‘ઈરાન બાદ ક્યૂબાનો વારો પાડી દઈશ, જહાજો તહેનાત કરતાં જ એ સરેન્ડર કરશે..’, ટ્રમ્પનો મોટો દાવો | Trump Vows to Take Over Cuba New Sanctions and Military Threats Spark Global Debate

Trump Vows to ‘Take Over’ Cuba: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના નિવેદનથી વિશ્વભરનું ધ્યાન અમેરિકા તરફ ખેંચ્યું છે. ફ્લોરિડાના પામ બીચ પર આયોજિત ‘ફોરમ ક્લબ’ના એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચાવતા કહ્યું કે, અમેરિકા બહુ જલ્દી ક્યુબા પર ‘કબ્જો’ કરવા જઈ રહ્યું છે. ભૂતપૂર્વ પ્રતિનિધિ ડેન માઈકાનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે રમુજી પણ ગંભીર સૂરમાં જણાવ્યું હતું કે, ક્યુબા એક એવી જગ્યા છે જેને અમે લગભગ તાત્કાલિક અમારા કબજામાં લેવા જઈ રહ્યા છીએ.
‘પહેલા એક કામ પૂરું કરીશ અને પછી ક્યુબા તરફ નજર’
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્યુબાની વર્તમાન પરિસ્થિતિ અંગે વાત કરતા સ્વીકાર્યું છે કે ત્યાં અત્યારે ઘણી ગંભીર સમસ્યાઓ અને મુશ્કેલીઓ ચાલી રહી છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ એકસાથે અનેક મોરચે કે લડાઈમાં જોડાવા માંગતા નથી. સભાને સંબોધતા તેમણે જણાવ્યું કે, ક્યુબામાં ભલે મુશ્કેલીઓ હોય, પરંતુ તેઓ અત્યારે જે કામ હાથ પર છે તેને પહેલા પૂરું કરવા પર ધ્યાન આપી રહ્યા છે, કારણ કે તેમને અધૂરા કામ છોડવાને બદલે તેને પૂર્ણ કરવા પસંદ છે. ટ્રમ્પના આ નિવેદનથી એવો સંકેત મળે છે કે તેઓ હાલ ક્યુબા પહેલા અન્ય કોઈ મોટા અને મહત્ત્વના મિશન અથવા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
લશ્કરી તાકાતનો દબદબો અને ક્યુબાનું આત્મસમર્પણ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક કાલ્પનિક સ્થિતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, અમેરિકા તેની સૈન્ય તાકાતના જોરે કોઈપણ મોટા યુદ્ધ વગર ક્યુબાને નમાવી શકે છે. તેમણે કહ્યું કે જ્યારે અમેરિકા ઈરાનથી પરત ફરી રહ્યું હશે, ત્યારે તેમની પાસે દુનિયાનું સૌથી મોટું વિમાનવાહક જહાજ ‘યુએસએસ અબ્રાહમ લિંકન’ હશે, જેને તેઓ ક્યુબાના દરિયાકિનારાથી માત્ર 100 યાર્ડ દૂર લાવીને ઊભું રાખી દેશે. ટ્રમ્પના મતે, આ શક્તિશાળી અમેરિકન યુદ્ધ જહાજની માત્ર હાજરી જોઈને જ ક્યુબાના લોકો આત્મસમર્પણ કરવા માટે મજબૂર થઈ જશે.
નવા પ્રતિબંધો અને આંતરરાષ્ટ્રીય દબાણ
આ નિવેદનની સાથે જ ટ્રમ્પ વહીવટીતંત્રે ક્યુબા પર દબાણ વધારવાની શરૂઆત પણ કરી દીધી છે. શુક્રવાર, 1 મે 2026ના રોજ ટ્રમ્પે ક્યુબા વિરુદ્ધ નવા પ્રતિબંધોનો આદેશ આપ્યો છે. આ પ્રતિબંધોમાં કમ્યુનિસ્ટ શાસિત ક્યુબાના અનેક લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે, સાથે જ તેમની સાથે વ્યવહાર કરનાર વિદેશી બેન્કોને પણ ચેતવણી આપવામાં આવી છે. ટ્રમ્પનું આ નિવેદન માત્ર મજાક છે કે ભવિષ્યની કોઈ વ્યૂહનીતિનો હિસ્સો, તે અંગે અત્યારે રાજકીય જગતમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે.




