા અફઘાનિસ્તાનમાંથી ૨૦૨૧માં જે રીતે ભાગ્યું હતું હવે તે જ રીતે ઇરાન સામેના યુદ્ધમાંથી પણ ભાગી શકે છે.
ઇરાનના આ ચોકસાઈપૂર્વકના હુમલાએ અમેરિકાના મધ્યપૂર્વના બધા જ લશ્કરી મથકોનો ધરાર ખાત્મો બોલાવ્યો છે. તેની સાથે અમેરિકા એક મહાસત્તા છે અને તેના પર કોઈ હુમલો જ ન કરી શકે તેવો ઘમંડ ચકનાચૂર કરી નાખ્યો છે. માદુરોની ધરપકડ પછી પ્રમુખ ટ્રમ્પને અમેરિકન લશ્કર બધુ જ કરી શકે છે તેવા ટ્રમ્પના સામ્રાજ્યવદી અહમને કોઈ મોટી મહાસત્તાએ નહીં પણ ઇરાન જેવા ત્રીજા વિશ્વના દેશે ભાગીને ભુક્કો કરી નાખ્યો છે.
અમે ચાંચિયાની જેમ ઉતર્યા અને ઓઇલ ટેન્કર જપ્ત કર્યુ: ટ્રમ્પ
– ઇરાને અમેરિકાની ટેન્કર જપ્ત કરવાની કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ સમાન ગણાવી
વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે પોતાના જ દેશના નૌકાદળની ગરિમાનો ભંગ કરતા જણાવ્યું હતું કે અમે જાણે ચાંચિયા હોય તેમ ઇરાનના ઓઇલને જપ્ત કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું હતું કે અમારું નૌકાદળ ચાંચિયાઓની જેમ ઇરાનના ઓઇલ ટેન્કરોને જપ્ત કરી રહ્યું છે.
તેની સાથે તેમણે ઇરાનના ઓઇલ ટેન્કરોને કેવી રીતે જપ્ત કરવામાં આવ્યા અને આખા જહાજો કબ્જે કરવામાં આવ્યા તે જણાવ્યું હતું. ટ્રમ્પે જણાવ્યું હતું કે આ પ્રકારની ચાંચિયાગીરી એકદમ નફાકારક કારોબાર લાગે છે.
ટ્રમ્પની વાત સાંભળીને લોકોનું ટોળું ઉન્માદમાં આવતા ટ્રમ્પ ખુશ થઈ ગયા હતા. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે જાણે હાલમાં ચાંચિયા જેવા છીએ. અમારી હાલની પ્રવૃત્તિની તુલના ચાંચિયાગીરી સાથે થઈ શકે, પરંતુ અમે ગેમ્સ નથી રમી રહ્યા.
અમેરિકન દળોએ ઇરાનના ઓઇલનું પરિવહન કરતાં બે ટેન્કર ઝડપ્યા હતા તેને ઇરાને લૂંટ ગણાવી હતી. તેમણે અમેરિકા પર આંતરરાષ્ટ્રીય કાયદાના ભંગનો આરોપ લગાવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું હતું કે અમેરિકન લશ્કર ચાંચિયાઓની જેમ વર્તી રહ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં અમેરિકન લશ્કરની કાર્યવાહીની તુલના ચાંચિયાગીરી સાથે કરી હતી.



