गुजरात

બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી | Father Dies of Heart Attack During Daughters’ Wedding Family Hides News Till Ceremony Ends



Junagadh News: જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના કાલિંભડા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં બે પુત્રીઓના લગ્નનો મંગળ અવસર હતો, ત્યાં જ પિતાનું હાર્ટ એટેકથી આકસ્મિક નિધન થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જોકે, લગ્નમાં આવેલી જાન અને મહેમાનોની હાજરીને ધ્યાને રાખી, પરિવારે ભારે હૈયે પિતાના મોતના સમાચાર જાન વિદાય ન થઈ ત્યાં સુધી ગુપ્ત રાખ્યા હતા.

લગ્નના મંગળ ગીતો વચ્ચે કાળનો પંજો

કાલિંભડા ગામના રહેવાસી મોહનભાઈ રાઠોડની બે પુત્રીઓ, સીમાબહેન અને ધરતીબહેનના લગ્ન ગઈકાલે નિર્ધારિત હતા. સીમાબહેનની જાન દિવાસાથી અને ધરતીબહેનની જાન આત્રોલીથી આવી હતી. સવારના સમયે ઘરમાં ખુશીનો માહોલ હતો અને મંગળ ગીતો ગવાઈ રહ્યા હતા. મોહનભાઈ પોતે જાનૈયાઓની આગતા-સ્વાગતામાં વ્યસ્ત હતા અને સૌને નાસ્તો કરાવી રહ્યા હતા.

આ દરમિયાન સવારે સાડા દસ વાગ્યાના અરસામાં અચાનક મોહનભાઈને છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ એટેક આવ્યો હતો. તેઓને તાત્કાલિક 108 મારફતે માળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેઓનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં પતિ-પત્ની વચ્ચે સંઘર્ષના વર્ષે 8000 કેસ, આધુનિકતાની દોડમાં સંબંધોની ગરિમા ખોવાઈ

પરિવારની સંયમ અને હિંમત

ઘરના મોભીનું અવસાન થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો, પરંતુ દીકરીઓના લગ્નમાં કોઈ વિઘ્ન ન આવે અને જાનૈયાઓ મૂંઝવણમાં ન મુકાય તે માટે પરિવારે અત્યંત કઠણ કાળજું રાખી આ વાત છુપાવી રાખી હતી. બપોરે જાનૈયાઓએ શાંતિપૂર્વક ભોજન લીધું ત્યાં સુધી કોઈને અણસાર આવવા દીધો ન હતો. આ દરમિયાન પરિવારના સભ્યોએ અન્નનો દાણો પણ મોઢામાં નાખ્યો ન હતો.

મંગળ ગીતો મરશિયામાં ફેરવાયા

બપોર બાદ જ્યારે બંને દીકરીઓની જાન વિદાય થઈ ગઈ, ત્યારબાદ મોહનભાઈનો મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો હતો. પિતાના મોતના સમાચાર મળતા જ આખું ગામ હિબકે ચડ્યું હતું. જે આંગણે સવારે લગ્ન ગીતો ગવાતા હતા, ત્યાં સાંજ પડતા જ મરશિયા ગાવાનો વારો આવ્યો હતો. મોડી રાત્રે ગમગીન માહોલમાં મોહનભાઈની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની લાગણી વ્યાપી ગઈ છે.



Source link

Related Articles

Back to top button