કોમર્શિયલ ગેસના બાટલામાં 2 માસમાં રૂ. 1329ના ભાવવધારાનો ડામ | Commercial gas Cylinder costs Rs 1329 in 2 months 1329 Price Hike

![]()
ગુજરાત સ્થાપના દિવસે જનતાને 48 ટકાના તોતિંગ ભાવવધારાની ભેટ : ખાનગી કંપનીઓના કોમ.ગેસ સિલિન્ડરના બેફામ રીતે 4500 ભાવ કરતા લોકો સરકારી કંપની તરફ વળ્યા, ત્યાં પણ ભાવ વધ્યા
રાજકોટ, : ચૂંટણીઓ પૂરી થતા જ મોંઘવારીના ધગધગતા ડામ આપવાનું શરૂ કરાયું છે અને ઈતિહાસમાં કલ્પના ન કરી હોય એવો ભાવ વધારો આજે કર્યો છે. 19 કિલોનો કોમર્શીયલ એલ.પી.જી.ગેસના બાટલાના ભાવમાં આજે એક દિવસમાં જ રૂ. 993.50 નો તોતિંગ ભાવ વધારો કરતા કોમ.ગેસ વેપારીઓ માટે અસહ્ય ઉંચાઈએ પહોંચાડી દેવાયું છે. ગત 2 માસમાં જ કોમર્શીયલ ગેસસિલિન્ડરના ભાવમાં રૂ. 1329નો વધારો કરાતા ફેબુ્રઆરીમાં રૂ. 1732નો બાટલો હવે રૂ. 3061.50એ પહોંચ્યો છે. આજે એક દિવસમાં 48 ટકા સહિત 2 માસમાં ગેસ સિલિન્ડરમાં 77 ટકાનો અતિશય ભાવવધારો કરાયો છે.
કોમ.ગેસના ભાવ સતત વધતા હોય છે પરંતુ, આ વધારો રૂ. 50-100નો હોય છે, જાન્યુઆરી- 2026માં રૂ. 1683, ફેબુ્રઆરીમાં રૂ. 1732, ઈરાન-અમેરિક,ઈઝરાયેલ યુધ્ધ પછી તા. 7 માર્ચે રૂ. 1760 અને તા. 1 એપ્રિલે રૂ 308નો વધારો ઝીંકતા રૂ. 2068 અને આજે તા. 1 મેના ગુજરાત સ્થાપના દિવસની ભેટરૂપે રૂ. 993નો વધારો ઝીંકાયો છે. આમ, માત્ર બે માસમાં જ રૂ. 1329નો ભાવ વધારો કરાયો છે.
તા. 1 માર્ચથી તા. 1 મે આ બે માસ દરમિયાન એક તરફ કોમ.ગેસના ભાવ વધારાની સાથે આ ભાવે પણ ધંધાર્થીઓને ગેસ સિલિન્ડર તો મળતા નથી અને તેમાં હજુ પણ રેશનીંગ ચાલુ છે. આ કારણે કેટલાક જરૂરિયાતમંદો તો હજાર-પંદરસો ઓનના ભાવ ચૂકવીને ગેસ સિલિન્ડર ખરીદતા અને હવે સત્તાવાર ભાવ જ વધી ગયા છે.
બીજી તરફ,પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ એસેન,સેલ, સુપર, ગો-ગેસ, રિલાયન્સ ગેસ સહિત ખાનગી કંપનીઓના કોમ.ગેસના ભાવ સરકારી કંપનીઓના ભાવની લગભગ સમાન હતા. પરંતુ, આ ખાનગી કંપનીઓએ ગત બે માસમાં ભાવમાં બેફામ વધારો ઝીંકીને ગેસ સિલિન્ડર રૂ. 4500એ પહોંચાડી દીધો છે. જેના પગલે હોટલના ધંધાર્થીઓ સહિત વપરાશકર્તાઓ સરકારી કંપની તરફ વળ્યા હતા અને આજે સરકારી કંપનીએ ખાનગી કંપનીઓના ભાવ વધુ ઉંચા ન લાગે તે રીતે એક સાથે તોતિંગ ભાવ વધારો કર્યો છે.



